પનીર પસંદા – પનીર અને ચીઝ ની સેન્ડવિચ સાથે એકદમ સ્મૂધ અને રીચ ગ્રેવી, હું તો આજે જ બનાવીશ અને તમે?

પનીર પસંદા

રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટ નું આ શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાળકો ને પનીર ભાવતું જ હોય છે. તો આજે જ ટ્રાય કરો આ નવીન શાક જેમાં આપણે બનાવીશું પનીર અને ચીઝ ની સેન્ડવિચ અને પીરસીશું એક સ્મૂધ અને રિચ ગ્રેવી સાથે.. આ વિકેન્ડ પર જ ટ્રાય કરજો બાળકો ખૂબ જ ખુશ થઈ જાશે. સ્વાદિષ્ટ અને આકર્ષિત આ પનીર પસંદા આશા છે પસંદ આવશે.

સામગ્રી:

ગ્રેવી માટે :

• 4-5 લાલ સૂકા મરચા, બીજ કાઢી લેવા

• 2 ચમચી શેકેલુ જીરું

• 6 થી 7 કાજુ

• 3 ટામેટા, પાણી માં બાફેલા

• 2 નંગ ડુંગળી

• 5 થી 6 લસણ ની કળી

• 2 ચમચી સમારેલું આદુ

• 2 ચમચા તાજું દહીં

પનીર સેન્ડવિચ બનાવવા:

• 1/2 વાડકો પનીર નો ભૂકો

• 1 ક્યુબ અમુલ ચીઝ , ખમણેલું

• 2 મોટી ચમચી તાજી કોથમીર ફુદીના ની ચટણી

શાક માટે:

• 300 ગ્રામ તાજું પનીર

• 3 ચમચી બારીક સમારેલી કોથમીર

• 3 મોટી ચમચી ઘી

• તેલ , પનીર સેન્ડવિચ તળવા માટે

• 1 તજ પત્તુ

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી હળદર

• 1 ચમચી ધાણાજીરું

• 2/3 ચમચી ગરમ મસાલા

• મીઠું

રીત :

સૌ પ્રથમ ટામેટા ને ઉકળતા પાણીમાં નાખી 1 મિનિટ માટે ઉકાળો. ગેસ બંધ કરી તપેલા ને ઢાંકી ને 20 25 મિનિટ માટે રેહવા દો. ત્યારબાદ છાલ કાઢી મોટા ટુકડા કરી સાઈડ પર રાખી લો.

મિક્સર માં સૌ પ્રથમ લાલ મરચાં અને શેકેલું જીરું ને વાટો. એકદમ પાવડર થાય ત્યાં સુધી વાટો. હવે કાજુ ઉમેરો અને ફરી એકદમ ઝીણો ભૂકો કરી લો. વાટતી વખતે આપણે સૌ પ્રથમ બધી કોરી સામગ્રી વાટશું અને પછી બાકી ની સામગ્રી ઉમેરીશું.

હવે મિક્સર માં ડુંગળી , લસણ , આદુ ઉમેરો અને એકદમ સરસ , ઝીણું ક્રશ કરી લો. એકદમ સ્મૂધ વટાવું જોઈએ. ત્યારબાદ છેલ્લે દહીં ઉમેરો બ્લેન્ડ કરી લો. આ શાક માટે ની ગ્રેવી તૈયાર થઈ ગઈ.

હવે બનાવીએ પનીર સેન્ડવિચ ….પનીર ને મનગમતા શેપ માં કાપી લો. ચોરસ , ગોળ , ત્રિકોણ કોઈ પણ શેપ પણ જોડી માં કાપવું. પનીર ને શેપ માં કાપો ત્યારે જે સાઈડ પર પનીર ના કટકા નીકળે એને એક પ્લેટ માં સાચવી ને રાખી લો , આપણે મસાલો બનાવવા માં એનો ઉપયોગ કરીશું.

પનીર સેન્ડવિચ નો મસાલો બનાવવા માટે પનીર ની ભૂકો લો. એમાં ખમણેલું અમુલ ચીઝ , ચપટી મીઠું અને ચટણી ઉમેરો. સરસ મિક્સ કરી પનીર ના કટકા માં વચ્ચે ભરો..

2 ચમચી મેંદા માં પાણી ઉમેરી પાતળી પેસ્ટ બનાવો . આ પેસ્ટ માં તૈયાર કરેલ સેન્ડવિચ ડૂબાડો અને ગરમ તેલ માં ફ્રાય કરો.. સેન્ડવિચ થોડી કડક થાય ત્યાં સુધી તળો..

એક કડાય માં ઘી ગરમ કરો. તજ પત્તુ ઉમેરો.. ઘી પ્રોપર ગરમ થાય એટલે તૈયાર કરેલ ગ્રેવી ઉમેરો… ધીમા તાપે આ ગ્રેવી ને શેકો. વચ્ચે વચ્ચે હલાવતા જાઓ. 10 થી 12 મિનિટ માટે શેકો. જો ગ્રેવી બરાબર નહીં શેકાય તો કાચા ડુંગળી ,લસણ ની વાસ આવશે અને આખા શાક નો સ્વાદ બગડશે. ગ્રેવી માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો . પછી ગ્રેવી માં ગરમ મસાલો , લાલ મરચું , હળદર , ધાણાજીરું , મીઠું ઉમેરો . સરસ મિક્સ કરો અને 2 મિનિટ સુધી ઉકાળો.. ત્યારબાદ 1/2 ગ્લાસ પાણી ઉમેરો અને ફરી ઉકાળવા માંડે ત્યાં સુધી પકાવો.

પીરસતી વખતે જ ગ્રેવી માં પનીર સેન્ડવિચ ઉમેરો , કોથમીર થી સજાવટ કરો અને પીરસો.. પહેલે થી પનીર સેન્ડવિચ ઉમેરીશું તો ગ્રેવી બધી ચુસાય જાશે. આશા છે પસંદ આવશે.

નોંધ :

• મેં આ શાક માં ઘર નું બનાવેલ તાજું પનીર વાપર્યું છે , આપ ચાહો તો બજાર માંથી લીધેલું તાજું પનીર પણ વાપરી શકો.

• આ શાક માં મેં કોઈ પણ જાતનું ક્રીમ નથી વાપર્યું , આપ ચાહો તો છેલ્લે ઉમેરી શકો.

• પનીર ની સેન્ડવિચ બનાવા માટે મેં અહીં કોથમીર ની ચટણી અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આપ ચાહો તો બટેટા નો મસાલો કે મિક્સ શાક પણ વાપરી શકો.

• ગ્રેવી બનાવતી વખતે લાલ મરચાં ના બીજ કાઢવાનું ભુલાઈ નહીં એ વાત નું ખાસ ધ્યાન રાખવું..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *