પોષણની ખાણ એવો કાજુ-બદામ-અંજીર મિલ્ક શેક બનાવી ઉપવાસ દરમિયાન પણ ઉર્જાથી ભરપૂર રહો

શ્રાવણ મહિનો શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉપવાસ દરમિયાન પી શકાય તેવું આ એનર્જી મિલ્ક તમારે બનાવતા શીખી જ લેવું જોઈએ. કાજુ-બદામ-અંજીરથી ભરપૂર આ મિલ્ક શેક પીવાથી ઉપવાસી વ્યક્તિને દીવસદરમિયાન ભરપુર ઉર્જા મળી રહે છે. તો ઉપવાસ શરૂ થાય તે પહેલાં એક ટ્રાયલ તો તમારે લઈ જ લેવી જોઈએ.

કાજુ-બદામ-અંજીર મિલ્ક શેક બનાવવા માટેની સામગ્રી

10 બદામ

10 કાજુ

2 સુકા અંજીર

2 ચમચી ખડી સાકર

2 ગ્લાસ દૂધ

કાજુ-બદામ-અંજીર મિલ્ક શેક બનાવવા માટેની રીત

કાજુ-બદામ-અંજીર મિલ્ક શેક બનાવવા માટે સૌ પ્રથમ એક નાનકડી વાટકીમાં 10 બદામ, 10 કાજુ અને 2 નંગ સુકા અંજીર લેવા. અહીં અંજીરને જીણા સમારી લેવા.

અંજીર લેતી વખતે તેને તપાસી લેવા જેથી કરીને તેમાં જો જીવાત પડી હોય તો ખ્યાલ આવી જાય. આ ઉપરાંત તે વાપરવા યોગ્ય છે કે નહીં તે ચેક કરવા માટે તમે તેને સુંઘી પણ શકો છો. જો તમે અંજીર ફ્રીજમાં મુક્યા હશે તો કડક થઈ જશે માટે તેને ઢીલા કરવા માટે શેક બનાવતા પહેલાં કલાકે કાઢી લેવા.

હવે અંજીરને જીણા સમારી લીધા બાદ આ બધી જ સામગ્રીને મિક્સરના સૌથી નાના જાર એટલે કે ચટની જારમા લઈ લેવા. સાથે બેથી અઢી ચમચી ખડી સાકર લઈ લેવી. ખડી સાકર ન હોય તો તમે સાદી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. પણ સ્વાસ્થ્ય માટે ખડી સાકર વધારે યોગ્ય છે.

હવે તેનો બરાબર એકદમ બારીક પાવડર ક્રશ કરી લેવો. સરસ મજાનો કાજુ-બદામ-અંજીરનો પાવડર તૈયાર થઈ ગયો હશે. આ ભુક્કાને તમે લાંબો સમય ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે મિલ્ક શેક બનાવી શકો છો.

હવે આ જ પાવડરવાળા જારમાં થોડુ દૂધ ઉમેરી દેવું. અને તેને થોડું હલાવી લેવું. હલાવી લીધા બાદ મિક્સરમાં ફરી ક્રશ કરી લેવું. આમ કરવાથી દૂધમાં કાજુ-બદામ-અંજીરનો પાઉડર એકરસ થઈ જશે.

હવે તેને એક તપેલીમાં કાઢી લેવું અને તેમાં બીજુ દૂધ પણ ઉમેરી દેવું. હવે તેને હલાવી લેવું.

આ પાઉડરને તમે ગરમ દુધમાં પણ મિક્સ કરી શકો છો અને ઠંડા દૂધમાં પણ મિક્સ કરી શકો છો. ઠંડા દૂધમાં આ શેક વધારે સ્વાદિષ્ટ લાગે છે.

આવી રીતે તમે દૂધ તૈયાર કરીને આખો દીવસ રાખી શકો છો અને ઉપવાસ દરમિયાન દીવસમાં જ્યારે પણ ભુખ લાગે ત્યારે પી શકો છો. તો તૈયાર છે એનર્જીથી ભરપૂર કાજુ-બદામ-અંજીર મિલ્ક શેક. થોડા જ દિવસોમા શ્રાવણ મહિનો શરૂ થવાનો છે તો આ એનર્જી ડ્રીંકનો ઉપયોગ ચોક્કસ શ્રાવણ મહિનામાં કરજો.

આ સિવાય તમે બાળકોને પણ આ મિલ્કશેક પીવડાવી શકો છો તેમને પણ આ મિલ્કશેક ભાવશે અને તેમની દીવસ ભરની દોડાદોડી માટે જે એનર્જીની જરૂર પડશે તે આ મિલ્કશેકમાંથી મળી રહેશે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

કાજુ-બદામ-અંજીર મિલ્ક શેક બનાવવા માટે વિગતવાર વિડિયો


Leave a comment

Your email address will not be published. Required fields are marked *