ફરાળી રાજગરાની સેવ અને તેનો ફરાળી ચેવડો…

ફરાળી રાજગરાની સેવ અને તેનો ફરાળી ચેવડો :

ફરાળી રાજગરાની સેવ અને તેનો કુરકુરો, ચટપટો તેમજ સ્વાદિષ્ટ ફરાળી ચેવડો ફરાળ કરવા માટેનો બેસ્ટ નાસ્તો છે. વ્રતના ઉપવાસમાં ખાસ કરીને રાજગરાનો વધારે ઉપયોગ થતો હોય છે. રાજગરાના લોટ માંથી ફરાળી થેપલા, પૂરી, ભાખરી,પકોડા, શીરો વગેરે બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત તેમાંથી ફરાળી નાન ખટાઈ અને સુખડી પણ ખુબજ સરસ બનાવી શકાય છે. રાજગરાની ધાણી બનાવીને તેમાંથી પણ સ્વીટ – શીરો અને ખીર બનાવવામાં આવે છે.

અહી હું આપ સૌ માટે રાજગરાની ખુબજ સરળ રીત આપી રહી છું. સાથે એ રાજગરાની સેવ માંથી ખુબજ સ્વાદિષ્ટ ચટપટો ચેવડો બનાવવાની રેસીપી આપી રહી છું. જે બધાને વ્રતના ઉપવાસમાં ખુબજ ભાવશે. જો તમે મોળા- સોલ્ટ વગરના ઉપવાસ કરતા હોવ તો સેવ અને ચેવડામાં સોલ્ટ ઉમેરવાનું એવોઈડ કરજો. આ રેસીપીમાં મેં સોલ્ટ ઉમેર્યું છે. મારી આ રેસીપી ફોલો કરીને તમે પણ ખુબજ સરળ રીતે બની જતી ફરાળી રાજગરાની સેવ અને રાજગરાની સેવનો ફરાળી ચેવડો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

રાજગરાની સેવ અને તેનો ફરાળી ચેવડો બનાવવા માટેની સામગ્રી :

સેવ બનાવવા માટેની સામગ્રી :

 • ૨ કપ બારીક રાજગરાનો લોટ
 • ૧ ટી સ્પુન ફરાળી સોલ્ટ ( સિંધાલુણ) અથવા સ્વાદ મુજબ સોલ્ટ
 • ૧ ૧/૪ કપ પાણી – અથવા જરૂર મુજબ
 • ૧ ટી સ્પુન બારીક મરી પાવડર ૧ ટી સ્પુન ઓઈલ
 • ઓઈલ – ડીપ ફ્રાય કરવા માટે

સૌ પ્રથમ ૨ કપ બારીક રાજગરાનો લોટ લઇ ચાલી લ્યો. ત્યારબાદ તેમાં ૧ ટી સ્પુન ફરાળી સોલ્ટ ( સિંધાલુણ)અને ૧ ટી સ્પુન બારીક મરી પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

*બારીક મરી પાવડર જ વાપરવો. સંચાની જાળીમાં મરીના મોટા કણ અટકશે.

હવે તેમાં મોણ નાખ્યા વગરજ પાણી ઉમેરી મસળતા જઈ સ્મુધ લોટ બાંધી લ્યો. જેથી સંચામાંથી સરળતાથી સેવ પડી શકે. લોટ બંધાઈ જાય એટલે તેના પર ૧ ટી સ્પુન ઓઈલ મુકી ફરીથી સરસ મસળીને ૧૦ મિનીટ રેસ્ટ આપો.

હવે ૧૦ મિનીટ બાદ સેવ પડવાના સંચામાં ઓઈલથી બ્રસિંગ કરીને તેમાં બાંધેલો લોટ ભરીને, ઢાકણની પ્લેટમાં પણ ઓઈલથી ગ્રીસ કરી બંધ કરી બરાબર ફીટ કરી લ્યો.

હવે એક પેનમાં ઓઈલ ગરમ મૂકી એકદમ ગરમ થવા દ્યો. ઓઈલ બરાબર ગરમ થઇ જાય એટલે મિડિયમ ફ્લેમ રાખી સંચામાંથી તેમાં ગોળ ફેરવતા જઈ રાઉન્ડમાં સેવ પાડો ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ). સેવ ઓઈલમાં પડશે, એટલે એકદમ બબલ થવા માંડશે. જારા વડે ઓઈલમાં જ રાઉન્ડમાં ફેરવતા રહો. બબલ એકદમ ઓછા થઇ જાય અને નીચેની બાજુ સેવ ક્રિસ્પી થઇ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી નીચેની બાજુ ડીપ ફ્રાય કરો.

ત્યારબાદ સેવનું સર્કલ જારા વડે પલટાવી લ્યો. એ બાજુ પણ જારા વડે ફેરવતા રહી ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યારબાદ સેવનું સર્કલ જારામાં લઇ ઓઈલ નીતારી પ્લેટમાં કે મોટા વાસણમાં ટ્રાન્સફર કરો.

આ પ્રમાણે સંચામાં ભરેલા બધા લોટમાંથી કુરકુરિ સેવ બનાવી લ્યો. ગરમાગરમ સેવ હવે સર્વ કરવા માટે રેડી છે. આ સેવ આમ પણ એકલી ફરાળમાં ખાઈ શકાય છે. અને તેનો ફરાળી ચેવડો બનાવીને પણ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રાજગરાની સેવમાંથી ફરાળી ચેવડો બનાવવા માટેની સામગ્રી :

 • બનાવેલી બધી રાજગરાની સેવ લેવી
 • ૧/૨ કપ શીંગ દાણા
 • ૧૦-૧૫ કાજુના મોટા ટુકડા
 • ૨૦-૨૫ કીશમીશ
 • ૧૫-૨૦ પાન મીઠો લીમડો
 • ૧ ટેબલ સ્પુન સુગર પાવડર
 • સ્વાદ મુજબ સિંધાલુણ – સોલ્ટ – ફરાળી મીઠું
 • ૧/૨ ટી સ્પુન મરી પાવડર (ઓપ્શનલ)

રાજગરાની સેવનો ફરાળી ચેવડો બનાવવાની રીત :

સૌ પ્રથમ ઓઈલ ગરમ કરીને તેમાં શીંગ દાણા, કાજુ અને કિશમીશ બદામી થાય ત્યાં સુધી ફ્રાય કરી પ્લેટમાં ટ્રાન્સફર કરી લ્યો. ત્યારબાદ લીમડાના પાન ક્રન્ચી થાય ત્યાં સુધી ફ્રાય કરો હવે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લ્યો.

ત્યારબાદ મોટા વાસણમાં તમે બનાવેલી બધી સેવ મુકો. તેને હલકા હાથે પ્રેસ કરીને નાના ટુકડા કરો. હવે તેમાં ફ્રાય કરેલા શીંગ દાણા, કાજુ અને કિશમીશ અને ક્રન્ચી લીમડાના પાન ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ૧ ટેબલ સ્પુન સુગર પાવડર, સ્વાદ મુજબ સિંધાલુણ – સોલ્ટ – ફરાળી મીઠું અને ૧/૨ ટી સ્પુન મરી પાવડર (ઓપ્શનલ) ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે રાજગરાની સેવનો ફરાળી ચેવડો સર્વ કરવા માટે રેડી છે. ફરાળી પેંડા, બરફી કે ફરાળી સ્વીટ સાથે સર્વ કરવાથી આ ફરાળી ચેવડો વધારે ટેસ્ટી અને ચટપટો લાગશે.

તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને એકવાર બનાવશો તો વારંવાર બનાવવા લાગશો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *