ક્યારેય ખાધું છે આવું વેરિયેશન ? બનાવો પાત્રા અને તુરિયાનું ફ્યુઝન..

ચોમાસા ના આ વરસાદી માહૌલ માં દરેક પ્રકાર ના લીલાછમ તાજાં શાક્ભાજીઓ મળી રહે છે. તુરીયા અને અળવી ના પાન પણ હમણા હમણા શાક માર્કેટમાં બહુ જોવા મળે છે.

તુરીયાથી તો સૌ પરિચિત છો જ, સાથે અળવી અને પાત્રા વિષે થોડી માહિતી મેળવીએ.

અળવી નાં પાન પર,… બેસન- ચણાના લોટ માં મસાલા નાખી, પાણી થી ઘટ્ટ બનાવી, પાન પર લગાડીને, રોલ કરી સ્ટીમ (બાફી) કરીને પાત્રા બનાવવા માં આવે છે. પાત્રા ને સ્ટફ્ડ રોલ કે પતરવેલીયા પણ કહેવામાં આવે છે. તેના રોલ ની સ્લાઇઝ કરી ને તેને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરીને કે વઘારીને પણ નાસ્તા તરીકે અથવા તો જમણ માં ફરસાણ તરીકે ઉપયોગ માં લઇ શકય છે. હેલ્થ કોંશ્યશ લોકો પાત્રા ની બાફેલી સ્લાઇઝ પણ ખાય છે.

તો હેલ્થ માટે ખૂબજ ઉપયોગી એવા આ તુરીયા તેમજ અળવી ના પાન માંથી બનતાં પાત્રા નુ શાક જરુરથી બનાવવું જોઇએ.

અળવી ના પાત્રા બનાવવા ની રીત:

10- 12 નાની સાઈઝ ના અળવી (અરબી) ના કુણાં પાન

½ ઇંચ ખમણેલું આદુ

1 -2 લીલા મરચા-બારિક વાટેલા

1 ટી સ્પુન લાલ મરચુ પાવડર

½ ટી સ્પુન હળદર પાવડર

1 ½ ટી સ્પુન ધાણાજીરું પાવડર

1 ½ ટેબલ સ્પુન આમલી નો પલ્પ

1 ½ કપ ચણા નો લોટ – બેસન

1ટી સ્પુન તેલ

પિંચ સોડા બાય કાર્બ

2 ટેબલ સ્પુન ગોળ

મીઠું સ્વાદ મુજબ

½ ટી સ્પુન ગરમ મસાલો

પાત્રા પર લગાડવા નું ખીરુ બનાવવા ની રીત :

મિક્સિંગ બાઉલ માં ચણા નો લોટ (બેસન) લો. તેમાં ½ ઇંચ ખમણેલું આદુ, 1 -2 લીલા મરચા-બારિક વાટેલા, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટી સ્પુન ધાણાજીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો.

તેમાં 1 ½ ટેબલ સ્પુન આમલી નો પલ્પ, 2 ટેબલ સ્પુન ગોળ, 1 ટી સ્પુન તેલ અને સોડા બાય કાર્બ મિક્સ કરી દ્યો.

ત્યાર બાદ તેમાં જરુર મુજબ નું પાણી ઉમેરી, બટેટા વડા કરતાં પણ ઘટ્ટ ખીરું બનાવો.

*ખીરું ઢીલું બનશે તો પાત્રાના રોલ ટાઇટ વળશે નહિ અને બફાતા ખૂલી જાશે.

અને તુરીયાના શાક માં મિક્સ કરવા જતાં પણ છૂટાં પડી જાશે, તેથી પાણી મિક્સ કરતા ખાસ ધ્યાન રાખવું.

*શાક બનાવવા માટે પાત્રાનો રોલ બહુ મોટો (જાડો) બનાવવો નહિ. નાના કૂણા 10-12 પાન ના 3 રોલ બરાબર માપ ના બનશે.

પાત્રા ના રોલ વાળવાની રીત :

સૌ પ્રથમ દરેક અળવી ના પાન ની પાછળની બાજુ એ રહેલી બધી નસો કાપી લ્યો.

જરુર પડે તો નસો કાપ્યા બાદ પાન ને એ બાજુ થી જ વેલણ થી વળી લ્યો.

સપાટ જગ્યા પર અથવા થાળી ઉંધી મૂકી, તેના પર એક પાન મૂકી ઉપર ચણા ના લોટ ના ઘટ્ટ મિશ્રણ નું આખા પાન પર પાતળું લેયર કરો.

ઉપર બીજુ પાન મૂકી આખા પાન પર ખીરું સ્પ્રેડ કરો. એ રીતે 4 પાન ઉપરાઉપર મુકી ખીરું નું પાતળુ લેયર કરો.

ત્યારબાદ પાન ની બન્ને બાજુ ની ઉભી સાઇડ થોડી અંદર ની બાજુ વાળો. તેના પર પણ ખીરું સ્પ્રેડ કરો.

ત્યારબાદ આડા પાન નો ટાઇટ રોલ વાળો.

આ રીતે 4 – 4 પાન ના રોલ વાળી ને સ્ટીમર ( ઢોકળીયુ ) માં બાફવા મૂકો.

*ટીપ્સ : બાફવા મુકતાં પહેલા રોલ ને ઉપર અને નીચે એમ બન્ને સાઇડ થી ગ્રીસ કરી લેવા. જેથી સ્ટીમર ની કાણા વાળી પ્લેટ પર રોલ મૂકવાથી તેના પર સ્ટીક ના થઇ જાય. અને આખી પ્લેટ ને ગ્રીસ ના કરવી પડે.

*ટીપ્સ : સ્ટીમરમાં 1 લિટર જેટલું પાણી ભરી પ્રી હિટ કરો. (પાણી ઉકાળી લ્યો). જેથી સારું રીઝલ્ટ આવે.

20 – 25 મિનિટ સ્ટીમ કરો.

થોડા ઠરે એટલે તેની સ્લાઇઝ કરો. એક્બાજુ રાખી ઠરવા દ્યો.

*તુરીયા નું શાક બનાવવાની રીત :

250 ગ્રામ છોલી, ધોઇ ને નાના પીસ માં કાપેલા તુરીયા

5-6 કળી લસણ-ફોતરા કાઢી ખાંડેલું

1 ટી સ્પુન લીંબુ નો રસ

2 ટેબલસ્પુન તેલ

10-12 મીઠા લીમડાના પાન

1 નાનો કટકો તજ

2-3 લવિંગ

1 નંગ તમાલપત્ર

1 ટી સ્પુન જીરુ

1 ટી સ્પુન રાઇ

½ ટી સ્પુન હિંગ

1 ½ ટેબલ સ્પુન ધાણાજીરું

¾ ટેબલસ્પુન લાલ મરચુ પાવડર

½ ટી સ્પુન હળદર + ½ ટી સ્પુન હળદર

1/2 ટી સ્પુન ગરમ મસાલો

મીઠું સ્વાદ પ્રમાણે

*ગાર્નીશિંગ માટે સફેદ તલ, ખમણેલું કોપરું અને કોથમરી

*કુકર માં 2 ટેબલ સ્પુન તેલ મૂકી વઘાર કરવા મીડિયમ ફ્લેઇમ પર ગરમ કરો.

તેમાં 1 નાનો કટકો તજ, 2-3 લવિંગ, 1 નંગ તમાલપત્ર, 2-3 લવિંગ મૂકો.

તતડે એટલે તેમાં 1 ટી સ્પુન જીરુ, 1 ટી સ્પુન રાઇ ઉમેરો .

જીરુ બ્રાઉન કલર નું થાય એટલે તેમાં મીઠા લીમડા ના પાન અને હિંગ ઉમેરો. ત્યારબાદ ½ ટીસ્પુન હળદર ઉમેરી ગરમ થાય એટલે હલાવી, તેમાં 250 ગ્રામ છોલી, ધોઇ ને નાના કાપેલા તુરીયા ઉમેરી, હલાવી ને બરાબર મિક્સ કરો.

ત્યાર બાદ તેમાં 1 ½ ટેબલ સ્પુન ધાણાજીરુ, ¾ ટેબલસ્પુન લાલ મરચુ પાવડર, બાકી ની ½ ટેબલ સ્પુન હળદર, મીઠું સ્વાદપ્રમાણે, 5-6 કળી લસણ-ફોતરા કાઢી ખાંડેલું નાખી બધું મિક્સ કરો.

½ કપ પાણી ઉમેરો. શાક સ્પુનથી બરાબર મિક્સ કરી કુકર બંધ કરી મિડિયમ ફ્લેઇમ પર 3 સીટી કરો. કુકર ઠરે એટલે ખોલી ને તેમાં ગરમ મસાલો અને 1 ટી સ્પુન લીંબુ નો રસ મિક્સ કરો.

*ત્યારબાદ કુકર માં જ શાક ઉપર 6-7 પાત્રા ની સ્લાઇઝ મૂકી, હલકા હાથે ચમચા વડે ઉપર નીચે કરી મિક્સ કરો. થોડીવાર કુકર ઢાંકી તુરીયા પાત્રા નું શાક સેટ થવા દ્યો.

*હવે સફેદ તલ, ખમણેલું કોપરું અને કોથમરી વડે ગાર્નીશ કરો.

વધારે સ્પાઇસી બનાવવા માટે તેના પર ઉપર પિંચ લાલ મરચુ અને પિંચ ગરમ મસાલો સ્પ્રીંકલ કરો.

પુરી, પરોઠા કે થેપલા – રોટલી ગમે તેની સાથે ગરમાગરમ પીરસી શકાય તેવું આ સ્પાઇસી તુરીયા પાત્રા નુ શાક તમે પણ જરુર થી બનાવજો. મને તો બહુ ભાવે છે તમને ભાવ્યુ કે નહિ એ જરુરથી જણાવજો.

*પાત્રાની શાક માં નાંખતાં વધેલી સ્લાઇઝ ને વઘારી કે ફ્રાય કરી કરી નાસ્તા માં કે ચા સાથે લ્યો.

રસોઈની રાણી : શોભના વનપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *