પ્રોટિન તેમજ ફાયબરથી ભરપૂર મકાઈના વડા બનાવો અને રોજ પોષણયુક્ત નાશ્તો કરો !

આજે રોજ સવારે નાશ્તામાં જાત જાતના તૈયાર નાશ્તાઓ ખાવાનો ચીલો થઈ ગયો છે. જે તમારા સ્વાસ્થ્યને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે. પણ જો ઘરનો જ બનાવેલો સ્વાદિષ્ટ નાસ્તો કરવામાં આવે તો શરીરને પોષણ તો મળે જ છે અને સાથે સાથે ઘરની શુદ્ધતા પણ ખરી. તો આજે બનાવો પ્રોટિન તેમજ ફાયબરથી ભરપૂર મકાઈના વડા.

મકાઈના વડા બનાવા માટે સામગ્રી

18-20 નંગ લસણની કળી

3 નંગ લીલા મરચા

1 ઇંચ આદુનો ટુકડો

250 ગ્રામ મકાઈનો લોટ

1 ચમચી કાશ્મીરી લાલ મરચુ

1 ચમચી ધાણા જીરુ

½ ચમચી હળદર

¼ ચમચી ગરમ મસાલો

1 ચમચી જીણી સમારેલી કોથમીર

1 ચમચી તલ

1 ½ ચમચી તેલ

2 ટેબલ સ્પૂન ગોળ

લોટ બાંધવા માટે ખાટી છાશ

સ્વાદ પ્રમાણે મીઠુ

તળવા માટે તેલ

મકાઈના વડા બનાવા માટેની રીત

હવે સૌ પ્રથમ 18-20 નંગ મિડિયમ સાઈઝની લસણની ફોલેલી કળીયો, ત્રણ લીલા મરચા, એક ઇંચ આદુનો ટુકડો લઈ તેને મિક્સરમાં વાટીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

હવે એક મોટા પાત્રમાં બે કપ મકાઈનો લોટ એટલે કે અઢીસો ગ્રામ મકાઈનો લોટ ઉમેરવો. અહીં સફેદ મકાઈનો લોટ લેવામા આવ્યો છે. તમે પીળી મકાઈનો લોટ પણ વાપરી શકો છો. હવે તેમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચુ, એક ચમચી ધાણા જીરુ, અરધી ચમચી હળદર ઉમેરવી. અહીં જો તમે પીળો લોટ લીધો હોય તો હળદર થોડી ઓછી ઉમેરવી.

હવે તેમાં પા ચમચી ગરમ મસાલો, એક મોટી ચમચી તલ, આદુ મરચાની પેસ્ટ ઉમેરવી. તલ તમે અહીં પાછળથી પણ ઉમેરી શકો છો અને જો તલ ન ખાતા હોવ તો તે સ્કિપ કરી શકો છો.

હવે તેમાં બે મોટી ચમચી ગોળ ઉમેરવો. જો તમારે વધારે ચટપટા વડા ખાવા હોય તો બે ચમચી ઉમેરવો નહીંતર થોડો ઓછો ઉમેરવો, હે તેમાં મોણ માટે ડોઢ ચમચી તેલ, એક ચમચી જીણી સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. ગોળ પાણી છોડે એટલે પહેલાં છાશ કે દહીં નાખ્યા વગર જ હાથેથી મસળીને બધી જ સામગ્રી મિક્સ કરી લેવી.

બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ ગયા બાદ ખાટી છાશ ઉમેરીને તેનો લોટ બાંધી લેવો. મકાઈના લોટમાં આપણે બધા જાણીએ છીએ તેમ વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે માટે તેમાં જરૂર પડે તેમ તેમ છાશ ઉમેરતા જવી અને લોટ બાંધતા જવો.

અહીં બતાવ્યું છે તે પ્રમાણેની કન્સીસ્ટન્સી લોટની હોવી જોઈએ.

 

હવે લોટ બાંધીને તૈયાર થઈ ગાય બાદ તેમાંથી એક નાનો લુઓ લઈ તેને હાથેથી જ થેપી લેવો. અને તેના પર અહીં બતાવ્યું છે તે પ્રમાણે ઉપરથી તલ ચોંટાડી દેવા. તમે તલને સ્કિપ પણ કરી શકો છો. આવી જ રીતે બધા વડા થેપી લેવા અને ગેસ પર તેલ પણ ગરમ થવા મુકી દેવું.

હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં વડા ઉમેરતા જવા. શરૂઆતમાં એક બે મિનિટ વડાને ન હલાવવા. ત્યાર બાદ હળવા હાથે વડાને હલાવવા. અહીં વડા વજનવાળા હોવાથી તેલના તળિયે બેસી જાય છે માટે તેને હલાવતા રહેવું.

આ રીતે વડા હળવા બ્રાઉન રંગના થાય એટલે તેલમાંથી બહાર કાઢી લેવા. આવી જ રીતે બાકીના વડા પણ તૈયાર કરી લેવા.

તો તૈયાર છે મકાઈના પ્રોટીન તેમજ ફાયબરથી ભરપૂર વડા. જેને રોજ સવારે બપોરે સાંજે તમે ચા કે દહીં સાથે ખાઈ શકો છો. અહીં તમે લોટ બાંધતી વખતે ગોળકેરીનો રસો પણ ઉમેરી શકો છો તેનાથી પણ સ્વાદ સરસ આવે છે.

રસોઈની રાણીઃ સીમાબેન

મકાઈના વડા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *