નાસ્તા માટેની ખીચી – શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ખીચું મળી જાય તો મોજ આવી જાય…

શિયાળાની કડકડતી ઠંડીમાં ગૃહિણીઓ નાસ્તા માટે ખીચી બનાવતી હોય છે. પાપડ માટે પણ ચોખાના લોટ ની કે ઘઉંના લોટ માં અડદનો લોટ અને સાબુદાણાના કોમ્બિનેશનથી પણ ખીચી બનાવાતી હોય છે. પરંતુ ખાવા માટે બનાવાતી ખીચી ચોખા કે ઘઉંના લોટની હોવા ઉપરાંત સ્પાયસી પણ હોય છે.

શરીરને ગરમી અને તંદુરસ્તી મળે તેવા ઇંગ્રેડિયંટ્સ જેવાકે અજમા, આખુ જીરું, હિંગ, લીલું લસણ, આદું, લીલા કે લાલ મરચા વગેરેનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. શિયાળામાં આવી ખીચી તલના તેલ સાથે ગરમા ગરમ નાસ્તામાં લેવામાં આવે છે. જે શરીર માટે ખૂબજ ફાયદાકારક છે. ઉપરથી કોથમરી અને લાલ મરચુ પાવડર, ચાટ મસાલો સ્પ્રિંકલ કરી વધારે ટેસ્ટી બનાવવામાં આવે છે.

તો આવી પૌષ્ટીક અને ટેસ્ટી નાસ્તા માટેની ખીચીની રેસિપિ અહિં હું આપી રહી છું. આ રેસિપિને ફોલો કરીને જરુરથી ખીચી બનાવજો.

નાસ્તા માટેની ખીચી બનાવવા માટે ની સામગ્રી :

 • 1 કપ ચોખાનો જીણો લોટ
 • 2 કપ ઘઉંનો જીણો લોટ
 • 5 ¼ કપ પાણી
 • 1 ½ કપ મીઠું
 • 1 ટી સ્પુન સોડા બાય કાર્બ
 • 3 ટેબલ સ્પુન એકદમ બારીક કાપેલું લીલું લસણ
 • 1 ઇંચ આદુનો ટુકડો – ખાંડેલો – પેસ્ટ
 • 2 ટી સ્પુન લાલ ફ્રેશ મરચા
 • 1 ટી સ્પુન આખુ જીરું
 • 1 ટી સ્પુન અજમા
 • ½ સ્પુન હિંગ
 • 1 ટી સ્પુન તલ નું તેલ+1 ટી સ્પુન તેલ
 • ગાર્નિશિંગ માટે
 • લાલ મરચું
 • કોથમરી
 • ચાટ મસલો

ખીચી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 1 કપ ચોખાનો અને 2 કપ ઘઉંનો લોટ લઈ ને સાથે ચાળી લ્યો.

તેમાં 1 ટી સ્પુન હીંગ ઉમેરી મિક્સ કરી લ્યો. તેથી ખીચીમાં સરસ અરોમા આવશે. પાણી ઉકાળવા મૂકીએ તેમાં હિંગ નાખવાથી તેની સુગંધ બળી જાય છે.

એક જાડા બોટમવાળા તપેલામાં 5 ½ કપ પાણી લઇ ઉકાળવા મૂકી દ્યો.

તેમાં 1 ½ ટેબલસ્પુન મીઠું, 1 ટી સ્પુન સોડા બાય કાર્બ, 3 ટેબલ સ્પુન એકદમ બારીક કાપેલું લીલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો – ખાંડેલો – પેસ્ટ, 2 ટી સ્પુન લાલ ફ્રેશ મરચા, 1 ટી સ્પુન આખુ જીરું અને 1 ટી સ્પુન અજમા ઉમેરો.

ઉકળવા માંડે એટલે તેમાં 1 ટેબલ સ્પુન તલનું તેલ ઉમેરી ફરી થોડું ઉકાળો. ટોટલ 5 મિનિટ ઉકાળો.

ત્યારબાદ ફ્લૈમ બંધ કરીને તેમાં હિંગ મિક્સ કરેલો ચોખા-ઘઉંનો મિક્સ લોટ થોડો ઉમેરી મિક્સ કરો. એ રીતે થોડો-થોડો લોટ ઉમેરતા જઇને સાથે-સાથે વેલણ રાઉન્ડમાં ફેરવતા-ફેરવતા લોટ અને પાણી એકદમ સરસ રીતે મિક્સ કરી લોટ બાંધ્યો હોય તેવો કરી લ્યો.

ત્યારબાદ મોટી પ્લેટમાં લોટ કાઢી લ્યો. હાથમાં પોલિથિન બેગ પેરીને લોટને બરાબર મસળી લ્યો.

હવે સ્ટીમરમાં તળિયે 1 લિટર જેટલું પાણી ભરી ઉકળે તેટલું ગરમ કરો. સ્ટીમરમાં તેની કાણા વાળી પ્લેટ મૂકી તેલ લગાવી દ્યો.

હવે બનેલી ખીચીના લોટમાંથી મોટા બોલ્સ બનાવીને સ્ટીમરમાં તેલ લગાવેલી પ્લેટ પર 12થી 15 મિનિટ સ્ટીમ કરી લ્યો.

ત્યારબાદ બોલ્સ સ્ટીમ થઇ જાય એટલે તેમાંથી એક એક બોલ બહાર કાઢી જરુર મુજબ મસળી લ્યો. ગરમ ના લાગે તેના માટે હાથમાં પોલીથીન બેગ પેરીને મસળો. સાથે થોડું તેલ ઉમેરો. મસળીને મોટી થેપલી બનાવી( પિકચર માં બતાવ્યા પ્રમાણે મોટી થેપલી ) લ્યો.   સર્વ કરતી વખતે ગરમા ગરમ થેપલી પ્લેટ માં મૂકી તેમાં વચ્ચે જરા ખાડો પાડીને તેમાં થોડું તલનું તેલ ભરો.. ખીચીને નાસ્તામાં લેતી વખતે તેના પર તેલ અને લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને કોથમરી સ્પ્રીંકલ કરો, લીલું લસણ પણ સ્પ્રિંકલ કરો. આચાર મસાલા પણ સાથે લેવાથી વધારે ટેસ્ટી લાગશે.

આ નાસ્તા માટેની સ્પાયસી ખીચી બધાને ખુબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *