વેકેશન ચાલે છે તો ચાલો આ રજાઓમાં સ્વાસ્થ્ય સાચવીએ….

શું રજાઓ દરમિયાન બહારગામ જવામાં વજન વધવાના વિચારે ધ્રુજી ઉઠો છો ? 10-12 દિવસની રજામાં લોકો 2થી 3 કિલો વજન વધારી દે છે. જેને સાઇન્ટિફિક વેમાં ઉતારતા બીજા ત્રણ-ચાર અઠવાડિયા લાગી જાય છે. આ ઉનાળુ વેકેશનમાં ચાલો રજાઓ અને રજા દરમિયાન કરવામાં આવતા પ્રવાસોને મજાથી માણીએ. એવા રસ્તા અજમાવીએ જેથી કરીને પેટનો ઘેરાવો વધાર્યા વગર જ રજાઓનો આનંદ માણી શકાય.

માત્ર ખર્ચેલા પૈસા જ વસુલ ન કરો પણ તેનો આનાંદ પણ ઉઠાવો
આપણે બહારગામ જઈએ ત્યારે ખાવાપીવાના પૈસા અહીંથી જ ભરી દઈએ છીએ. અને ફરવાનું એન્જોય કરવા કરતાં ખાવાનો જ આનંદ ઉઠાવીએ છીએ. ખાવાનો આનંદ તો તમે ઘરે પણ માણી શકો છો. પણ તમે જ્યાં ફરવા ગયા છો તેનો આનંદ પણ માણો. ત્યાંનું સૌંદર્ય ત્યાંની પરંપરાઓને સમજવાનો પ્રયાસ કરો. ખાવાનું તો તમારે રોજ છે. તેઓ તમને મિષ્ટાન અને ફરસાણ આપશે જ. દરેકને કંઈ તમારે પેટ ભરીને જ ખાવા જરૂરી નથી. પિરસેલા દરેક વ્યંજનો ચોક્કસ ચાખો પણ તેનાથી તમારે પેટને ઠાંસીને ભરી નથી લેવાનું. તમારી આ કૂટેવથી જ તમારું વજન વધે છે. પણ જો તમે ઇચ્છતા હોવ કે તમારે તમારી ખાવાની ઇચ્છાને રોકવી છે તો તે માટે છાશ પીવો. છાશ પીધા બાદ જ જમો જેથી કરીને તમે અકરાતિયા થઈને ભોજન પર ટૂટી ન પડો.

ભૂખ્યા ન રહોમાત્ર સાંજના મિષ્ટાન તેમજ ભોજનના વિચારે તમારે આખો દિવસ ભુખ્યા રહેવાની જરૂર નથી. સાંજે તો તમારે મિષ્ઠાન અને ભોજન ખાવાના જ છે તો તમારે તમારું સવારનું ભોજન હળવુ કરી લેવું જોઈએ. કારણ કે તમારે

આખો દિવસ ફરવાનું છે અને તેવા સંજોગોમાં ભુખ્યા રહેવું યોગ્ય નથી.
હળવા ભોજનમાં તમે સૂપ અને સેન્ડવીચ, પુલાવ અને દહીં, અથવા દાળ અને ભાત વિગેરે વિગેરે સલાડ સાથે ખાઈ શકો જેથી કરીને તમને સાંજના 4થી 5ના સમયે સીંગ-ચણા કે ચોકલેટ ખાવાની લાલચ ન થાય. તેમ છતાં પણ જો તમને સાંજે ભૂખ લાગે તો તમે પોપકોન કે પૌંઆના ચેવડાનો હળવો નાશ્તો કરી શકો છો. અને ત્યારે પાણી, નારિયેળ પાણી અથવા ફ્રૂટ જ્યૂસનું સેવન પણ કરી શકો છો. જે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને તેનાથી પેટ પણ ભરાઈ જશે.

હંમેશા બ્રેકફાસ્ટ કરીને જ નીકળો જ્યારે તમે હોલિડે ટૂઅર પર હોવ ત્યારે સવારનો નાશ્તો તમારું મુખ્ય ભોજન જ હોવો જોઈએ. ટુઅરમાં હંમેશા તમને સવારની બાજુએ સાઇટ-સીઇંગ માટે લઈ જવામાં આવતા હોય છે તો તેવા સમયે તમારે સવારનો નાશ્તો કરીને જ નીકળવું જોઈ. જો વહેલી સવારે નિકળવાનું હોય તો પણ તમારે 15 મિનિટ વહેલા ઉઠીને પણ નાશ્તો કરી લેવો જોઈએ. આ ઉપરાંત તમે તમારી સાથે ફ્રૂટ તેમજ હળવો નાશ્તો પણ રાખી શકો છો.

સવારના નાશ્તામાં પૌઆ, ઉપમા, સેન્ડવીચ, સીરીયલ વગેરે કોઈપણ નાસ્તો કરીને જ દિવસની શરૂઆત કરો. ફળોનો ઉપયોગ ભપૂર કરો. ઘરના તળેલા નાશ્તા જેવા કે પૂરી, વડા, મઠિયા વિગેરેનો ઉપયોગ ઓછો કરો તેના કરતાં તમે ઘરના બનાવેલા થેપલા, શેકેલો ચેવડો અથવા સેન્ડવીચ ખાવાનો આગ્રહ રાખો.

પુષ્કળ પાણી પીવો ઘણીવાર બહારગામ ફરવા ગયા હોઈએ ત્યારે આપણે પુરતું પાણી પી શકતા નથી. આખો દિવસ પ્રવાસમાં વ્યસ્ત હોવાથી આપણે પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. પણ જ્યારે તમે હોટેલ કે ઘરે હોવ ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પી લેવું જોઈએ, બપોરે તમારે ઠંડા-પીણાની જગ્યાએ ફ્રૂટ જ્યૂસનું સેવન કરવું જોઈએ.

એક્ટીવ રહો

બહારગામ જાઓ ત્યારે વહેલી સવારે લટાર મારવા નીકળી પડો. સવારની તાજી પોલ્યુશન ફ્રી હવામાં તમારા ફેફસાને પણ તંદુરસ્તી મળશે તેમજ તમારી ત્વચા પણ તાજગી અભવશે. તમે હળવુ જોગિંગ કરી શકો છો અને જો સમય તેમજ વ્યવસ્થા હોય તો તમે સ્વિમિંગ પણ કરી શકો છો. તેમજ હળવી કસરત કરવાથી તમારા આગલા દિવસનો સ્ટ્રેસ ઉતરી જશો અને તમે નવા દિવસ માટે તાજા-માજા થઈ જશો. બહારના પ્રવાસ દરમિયાન એક્ટિવ રહેવાથી ત્યાં જે કંઈ પણ તમે વધારાની કેલેરી આરોગી છે તે પણ થોડા-ઘણા અંશે બળી જશે. અને જો તમે તમારા ફેમિલિ તેમજ બાળકો સાથે પ્રવૃત્તિશિલ રહેશો તો તમારા પ્રવાસનો આ સમયગાળો યાદગાર બની જશે. ઘરના સભ્યોની સાથે રેસ, ટેનિસ મેચ અથવા ક્રિકેટ મેચ યોજવાથી તમારું તમારા કુટુંબ સાથેનું બોન્ડિંગ વધશે અને સાથે સાથે તમારી કેલરી પણ બળશે.

બી સીલેક્ટિવરે જમવા જાઓ ત્યારે વધુ પડતા ભૂખ્યા ન હોવ તેનું ધ્યાન રાખો. જમતા પહેલાં પપૈયુ કે કોઈ અન્ય ફ્રૂટ, છાશ કે સૂપનું સેવન કરો. બૂફે હોય તો તળેલા-ગળ્યા ખોરાકથી દૂર રહો. પ્રથમ જરૂરી પૌષ્ટિક ખોરાક જેમ કે રોટલી-શાક ખાઈને જ અન્ય વ્યંજનો ખાવાનું રાખો. જો તમે કોઈ હોટેલમાં ખાવાનું ઓર્ડર કરવાના હોવ તો તેઓ તમને ઓછા તળેલા ખોરાક ચોક્કસ આપશે, બાફેલા શાક, બાફેલી દાળ સાદા ભાત, ઘી વગરની રોટલી, વિગેરે તમે ચોક્કસ લઈ શકશો. આ ઉપરાંત તમે ઇડલી સંભાર, સેન્ડવીચ વિગેરે પણ લઈ શકો છો. ભુખ્યા રહીને માત્ર ડેઝર્ટ કે આઇસ્ક્રીમ ખાવાનો જ વિચાર ન કરો. તેના કરતાં જો તમે ભર્યા પેટે જ ડેઝર્ટ ખાશો તો તમારાથી જરૂર કરતાં વધારે નહીં ખવાય.

નાસ્તાની પસંદગી ઘરેથી નીકળતાં જ તળેલા નાશ્તાને બદલે શેકેલા નાશ્તા પર પસંદગી ઉતારો. જો સમય હોય તો ફક્ત ઘરે બનેલા નાશ્તા જેમ કે શેકેલા પૌઆનો ચેવડો, કોર્નફ્લેક્સનો ચેવડો ઘરેથી જ બનાવીને લઈ જાઓ. મીઠાઈમાં શેકેલા ઘુઘરા અથવા ઓછા બટર વાળી બ્રાઉની, ખઝૂર અંજીરના રોલ વિગેરે પણ લઈ જઈ શકાય અને ભુખ લાગે ત્યારે તેને ખાઈ પણ શકાય. બહારગામ જાઓ ત્યારે જરૂર કરતાં વધારે મુખવાસ પોતાની સાથે ન રાખો. મુખવાસમાં પુષ્કળ પ્રમાણમાં મીઠુ, ખાંડ તેમજ ખટાશ હોવાથી તે તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.

પ્રવાસ દરિમયાન ઉંઘનું પ્રમાણ જાળવો

પ્રવાસ દરમિયાન બરાબર ઉંઘ લો. સવારે જો તમારે વહેલા ઉઠવાનું હોય તો રાત્રે વહેલા સુઈ જવું. તમે પ્રવાસમાં તમારા શરીર તેમજ મનને પ્રફુલ્લીત તેમજ રિલેક્સ કરવા જાઓ છો. માટે ખોટા સ્ટ્રેસ લેવાનો કોઈ અર્થ નથી. દિવસ દરમિયાન ઓછામાં ઓછી 6-8 કલાકની ઉંઘ લેવી. જેથી કરીને તમે સાચા અર્થમાં પ્રવાસમાંથી તાજા-માજા થઈને ઘરે પરત ફરશો અને ફરી ઊર્જામય રીતે પોતાના કામ પર લાગી શકશો.


બહારના ખોરાકની કેલરી તેની જગ્યાએ શું લેવાય !

ડબલ ચીઝ પીઝા (મિડિયમ) 580 કેલરી તાજા ફળો અને 1 વાટકો દહીં 200 કેલરી

ડબલ ચીઝ સેન્ડવીચ (ટ્રીપલ લેયર) 450 કેલરી ફક્ત તાજા ફળો (1 વાટકો) 130 કેલરી

મેક્સીકન પીઝા – 540 કેલરી ફક્ત સલાડ (1 ડીશ) 50 કેલરી

25 નંગ બટાટાની ચીપ્સ – 250 કેલરી સાદી સેન્ડવીચ (ટ્રીપલ લેયર- માખણ વગર) 220 કેલરી

બનાના સ્પ્લીટ (આઈસ્ક્રીમ – 425 કેલરી) શેકેલી ચીપ્સ (એક વાટકો) 125 કેલરી

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *