મોહનથાળ – જો ચોક્કસ માપ અને ચોક્કસ ટાઇમિંગ અને રીત ને અનુસરશો તો ચોક્કસ થી એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે.

મોહનથાળ એવી મીઠાઈ છે જે હું ક્યારે પણ ખાઈ શકું છું. મોઢા માં મુકતા જ ઓગળી જાય એવું texture અને સ્વાદ નું તો પૂછવું જ શુ !! આજે અહીં બતાવીશ મારા મમ્મી ની સ્ટાઇલ નો મોહનથાળ. આશા છે પસંદ આવશે.

માવા વગર પણ મોહનથાળ બની શકે, પણ માવા વાળા મોહનથાળ ની વાત જ અલગ છે.

સામગ્રી ::

• 1.5 વાડકો ચણા નો કરકરો લોટ

• 2/3 વાડકો ઘી

• 2/3 વાડકો ખાંડ

• 3 ચમચી દૂધ

• 3 ચમચી ઘી

• 2/3 મોળો માવો

• 1/2 ચમચી ઈલાયચી પાવડર

• થોડા કેસર ના તાંતણા

• ચપટી ખાવાનો કેસરી કલર

• 1/4 વાડકો પિસ્તા ની કાતરણ

રીત:

આ મીઠાઈ બનાવવી થોડી ટ્રીકી છે. જો ચોક્કસ માપ અને ચોક્કસ ટાઇમિંગ અને રીત ને અનુસરશો તો ચોક્કસ થી એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે…

અહીં આપણે કરકરો ચણા નો લોટ લઈશું. એક બાઉલ માં આ કરકરો લોટ લો અને એમાં 3 ચમચી હુંફાળું દૂધ અને 3 ચમચી હુંફાળું ઘી ઉમેરો. હળવે થી મિક્સ કરો. બહુ મસળવાનું નથી. હવે આ બાઉલ ને ઢાંકી ને 1.5 થી 2 કલાક માટે સાઈડ પર રાખી દો.

ત્યારબાદ લોટ ને સરસ રીતે ચાળી લો. ચાળવા માટે મોટા કાણાં ની ચાયળી વાપરવી અને આંગળીઓ ના ટેરવા થી ચાળો. ચાળી લેવાથી લોટ એકસરખો થઇ જશે અને ગાઠા પણ નહીં રહે.

બીજી બાજુ ખાંડ અને 1 વાડકો પાણી ગરમ કરો. ધીમા તાપે ઉકાળો. 1 તાર ની ચાસણી બનાવો. ચાસણી માં કેસર અને ઇલાયચી પાવડર ઉમેરો.

જાડા તળિયા વાળી નોન સ્ટિક કડાય માં ઘી અને લોટ લઈ શેકો. ધીમી આંચ પર હલકા બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી શેકો. શેકતી વખતે હલાવતા રહો જેથી લોટ બળે નહીં.

લોટ જેમ જેમ શેકાશે , એકદમ હલકો અને ફૂલેલો થઈ જશે.. ત્યારબાદ લોટ માં માવો ઉમેરો અને સરસ મિક્સ કરો. કોઈ પણ ગાઠા ન રહેવા જોઈએ.

પહેલે થી છેલ્લા સ્ટેપ સુધી આ વાનગી માં ગેસ સ્લો જ રાખવાનો છે. ત્યારબાદ શેકાય ગયેલા લોટ માં ચાસણી ઉમેરો અને ગેસ બંધ કરો. . મેં અહીં થોડો ખાવો નો કલર ચાસણી માં ઉમેર્યો છે. આ કલર પુરી રીતે optional છે.

ત્યારબાદ ફૂલ સ્પીડ થી હલાવો અને જોશો કે લોટ અને ચાસણી એકદમ મિક્સ થઈ જશે. આ મિશ્રણ ને ઘી લગાવેલ વાસણ માં લઇ લો. જો મોહન થાળ ની જાડાય પસંદ હોય તો વાસણ નાનું લેવું.

પીસ્તા ની કાતરણ થી સજાવો. થોડું ઠરે એટલે મનપસંદ શેપ અને સાઈઝ ના કટકા કરો. 6 થી 7 કલાક માટે ઠરવા દો. અને ત્યારબાદ એર ટાઈટ ડબ્બા માં ભરો.


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *