રજવાડી ઢોકળીનું શાક – કાઠીયાવાડની દરેક હોટલ અને ઢાબામાં મળતું આ શાક હવે તમે પણ બનાવી શકશો.

કાઠિયાવાડમાં ક્યાંય પણ બહાર જમવા જઈએ, ધાબા કે નાની-મોટી રેસ્ટોરન્ટ, એક વિકલ્પ ઢોકળીનું શાક તો હોય જ છે. તેના પરથી આપણને ઢોકળીના શાકની પસંદગીનો ખ્યાલ આવે છે.

આ ટ્રેડિશનલ ઢોકળીનું શાક કાઠિયાવાડના માનીતા શાકમાંનું એક છે. જેને વાર-તહેવારે તેમજ નાના-મોટા પ્રસંગોપાત બનાવીને સર્વ કરવાથી આપની રસોઈની શાન વધશે. સૌને ખુબજ ભાવશે જ. હું તો અવાર-નવાર બનાવું છું, બધા હોંશે હોંશે આરોગે છે મારી રજવાડી ઢોકળીનું શાક. તો આજ થી આપ પણ આપના મેનુમાં શામેલ કરજો, કાઠિયાવાડી ઢોકળી

સામગ્રી :


* 1 કપ બેસન

* 1 કપ છાશ

* 1 મીડીયમ સાઈઝનું ટમેટુ

* 2 ટેબલ સ્પૂન આદુ, મરચા, લસણની પેસ્ટ

* 1 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

* 1/2 ટેબલ સ્પૂન હળદર

* 1/2 લાલ મરચું પાવડર

* 1/2 ટેબલ સ્પૂન ખાંડ

* 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

* 1/4 ટેબલ સ્પૂન રાય-જીરું

* 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી લીલી મેથી

* 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર

* મીઠું સ્વાદ પ્રમાણે

* ચપટી કુકીંગ સોડા

* ચપટી હિંગ

* 5 થી 6 ટેબલ સ્પૂન તેલ

* સીઝનીંગ માટે મીઠો લીમડો, સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજ અને બાદિયા

તૈયારી :

# આદુ, લસણ અને મરચાની પેસ્ટ બનાવી લેવી

# કોથમીર અને મેથીને બારીક સમારી લેવી

# ટમેટાને બારીક કાપી લેવા

# લીંબુનો રસ કાઢી લેવો

# બેસન ને ચાળી લો, બેસન ને બદલે ઘરે દળેલો ચણાનો લોટ પણ ચાલે.

રીત :


1) સૌ પ્રથમ એક નોન-સ્ટીક પેન અથવા જાડા તળિયાવાળી કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ લો. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી, દોઢ કપ જેટલું પાણી નાખો. વઘારમાં આ રીતે પાણી ઉમેરવાથી ખુબજ તેલના છાંટા ઉડે છે માટે પાણી ઉમેરતી વખતે બીજા હાથમાં ઢાંકણ રાખવું અને પાણી નાખીને તુરંત ઢાંકી દેવું. ત્યારબાદ તેમાં ચપટી મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લેવું અને પાણીને બરાબર ઉકાળવા દેવું. ઉકળતા પાણીમાં થોડી આદુ-મરચા-લસણની પેસ્ટ તેમજ બારીક કાપેલી લીલી મેથી ઉમેરો. લીલી મેથીના ઓપ્શનમાં કસૂરી(સૂકી) મેથી પણ લઇ શકાય. અજમાનો સ્વાદ પસંદ હોય તો ચપટી અજમા પણ ઉમેરી શકાય.


2) હવે તેમાં થોડો થોડો બેસન ઉમેરો અને ફટાફટ હલાવો જેથી લમ્સ ના રહે. સ્ટવની ફ્લેમ સાવ ધીમી કરી દો.


3) હવે તેમાં કુકીંગ સોડા અને લીંબુનો રસ ઉમેરો. કૂકિંગ સોડાની કવોન્ટિટી ખુબ જ ઓછી લેવાની છે. આ રીતે કૂકિંગ સોડા સાથે લીંબુ ઉમેરવાથી ઢોકળી સરસ સોફ્ટ અને સ્પોન્જી બને છે. આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું, લમ્સ બિલકુલ ના રહેવા દેવા.


ઢોકળીયુ અથવા એક વાસણમાં થોડું પાણી ભરી ઉકાળવા મુકો. પાણી ઉકાળતી વખતે તેમાં લીંબુના છોતરા અથવા ખાટી આમલી નાખવાથી ઢોકળીયુ કાળું પડી જતું નથી.

એક નાનકડી પ્લેટને તેલથી ગ્રીઝીંગ કરી તેમાં ઢોકળીનું મિશ્રણ પાથરો. ફ્લેટ તળિયાવાળા વાસણ અથવા હાથથી થપથપાવીને બરાબર સેટ કરી લો.

4) ઢોકળીયાનું પાણી બરાબર ઉકળી જાય અને બબલ્સ દેખાય એટલે તેમાં મિશ્રણ પાથરેલી પ્લેટ મુકો. મીડીયમથી થોડી વધુ ફ્લેમ રાખીને, ઢાંકણ ઢાંકી પંદરેક મિનિટ્સ ચડવા દો. ઢોકળી વરાળથી બફાય ત્યાં સુધી બીજા સ્ટવ પર સીઝનિંગ કરી લેવાનું.


5) સીઝનિંગ માટે પેનમાં 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લો અને મીડીયમ ફ્લેમ પર ગરમ થવા દો. ઓછા તેલમાં પણ સીઝનિંગ કરી શકાય. તેલ બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ-જીરું નાખો. સાથે તજ, તમાલપત્ર, બાદિયા, સૂકું મરચું અને મીઠો લીમડો નાખો. આ સૂકા મસાલા આપણી સબ્જીને અનોખો રજવાડી સ્વાદ તેમજ મનમોહક સુગંધ આપે છે.


6) હવે તેમાં છાશ અને અડધો કપ પાણી ઉમેરો. તેમાં બારીક કાપેલા ટમેટા ઉમેરી બરાબર મિક્સ કરો.


7) હવે તેમાં હળદર, મીઠું, ખાંડ, લાલ મરચું પાવડર, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકીને ચડવા દો.


8) ઢોકળીને ચપ્પુથી ચેક કરી લો, ઢોકળી ચપ્પુ પર ચિપકે નહિ ત્યાં સુધી બાફવાની છે. ઢોકળી બફાય જાય એટલે તેને નાના પીસીસ કરી લેવા. ચાર થી પાંચ પીસીસને ક્રમ્બલ કરી લેવા જે આપણે વઘારમાં ઉમેરીશું.વઘારમાં ક્રમ્બલ કરેલી ઢોકળી નાખવાથી રસો સરસ ઘટ્ટ બને છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

9) વઘારમાં લીંબુનો રસ,ધાણાજીરું અને ક્રમ્બલ કરેલી ઢોકળી ઉમેરી બરાબર મિક્સ કરી ઢોકળીના પીસીસ ઉમેરો. ઢોકળી ઉમેર્યા પછી માત્ર બે મિનિટ્સ સુધી ચડવા દો. કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ સર્વ કરો.


રોટલી, રોટલા, પરોઠા તેમજ પુરી સાથે આ રજવાડી ઢોકળીની રંગત માણો.

નોંધ :

* સીઝનિંગમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાથે બારીક કાપેલા કાંદા પણ લઇ શકાય.

* લસણ ડુંગળી ના ખાતા હોય તો તેના વગર પણ સબ્જી સ્વાદિષ્ટ જ બને છે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *