બાળકોને ભાવતા ચીઝમાંથી બનાવો ચીઝ બોલ્સ, બાળકોની સાથે મોટાઓને પણ ભાવશે.

બાળકો શું મોટાઓને પણ ચીઝ ખુબ ભાવતું હોય છે માટે જ તેઓ સેન્ડવીચ તો ચીઝ વાળી પસંદ કરે જ છે પણ હવે તો લોકોને ઢોંસા અને પાંઉ ભાજી પણ ચીઝવાળા ભાવે છે. તો આજે ચેતના બેન લાવ્યા છે નાના મોટા સૌને ભાવે તેવા ચીઝ બોલ્સ.

 

ચીઝ બોલ્સ બનાવવા માટેની સામગ્રી

2 કપ મેશ કરેલા બટાટા

½ કપ છીણેલું પ્રોસેસ્ડ ચીઝ

2 મોટી ચમચી જીણી સમારેલી કોથમીર

½ કપ જીણા સમારેલા

1 મોટી ચમચી જીણા સમારેલા તીખા લીલા મરચા

1 ટી સ્પૂન મરી પાઉડર

1 ટી સ્પૂન મિક્સ હર્બ્સ અથવા ઓરેગાનો

2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લાવર

ચીઝના 10-12 એક ઇંચ જેવડા ક્યૂબ

½ કપ મેંદો

½ કોર્ન ફ્લાવર

સ્વાદ પ્રમાણે મીઠુ

1 કપ બ્રેડ ક્રમ્સ

તળવા માટે તેલ

ચીઝ બોલ્સ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક બોલમાં બે કપ મેશ્ડ બટાટા લેવાના. બટાટા ક્યારેય ફ્રીઝમાં રાખી મુકેલા યુઝ ન કરવા. તાજા જ બાફેલા બટાટાનો ઉપયોગ કરવો તો જ તેનું બાઇન્ડીંગ કામ કરશે.

બટાટા ઉમેર્યા બાદ તેમાં અરધો કપ ગ્રેટેડ પ્રોસેસ્ડ ચીઝ, બે મોટી ચમચી જીણી સમારેલી કોથમીર, અરધો કપ જીણા સમારેલા કેપ્સિકમ બને તો લાલ, પીળા, લીલા બધા જ રંગના લેવા ચીઝ બોલ્સમાં તે સુંદર લાગે છે, સાથે સાથે તીખા લીલા મરચા એક મોટી ચમચી ઉમેરવા.

હવે તેમાં એક નાની ચમચી મરી પાઉડર અને મિક્સ હર્બ્સ ઉમેરી દેવા. મિક્સ હર્બ્સ ન હોય તો તમે ઓરેગાનો પણ ઉમેરી શકો છો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. હવે તેમાં બાઈન્ડીંગ માટે બે મોટા ચમચા કોર્ન ફ્લાઅર ઉમેરવું હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.

અહીં બતાવ્યું છે તે પ્રમાણેનું ચીઝ બોલ્સનું પુરણ તૈયાર થઈ જશે. જેની કન્સીસ્ટન્સી બટાટા વડાના પુરણ જેવી હોવી જોઈએ પણ તેમાં કોર્ન ફ્લાવર નાખ્યો હશે માટે તે થોડું લોટ જેવું પણ હશે.

હવે આ તૈયાર કરેલા પુરણમાંથી અહીં બતાવવામાં આવ્યા છે તે પ્રમાણે નાના-નાના બોલ્સ તૈયાર કરી લેવા.

હવે પ્રોસેસ્ડ ચીઝના અહીં બતાવવામાં આવ્યા છે તે પ્રમાણે પોણાથી એક ઇંચના નાના-નાના ક્યુબ બનાવી લેવા. હવે આ ચીઝ ક્યૂબને જે પુરણના બોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે તેને ચપટા કરીને તેમાં મુકી દેવા.

હવે આ ચીઝના ટુકડાને પુરણથી કવર કરી લેવા. ત્યાં ક્યાંય પણ ક્રેક ન રહેવો જોઈ નહીંતર તેમાંથી ચીઝ લીક થશે અને બોલ્સ ફાટી જશે.

હવે ચીઝ બોલ્સ બનાવવા માટે બેટર તૈયાર કરી લેવું. આ બેટરને તૈયાર કરવા માટે અરધો કપ મેંદો અને અરધો કપ કોર્નફ્લોર એક બોલમાં લેવા અને તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. તેને મિક્સ કરી લેવું.

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને પાતળુ ખીરુ તૈયાર કરી લેવું. આ ખીરુ જાડુ ન હોવું જોઈએ.

અહીં બતાવવામાં આવી છે તે પ્રકારની કન્સીસ્ટન્સી હોવી જોઈએ. ખીરાને બહુ જાડુ ન રાખવું નહીંતર બહારનું પડ જાડુ રહી જશે અને ચીઝ બોલ્સના ટેસ્ટમાં મજા નહીં આવે.

હવે ખીરુ તૈયાર થઈ ગયા બાદ. ચીઝ બોલ્સના કોટીંગ માટે એક કપ બ્રેડ ક્રમ્સ લઈ લેવા અને તેને એક પહોળી ડીશમાં પાથરી દેવાં.

હવે ચીઝ ભરેલો તૈયાર બોલ છે તે લેવો અને તેને તૈયાર કરેલા ખીરામાં ડીપ કરવો અને તે ડીપ કરેલા બોલને બ્રેડ ક્રમ્સમાં રગદોળવો.

આ રીતે બધા જ ચીઝ બોલ્સ તૈયાર કરી લેવા. અને વધારાના બ્રેડ ક્રમ્સ છે એ હળવા હાથે ખંખેરી લેવા.

હવે ફરીવાર આ જ પ્રોસેસ રીપીટ કરવાની. પહેલાં બ્રેડ ક્રમ્સમાં રગદોળેલા બોલ્સ ખીરામાં ફરી ડીપ કરવા અને ફરી તેને બ્રેડ ક્રમ્સમાં રગદોળવા.

હવે વધારાના બ્રેડ ક્રમ્સ બોલ્સને હળવા હાથે ફેરવીને ખંખેરી નાખવા. અને આ જ રીતે બધા જ ચીઝ બોલ્સ બે વાર આ જ પ્રોસેસ કરીને તૈયાર કરી લેવા.

હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકી દેવું અને તેલ ગરમ થાય એટલે શરૂઆતમાં મિડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચીઝ બોલ્સને તળી લેવા.

હવે થોડીવાર બાદ ગેસની ફ્લેમ સ્લો કરી લેવી અને ધીમા તાપે ચીઝ બોલ્સને તળવા.

હવે ચીઝ બોલ્સ હળવા બ્રાઉન રંગના થઈ જાય એટલે તેલમાંથી બહાર કાઢી લેવા.

ચીઝ બોલ્સ બની લીધા બાદ તમે તેને તોડશો તો તમને આ રીતે અંદરથી ચીઝ ખેંચાતુ દેખાશે જેને જોતાં જ ખાનારના મોઢામાં પાણી આવી જશે.

તો તૈયાર છે નાના-મોટા સહુને ભાવતા ચીઝ બોલ્સ. તેને તમે સોસ સાથે કે પછી મેયોનીઝ અને ચીઝ વાળા ડીપ સાથે પણ ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ચીઝ બોલ્સ બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *