સાદો હાંડવો તો બહુ ખાધો, હવે બનાવો પોષણથી ભરપૂર મીક્સ વેજ હાંડવો.

હાંડવો એ ગુજરાતીઓની સ્પેશિયલ વાનગી છે. જો કે પરપ્રાંતના લોકો માટે ગુજરાતીઓના ઢોકળા વધારે જાણીતા છે પણ હાંડવો પણ ગુજરાતીઓને તેટલો જ ભાવે છે. પણ આજની હાંડવાની રેસીપી થોડી ટ્વીસ્ટવાળી છે. અહીં વેજીટેબલ હાંડવો બનાવવાની રેસીપી આપવામાં આવી છે. આ હાંડવાને જો સોસ સાથે બાળકો સમક્ષ સર્વ કરવામાં આવશે તો તેઓ કોઈ જ ફરિયાદ કર્યા વગર હાંડવામાંના વેજીટેબલ્સ ખાઈ જશે.

મીક્સ વેજ હાંડવો બનાવવા માટેની સામગ્રી

બે વાટકી ખીચડીયા ચોખા

1 વાટકી ચણાની દાળ

1 વાટકીમાં ત્રીજા ભાગની તુવેર દાળ, ત્રીજાભાગની મગની દાળ, ત્રીજા ભાગની અડદની દાળ એડ કરવી

100 ગ્રામ ફણસી

નાની દૂધી

3 મીડીયમ ગાજર

અરધી વાટકી વટાણા

અરધી વાટકી તુવેરના દાણા

એક મકાઈ

જરૂર મુજબ કોથમીર

પા વાટકી લીલુ લસણ

3-4 લીલા મરચા

10-12 લસણની કળી

એક નાનો ટુકડો આદુ

અરધી ચમચી લાલ મરચુ પાઉડર

અરધી ચમચી હળદર

એક ચમચી ધાણાજીરુ પાઉડર

અરધી ચમચી રાઈ,

ચપટી હીંગ

અરધી વાટકી તલ

મીક્ષ વેજ હાંડવો બનાવવાની રીત

સૌ પ્રથમ તમારે 2 વાટકી ખીચડીયા ચોખા, 1 વાટકી ચણાની દાળ, અને એક વાટકીમાં ત્રીજા ભાગની મગની દાળ, ત્રીજા ભાગની તુુવેરની દાળ અને ત્રીજા ભાગની અડદની દાળ લેવી.

એક તપેલીમાં આ બધી જ દાળ મીક્સ કરી લેવી. તેને 2-3 પાણી વડે ધોઈ લેવી.

હવે આ બધી જ દાળ ડૂબે તેના પર પણ થોડું પાણી રહે તેટલું પાણી ઉમેરી તેને 5-6 કલાક માટે પલળવા મુકી દેવું.

5-6 કલાક બાદ બધી જ દાળ બરાબર પલળી ગઈ હશે. જો તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો તેમ કરવાથી 3-4 કલાકમાં દાળ-ચોખા પલળી જશે.

હવે એક મીક્સરનો જાર લેવો અને બધી જ દાળ તેમાં લઈ લેવી. પલાળેલા દાળ ચોખામાં વધેલું પાણી ન લેવું.

હવે તે જ જારમાં 2 ચમચી ખાટ્ટું દહીં એડ કરવું. જો દહીં ખાટું ન હોય તો જ્યારે દાળ-ચોખા પલાળો તે વખતે જ દહીં બાર મુકી દેવું.

હવે મીક્સરમાં બધું જ મીશ્રણ વાટી લેવું. ખીરુ બહુ બારીક ન વાટવું, થોડું કરકરું રાખવું.

હવે એક મોટી તપેલીમાં વટાયેલું બેટર લઈ લેવું. તેમાં કોઈ જ પાણી ઉમેરવાની જરૂર નથી. તેને ઢોંસા કરતાં વધારે જાડુ રાખવાનું છે.

હવે ખીરાને 5-6 કલાક માટે ઢાંકીને બાજુ પર મુકી દેવું. તેને તમે તડકામાં પણ મુકી શકો છો. તેમ કરવાથી આથો જલદી આવી જશે.

5-6 કલાક બાદ તમે જોશો તો આથો બરાબર આવી ગયો હશે.

મકાઈને બાફવા માટે નાના કુકરમાં પાણી લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ અને અરધી નાની ચમચી હળદર એડ કરી કુકરને બંધ કરીને તેની 5-6 વ્હીસલ વગાડી લેવી.

તે દરમિયાન દૂધી અને ગાજર છીણી લેવા. બાકીની શાકભાજી એટલે કે લીલુ લસણ, ફણસી અને કોથમીર જીણા સમારેલી લેવા. મીક્સરમાં આદુ-મરચા-લસણ-લીમડો-વટાણા-તુવેર અધકચરા વાટી લેવા.

હવે ખીરામાં મીક્સરમાં અધકચરા વાટેલા આદુ-મરચા-લસણ-લીમડો-વટાણા-તુવેર એડ કરી લેવા.

સાથે સાથે તેમાં જીણી સમારેલી ફણસી, કોથમીર અને જીણું સમારેલું લીલુ લસણ એડ કરી લેવા.

હવે છીણેલા ગાજર અને દૂધીને દબાવીને હળવા હાથે તેનું પાણી નીચોવીને તેને ખીરામાં એડ કરી દેવા.

હવે તેમાં એક ચમચી મીઠુ એડ કરવું. તમે ખીરાને ટેસ્ટ કરીને તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધારી ઘટાડી શકો છો, એક ચમચી હળદર, અરધી ચમચી લાલ મરચુ, 1 ચમચી ધાણાજીરુ પાઉડર, થોડી હીંગ, અરધી વાટકી જેટલા તલ. આ બધું જ એડ કરીને તેને હળવા હાથે હલાવી લેવું. હવે બાફેલી મકાઈના દાણા છરીથી કાઢી લેવા અને તેને ખીરામાં એડ કરી ખીરુ મીક્સ કરી લેવું.

હવે હાંડવો બનાવતા પહેલાં અરધી ચમચી કુકીંગ સોડા ઉમેરવો અને સોડાને એક્ટીવેટ કરવા માટે તેના પર અરધુ લીંબુ એડ કરવું. જો ખીરુ બનાવતી વખતે તમારું દહીં ખાટુ ન હોય તો અહીં તમે અરધા લીંબુની જગ્યાએ એક લીંબુ વાપરી શકો છો.

હવે કૂકીંગ સોડાને ખીરામાં બરાબર મીક્સ કરી લેવું. જો કે હળવા હાથે જ મીક્સ કરવું.

હવે હાંડવો પાડવા માટે એક કડાઈ ગેસ પર ગરમ થવા મુકી દેવી. તેમાં તેલ એડ કરવું અને તેને ગરમ થવા દેવું. તેલની કડાઈને હલાવીને તેલને આજુ બાજુ સ્પ્રેડ કરી દેવું. હવે તેલમાં અરધી ચમચી રાઈ અને એક ચમચી તલ એડ કરવા.

તલ અને રાઈ તતડવાનો અવાજ આવે એટલે તરત જ તેમાં એક-ડોઢ ચમચો હાંડવાનું ખીરુ એડ કરવું.

હવે કડાઈને ઢાંકી દેવી. પણ એક બાજુથી થોડું ખુલ્લુ રાખવું.

થોડીવાર બાદ જોશો તો આજુબાજુથી હાંડવો ચડી ગયો હશે. પણ વચ્ચે કાચ્ચું હશે. માટે હાંડવાને બરાબર ચડવા દેવું.

હવે હાંડવાની એક બાજુ ચડી ગઈ હશે. એટલે તેને પલટાવી દેવો. બીજી બાજુ શેકાવામાં વાર નહીં લાગે. એટલે થોડી જ વારમાં શેકાઈ જશે.

થોડીવારમાં હાંડવો બરાબર ચડી ગયો હશે.

હાંડવો તૈયાર છે. કડાઈ ઉપરાંત તમે નનસ્ટીક પેન તેમજ હાંડવાના કુકરમાં પણ હાંડવો બનાવી શકો છો.

હાંડવાને તમે, છુંદો, ગોળકેરી, ટોમેટો કેચપ, દહીં તેમજ ચા સાથે સર્વ કરી શકો છો. હાંડવો ગરમ હોય ત્યારે તો સ્વાદીષ્ટ લાગે જ છે પણ ઠંડો હાંડવો ખાવાની પણ કંઈક ઓર જ મજા છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મીક્સ વેજ હાંડવાની સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *