પોષણથી ભરપૂર કારેલાની છાલના સ્વાદિષ્ટ મુઠિયા ચોક્કસ ટ્રાય કરો

કારેલા એ ભલે સ્વાદે કડવા હોય પણ તેમાં અન્ય શાકભાજીની સરખામણીમાં ચડિયાતા ગુણો સમાયેલા છે. કારેલાનું શાક બનાવતી વખતે આપણે તેની છાલ ઉતારીને તેને ફેંકી દઈએ છીએ પણ આ અતિ પૌષ્ટિક તત્ત્વ ફેંકવા કરતાં તેમાંથી સ્વાદિષ્ટ વાનગી જ કેમ ન બનાવવી. તો આજે અમે લાવ્યા છીએ કારેલાની છાલના પૌષ્ટિક મુઠિયા.

કારેલાની છાલના મુઠિયા બનાવવા માટે સામગ્રી

એક વાટકી કારેલાની છાલ

2 વાટકી ઘઉંનો જાડો લોટ

½ વાટકી જીણી સમારેલી પાલક

½ વાટકી જીણી સમારેલી કોથમીર

10-12 મીઠા લીંબડાના પાન

1 નાની ચમચી, લાલ મરચુ પાઉડર,

1 નાની ચમચી ધાણાજીરુ પાઉડર

1 ચપટી હીંગ

1 ચપટી અજમો

1 ટી સ્પૂન રાઈ

4 ચમચા તેલ

કારેલાની છાલના મુઠિયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ કારેલાને બન્ને છેડેથી થોડા કાપી લેવા જેમ ડીંટીયા કાપીએ તેમ. હવે તેને પાણીમાં દસેક મીનીટ પલાળી રાખવા. ત્યાર બાદ તેને બરાબર ઘસીને ધોઈ લેવા.

હવે કારેલાની છાલ કાઢી લેવી. તેના માટે છરી નહીં પણ પીલરથી છાલ ઉતારવી સરળ પડશે.

અઢીસો કારેલામાંથી લગભગ એક વાટકી જેટલી કારેલાની છાલ નીકળશે.

હવે એક મોટા પાત્રમાં કારેલાની છાલ, જીણા સમારેલા કોથમીર-પાલક, અને ઘઉનો જાડો લોટ એડ કરવા

હવે તેમાં 6-7 મીઠા લીંબડાના પાન ધોઈને જીણા સમારેલી લેવા. મીઠા લીંમડાથી ટેસ્ટ સરસ આવે છે.

હવે 1 ટેબલ સ્પુન આદુ મરચા લસણની પેસ્ટ એડ કરવી.

હવે તેમાં મોણ માટે 2 ચમચી તેલ અને ખટાશ માટે એક-બે લીંબુનો રસ ઉમેરવો. હવે તેમાં મીઠાશ માટે એક ચમચી નેચરલ ગોળ એડ કરવો.

ત્યાર બાદ તેમાં એક ચમચી તલ, એક ચપટી અજમો મસળીને એડ કરવો, સ્વાદ અનુસાર મીઠુ, હળદર,ચપટી હીંગ, એક ચમચી લાલ મરચુ પાવડર, એક ચમચી ધાણાજીરુ પાવડર એડ કરવા.

હવે આ બધી જ સામગ્રી બરાબર મીક્સ કરી લેવી.

હવે એક નાની વાટકીમાં થોડું તેલ લેવું. તેમાં અરધી ચમચી કુકીંગ સોડા એડ કરવો અને તેને આંગળીથી તેલમાં બરાબર મીક્સ કરી દેવું. અને તેને મુઠિયા માટે તૈયાર કરેલા લોટમાં એડ કરી લેવું.

અને તેને બરાબર મીક્સ કરી લેવું.

હવે મુઠિયાનો લોટ બાંધી લેવો. અહીં લોટ બાંધવા માટે વધારે પાણીની જરૂર નહીં પડે.

હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મુકી દેવું. લોટમાંથી લુઆ લઈ તેના રોલ બનાવી લેવા અને તેને કાણા વાળી જાળી પર મુકી દેવા. જો લોટ હાથમાં ચોંટતો હોય તો હાથમાં થોડું તેલ લઈ લેવું.

હવે તેને ઢોકળિયામાં બફાવા માટે મુકી દેવા.

દસ-પંદર મિનિટ બાદ તમે જોશો તો મૂઠિયા બરાબર બફાઈ ગયા હશે. તેને તમે છરી નાખીને પણ ચેક કરી શકો છો.

મુઠિયા બફાઈ ગયા બાદ તેને પંખામાં થોડી વાર ઠંડા થવા માટે મુકી દેવા જેથી કરીને તેને કાપવા સરળ પડે.

હવે મુઠિયા વઘારવા માટે બફાયેલા મુઠિયાના નાના-નાના ટુકડા કરી દેવા.

હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકવું અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરવી.

હવે રાઈ ફુટી જાય એટલે તેમાં કાપેલા મુઠિયા એડ કરી દેવા અને સાથે સાથે 6-7 પત્તા મીઠો લીંમડો પણ એડ કરી દેવા.

હવે તેને બરાબર હલાવી લેવું અને બે મિનિટ માટે તેને તેલમાં સંતળાવા દેવા.

તો તૈયાર છે કારેલાની છાલના પૌષ્ટિક મુઠિયા. તેને તમે અથાણા, દહીં વિગેરે સાથે ખાઈ શકો છો. પણ હાલ કેરીની સિઝન ચાલી રહી છે તો તે કેરીના રસ સાથે થો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

નોંધઃ અહીં કારેલાની છાલને મીઠાના પાણીમાં પલાળીને નથી ઉમેરવામાં આવી અહીં સીધી જ કારેલાની છાલને એડ કરવામાં આવી છે.

ટીપ્સઃ અહીં તમે ખટાશ માટે દહીંપણ એડ કરી શકો છો પણ પછી લોટ બાંધતી વખતે પાણી એડ કરતી વખતે ધ્યાન રાખવું જેથી કરીને લોટ ઢીલો ના બંધાઈ જાય.

રસોઈની રાણીઃ નિધી પટેલ

કારેલાની છાલના પૌષ્ટિક મુઠિયાની વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *