મિક્સ વેજ ઢોકળા – નાના મોટા દરેકની પસંદ એવા ઢોકળા હવે બનાવજો આવીરીતે…

મિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને હોય છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે. પૂરો વઘાર ઉપરથી કરવાની જગ્યાએ જો અડધો આ રીતે અંદર ખીરામાં ઉમેરી દેવામાં આવે તો ઢોકળા વધારે યમી લાગે છે.

સાથે શાક હોવાથી એટલા સોફ્ટ બને છે કે ઠંડા થયા પછી પણ કડક નથી થતા. સાથે શાકના ગુણ પણ ઉમેરાય છે. મને આ ઢોકળા એટલા પસંદ આવ્યા કે હવે સાદા ઢોકળા ની જગ્યાએ આ જ બનાવવા માટે પહેલી પસંદ હશે.

સાથે લેવામાં આવતા ચોખા એકાદ વર્ષ જૂના અને બોઇલ, કમોદ કણકી કે જીરાસર હશે તો ચીકાશ ઓછી હોવાને કારણે ઢોકળા વધારે ફૂલશે અને સોફ્ટ થશે.

સમય: 45 મિનિટ , સર્વિંગ: 3-4 વ્યક્તિ

➡️ઢોકળા ના ખીરા માટે,

  • • 2 કપ જૂના ટુકડા ચોખા
  • • 3/4 કપ ચણાની દાળ
  • • 1/4 કપ અડદની દાળ
  • • 1/2 કપ તુવેરની દાળ
  • • 1 કપ છાશ
  • • જરુર મુજબ પાણી

➡️ઢોકળાં બનાવવા માટે,

  • • 2 ટેબલ સ્પૂન આદું લસણ મરચાંની પેસ્ટ
  • • 1/2 ટીસ્પૂન હળદર
  • • 1 ટીસ્પૂન મીઠું
  • • 150-200 ગ્રામ છીણેલી દૂધી
  • • 1 નાનું ગાજર છીણેલું
  • • 1/2 કપ ઝીણો સમારેલો કોથમીર-ફૂદીનો
  • • 2 ટેબલ સ્પૂન તેલ
  • • 2 ટીસ્પૂન રાઇ
  • • 1/4 ટીસ્પૂન હીંગ
  • • 1 ટીસ્પૂન કુકીંગ સોડા
  • • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • 2 ચમચી સમારેલી કોથમીર

પધ્ધતિ:

1️⃣ઢોકળાનું ખીરું બનાવવા માટે, ચોખા અને ત્રણે દાળને ભેગા કરી પાણીથી 2-3 વાર સારી રીતે ધોઇ લેવા. પછી ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી 5-6 કલાક માટે પલાળી લેવા.

2️⃣પલળે એટલે થોડી-થોડી છાશ ઉમેરી તેને મિક્સરમાં દરદરું પીસી લેવું. પછી ઢાંકીને 6-8 કલાક માટે સરસ આથો આવે તે માટે મૂકી દેવું. તે પછી ખીરું તૈયાર હશે. ખીરું બહુ પાતળું કે જાડું નથી રાખવાનું. માપસરનું હોવું જોઇએ.

3️⃣ખીરામાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, કોથમીર, ફૂદીનો, આદું લસણ મરચાં ની પેસ્ટ, હળદર, મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું.

4️⃣એક વઘારીયામાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકી તેમાં રાઇ હીંગ નો વઘાર કરવો. આ વઘારને બનેલા ખીરામાં રેડી મિક્સ કરી લેવો.

5️⃣સ્ટીમરમાં પાણી ગરમ મૂકી તેમાં એક પ્લેટ તેલ લગાવીને મૂકવી. 4-5 ચમચા જેટલું ખીરું નાના બાઉલમાં કાઢી તેમાં 1/8 ટીસ્પૂન જેટલો સોડા નાખી 1 મિનિટ માટે ફીણવું. પછી આ મિશ્રણને સ્ટીમરમાં ગરમ પ્લેટમાં રેડી ઠપકારી ફેલાવી દેવું. ઉપર લાલ મરચું પાઉડર છાંટવો. પછી ઢાંકીને 10 મિનિટ માટે સ્ટીમ થવા દેવા.

6️⃣બફાઇ જાય એટલે પ્લેટ બહાર કાઢી 5 મિનિટ માટે ઠંડુ થવા દઇ ચપ્પાથી નાના ચોરસ ટુકડા કરવા. તે જ રીતે નાના ટાર્ટ મોલ્ડમાં કે ઇડલી ના મોલ્ડમાં ખીરું પાથરી સ્ટીમ કરી અલગ આકારના ઢોકળા બનાવી શકાય.

7️⃣બધા ઢોકળા આ રીતે બનાવી લેવા. સોડા બનતી વખતે થોડા ખીરામાં જ ઉમેરવો. બની ગયા બાદ બાકીના 1 ટેબલ સ્પૂન તેલ,રાઇ,હીંગનો વઘાર કરવો. આ વઘારને બધા ઢોકળા પર થોડોક થોડોક રેડવો.

8️⃣ઢોકળા પર સમારેલી કોથમીર ભભરાવવી. અને કેચઅપ,ચટણી,ચા સાથે ગરમાગરમ સર્વ કરવા.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *