સવારનો નાશ્તો હોય કે પછી સાંજનું હળવુ ભોજન હોય બનાવો આ મિક્સ દાળના પૌષ્ટિક પુડલા !

સામાન્ય રીતે આપણે ચણાના લોટના પુડલા બનાવતા હોઈએ છીએ અને બહુ બહુ તો મકાઈનાં લોટના પણ પુડલા બનતા હોય છે. પણ મિક્સ દાળના પુડલા તો તમે ભાગ્યે જ ટ્રાય કર્યા હશે. ચોખા, મગની મોગર અને ચણાની દાળના મિક્સ પુડલા તમારા સ્વાસ્થ્ય માટે સુપર હેલ્ધી છે આ પુડલામાં તેલ પણ ઓછું વપરાય છે તેમ છતાં તમારા સ્વાદના સળવળિયાને પણ તે પૂર્ણ રીતે સંતોષે છે. તો ચાલો બનાવીએ મિક્સ દાળના પુડલા.

મિક્સ દાળના પુડલા બનાવવા માટેની સામગ્રી

1 વાટકી ચોખા

1 વાટકી મગની મોગર (મગની ફોતરા વગરની દાળ)

1 વાટકી ચણાની દાળ

1 ટેબલ સ્પૂન આદુ-લસણ-મરચાની પેસ્ટ

2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર

300-400 ગ્રામ દૂધીની છાલ ઉતારીને તેનું લાંબું છીણ

2 મિડિયમ ડુંગળી જીણી સમારેલી

1 નાની સાઇઝનું જીણું સમારેલું કેપ્સિકમ

1 ચમચી તલ

સ્વાદ પ્રમાણે મીઠુ

ટેસ્ટ પ્રમાણે થોડી ખાંડ, ચપટી હીંગ

1 ચમચી થી વધારે લાલ મરચુ પાઉડર

1 ચમચી મીઠુ, 1 ચમચી હળદર, 1ચમચીથી વધારે ધાણાજીરુ

ખીરુ પાતળુ કરવા માટે છાશ (લગભગ અરધાથી એક વાટકી)

પુડલા શેકવા માટે તેલ

મિક્સ દાળા પુડલા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક વાટકી ચોખા, એક વાટકી મગની મોગર દાળ, એક વાટકી ચણાની દાળ આ બધી જ દાળોને અલગ અલગ વ્યવસ્થિત બે પાણીએ ધોઈ લેવી અને તેને અલગ જ પલાળી લેવી. આ બધી જ દાળને અલગ અલગ છ કલાક માટે પલાળવાની છે.

હવે છ કલાક બાદ બધી જ દાળમાંથી પાણી કાઢી લેવું. હવે મિક્સરનો એક. જાર લેવો અને તેમાં ચણાની દાળ, ચોખા અને મગની મોગરની દાળ આ બધું જ સરખા પ્રમાણમાં લઈને વાટી લેવી. સાથે સાથે તેમાં આદુ, મરચા લસણ અને 2-3 મીઠા લીંમડાના પાન ઉમેરીને તે પણ સાથે વાટી લેવા. તમારા ઝારની સાઈઝ પ્રમાણે તમે બધી જ દાળ એક સાથે પણ વાટી શકો છો અથવા થોડી થોડી કરીને પણ વાટી શકો છો.

મિક્સરમાં દાળ વાટતી વખતે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરતાં જવું. મિક્સરમાં ગ્રાઇન્ડ કરતી વખતે તેને વાટવા માટે જેટલું પાણી જોઈએ તેટલું પાણી ઉમેરવું વધારે ન ઉમેરવું.

હવે બધી જ દાળ વટાઈ જાય એટલે તેને એક તપેલીમાં લઈ લેવું. હવે આ મિક્સ્ચરમાં, 2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, 300-400 ગ્રામ દૂધીની છાલ ઉતારીને તેનું લાંબું છીણ, જીણી સમારેલી બે મિડિયમ સાઇઝની ડુંગળી, અને એક નાની સાઇઝનું જીણું સમારેલું કેપ્સિકમ ઉમેરવું.

હવે તેમાં ખટાશ માટે એક લીંબુ ઉમેરી દેવું. અહીં આ તૈયાર કરેલું ખીરુ ભલે તમને હાંડવા જેવું લાગે પણ તેને હાંડવાની જેમ આથવામાં નથી આવ્યું પણ દાળ પલળી ગયા બાદ તરત જ તેને વાટીને તેનાં પુડલા ઉતારવા માટે ખીતરુ તૈયાર કરી લેવામાં આવ્યું છે.

હવે ખીરામાં બધા મસાલા કરી લેવા. તેના માટે એક ચમચી મીઠુ, એક ચમચી તલ, થોડી ખાંડ, ચપટી હીંગ, એક ચમચીથી વધારે લાલ મરચુ પાઉડર, એક ચમચી મીઠુ, એક ચમચી હળદર, એક ચમચીથી વધારે ધાણાજીરુ ઉમેરી આ બધો જ મસાલો બરાબર હલાવીને મિક્સ કરી લેવા.

અહીં તમે બીજા શાકભાજી જેમ કે ફણસી, લીલી ડુંગળી, લીલું લસણ, વિગેરે પણ ઉમેરી શકો છો. અને બીજી દાળમાં તમે અહીં તુવેરની દાળ પણ પલાળીને ઉમેરી શકો છો. તો પુડલા ઉતારવા માટે ખીરુ તૈયાર છે.

હવે ખીરુ તમને જાડુ લાગે તો તેમાં જોઈતા પ્રમાણમાં છાશ ઉમેરવી. અહીં ખીરાને જરા પણ રેસ્ટ આપવામાં નથી આવ્યો. ખીરુ તૈયાર થઈ ગાય બાદ તરત જ તેના પુડલા ઉતારવામાં આવશે.

હવે એક નનસ્ટીક કે પછી સાદો તવો ગેસ પર ગરમ થવા મુકી દેવો. તવો ગરમ થાય એટલે તેના પર થોડું તેલ સ્પ્રેડ કરી દેવું. હવે તેના પર એક ચમચો ખીરુ રેડી દેવું અને તેને ચમચાથી જ ફેલાવી લેવું. તમે પુડલા કરો તેમ જ.

હવે ખીરુ સ્પ્રેડ કરી લીધા બાદ ઉપરની બાજુએ થોડું તેલ સ્પ્રેડ કરો. અહીં તેલનો ખુબ જ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે વેજિટેબલ્સ, ત્રણ જાતની દાળ અને ઓછા તેલના કારણે આ પુડલા ખરેખર એકદમ હેલ્ધી છે.

હવે એક બાજુ પુડલા શેકાઈ ગયા બાદ તેને પલટી લેવા. અને તેને તાવેથા કે પછી ચમચાની મદદથી દબાવી દબાવીને શેકી લેવા.

હવે ફરી તેની નીચેની બાજુ ફ્લીપ કરી લેવી. અહીં તમે પુડલા ઢાંકીને પણ ચડાવી શકો છો. તેમ કરવાથી પુડલા જલદી જ ચડી જશે અને તમારો સમય બચશે.

તો તૈયાર છે મીક્ષ દાળના વેજિટેબલ્સથી ભરપુર પૌષ્ટિક પુડલા, તમે તેને વધારે શેકીને ક્રીસ્પી પણ બનાવી શકો છો અને ઢીલા પણ બનાવી શકો છો. ઘરના લોકોને જેમ ગમે તેમ બનાવી શકો છો. આ પુડલા સાથે છુંદો, લીલી ચટની તેમજ સોસ ખુબ સારા લાગે છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મિક્સ દાળના પુડલા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *