બાળકોને લીલી ખારેક ન ભાવતી હોય તો બનાવો પોષક તત્ત્વોથી ભરપૂર લીલી ખારેકનો સ્વાદિષ્ટ શીરો

હાલ માર્કેટમાં લીલી ખારેક ખુબ જ પ્રમાણમાં આવી છે. ઘણા લોકોને આ ખારેક ભાવતી હોય છે ઘણાને નથી ભાવતી. ખાસ કરીને બાળકો નથી ખાતા અને વડીલોને તે કડક હોવાથી ચાવી ન શકવાના કારણે નથી ખાઈ શકતા. તો તેના માટે તમે અહીં જણાવ્યા પ્રમાણે લીલી ખારેકનો સ્વાદિષ્ટ શીરો બનાવી શકો છો. આ ઉપરાંત ખારેક હાડકાને મજબુત બનાવે છે અને શરીરમાં ઘણીબધી શક્તિ ઉત્પન્ન કરે છે માટે આ ફળ તો તમારે બાળકોને ખવડાવવું જ જોઈએ. તો ચાલે બનાવીએ લીલી ખારેકનો શીરો.

લીલી ખારેકનો શીરો બનાવવા માટેની સામગ્રી

250-300 ગ્રામ લીલી ખારેક (અહીં પીળી ખારેક લેવામાં આવી છે)

1 વાટકી ગરમ દૂધ

¼ વાટકી ઘી

¼ વાટકી ખાંડ

લીલી ખારેકનો શીરો બનાવવા માટેની રીત

લીલી ખારેકનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ તો તેને લૂમમાંથી અલગ કરીને તેને પાણીથી વ્યવસ્થિત રીતે ઘસીને ધોઈ લેવી. તેના પર ધૂળ તેમજ જંતુનાશકો ચોંટ્યા હોય એટલે તેને વ્યવસ્થિત રીતે ધોઈ નાખવી.

હવે ખારેકને ધોઈ લીધા બાદ તેના ફાડા કરીને તેમાંથી ઠળિયો કાઢી લેવો આ ઉપરાંત તેના જે ડીટીયાનો કડક ભાગ હોય તે પણ કાઢી લેવો. આવી રીતે બધી જ ખારેકના ટુકડા કરી લેવા.

હવે આ ખારેકના ટુકડા કરી લીધા બાદ તેને મિક્સરના નાના જારમાં લઈ લેવા. ખારેકનું પ્રમાણ ઓછું હોવાથી તેમજ તેની વ્યવસ્થિત બારીક પેસ્ટ બને તે માટે અહીં મિક્સરનો સૌથી નાનો જે ચટનીનો જાર છે તે લેવામાં આવ્યો છે. તમારે પણ તેમ જ કરવું જેથી કરીને પેસ્ટમાં ખારેકના ટૂકડા ન રહી જાય.

હવે ખારેકની બારીક પેસ્ટ બનાવવા માટે તેમાં થોડું દૂધ ઉમેરી દેવું.

હવે તેને બરાબર વાટી લેવી. વાટી લીધા બાદ તમે જોશો કે સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ હશે. આ પ્રમાણ એક વાટકી જેટલું બનશે. તમારે આ માપના આધારે જ બાકીની સામગ્રીઓનું માપ લેવાનું છે. અહીં પણ તેમજ કરવામાં આવ્યું છે.

હવે એક નનસ્ટીક પેન લેવું તેમાં પા વાટકી ઘી ઉમેરવું અને તેને થોડું ગરમ થવા દેવું.

ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં લીલી ખારેકની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેવી. ગેસની ફ્લેમ ધીમી રાખવી. હવે ખારેકનો માવો સતત હલાવતા રહેવો એટલે તે વાસણમાં ચોંટે નહી.

આવી જ રીતે સતત હલાવી હલાવીને 4-5 મિનિટ શુધી ખારેકના માવાને શેકવો. ધીમે ધીમે તેમાંથી ઘી છુટ્ટું પડવા માંડશે.

હવે ઘી છુટ્ટું પડ્યા બાદ તેમાં એક વાટકી ગરમ કરેલું દૂધ ઉમેરી દેવું. હવે ગેસની ફ્લેમ થોડી વધારી દેવી અને તેને બરાબર ઉકળવા દેવું. તમારે અહીં ખાસ ગરમ દૂધ જ લેવાનું છે. ઠંડુ દૂધ ન લેવું.

ખારેકને પાકતા થોડી વાર લાગે છે માટે તેને ઢાંકીને પકવવા દેવી. અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવી.

ખારેકના માવામાં દૂધને ભળતા વાર લાગે છે માટે તેને બરાબર સામાન્ય શીરાની જેમ જ દૂધ બળવા દેવું. અને વચ્ચે વચ્ચે ઢાંકળું ખોલીને જોઈ લેવું કે તે બળતું તો નથી ને.
હવે 4-5 મિનિટ બાદ તમે જેશો કે દૂધ બધું ખારેકની પેસ્ટમાં ભળી જશે અને કોઈ પણ સામાન્ય ઘઉં કે સોજીના શીરા જેવો જ આ શીરો દેખાશે.

હવે તેમાં પા વાટકી ખાંડ ઉમેરી દેવું. અહીં ખારેકની મીઠાશ પ્રમાણે તમારે ખાંડ લેવાની છે. જેથી કરીને શીરો વધારે પડતો મીઠો ન થઈ જાય. હવે ફરી તેને ઢાંકી દેવું અને એક-બે મીનીટ માટે ચડવા દેવું.

હવે તમે જોશો તો શીરો બની ગયો હશે. ગેસ બંધ કરી દેવો. તો તૈયાર છે લીલી ખારેકનો પોષકતત્ત્વોથી ભરપૂર શીરો. શીરો બની ગયા બાદ તમે તેમાં સુકે મેવો તેમજ ઇલાઈચી પાઉડર ઉમેરી શકો છો. અહીં પીળી ખારેક વાપરવામાં આવી છે તમે તેની જગ્યાએ લાલ ખારેક પણ વાપરી શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

લીલી ખારેકનો શીરો બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *