રક્ષાબંધને ભાઈનું મોઢું મીઠુ કરો આ ઘરે જ બનાવેલા માવા-સ્ટ્રોબેરી રોલથી

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે હવે છેક ઉતરાયણ સુધી દર મહિને તહેવારો આવતા જ રહેશે. તો આ રક્ષાબંધનના તહેવાર માટે તમે તમારા ભાઈનું તૈયાર મીઠાઈ નહીં પણ ઘરે જ બનાવેલા સ્વાદિષ્ટ માવા-સ્ટ્રોબેરી રોલ બનાવીને મોઢું ગળ્યું કરાવો.

માવા-સ્ટ્રોબેરી રોલ બનાવવા માટેની સામગ્રી

250 ગ્રામ માવો

¾ કપ ખાંડ (તેને દળી લેવી)

¼ કપ સ્ટ્રોબેરી ક્રશ

2 ટેબલ સ્પુન કાજુ-બદામનો અધકચરો ભુક્કો

1 ચપટી ગુલાબી ફુડ કલર

માવા-સ્ટ્રોબેરી રોલ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક નોનસ્ટીક કે પછી સ્ટીલની કડાઈ લઈ તેને ધીમા તાપે ગરમ થવા મુકી દેવી. હવે સૌ પ્રથમ રોલની અંદરનું લેયર બનાવા માટે કડાઈમાં 125 ગ્રામ માવો એટલે કે ઉપર જણાવેલી સામગ્રીમાં 250 ગ્રામ માવો દર્શાવ્યો છે તેનો અરધો માવો છીણીને કડાઈમાં ઉમેરવો.

હવે તેમાં પોણો કપ જેટલી ખાંડ ઉમેરવી. અહીં પોણો કપ ખાંડ દળીને લેવામાં આવી છે. દળેલી ખાંડ જલદી ઓગળશે માટે દળેલી ખાંડ જ લેવી.
હવે તેને સતત હલાવતા રહેવું. ધીમે ધીમે માવો અને ખાંડ ગરમ થશે એટલે ધીમે ધીમે માવો ઢીલો થતો જશે. બે-ત્રણ મીનીટ બાદ માવો અને ખાંડ ઓગળી જશે.

માવો સતત હલાવતા રહેવો. હલાવવાનું બંધ ન કરવું નહીંતર તે નીચેથી દાજી જશે અને મીઠાઈ બગડી જશે.

આ જ રીતે તેને હલાવતા રહેવું તેમાં 2-3 મીનીટમાં બબલ થવા શરૂ થઈ જશે. બબલ શરુ થાય એટલે તેને વધારે બે મીનીટ માટે ગરમ કરી લેવો આ દરમિયાન પણ સતત હલાવતા રહેવું. આથી વધારે માવાને ગરમ કરવો નહીં. નહીંતર તે કઠણ થઈ જશે.

બે મીનીટ બાદ ગેસ બંધ કરી દેવો. અને ગેસ બંધ કરી લીધા બાદ પણ તેને સતત હલાવતા રહેવો જેથી કરીને તે જલદી ઠંડો થઈ જાય. માવો ઠંડો થઈ જાય એટલે તેને એક ડીશમાં કાઢી લેવો.

હવે ફરી તે જ કડાઈમાં બહારનું લેયર બનાવવા માટે બાકીનો અરધો માવો એટલે કે 250 ગ્રામ માવામાંથી બચેલો 125 ગ્રામ માવો ઉમેરી દેવો. ત્યાર બાદ તેમાં તૈયાર સ્ટ્રોબેરી ક્રશ આવે છે તે પા કપ ઉમેરી દેવું.

હવે આગળ જેમ કર્યું તેમ જ ધીમા ગેસે માવો શેકી લેવો. ધીમે ધીમે આગળ જેમ માવો ઢીલો પડવા લાગ્યો હતો તેમ ધીમે ધીમે માવો ઢીલો પડતો જશે. એકધારું હલાવતા રહેવું. અહીં ખાંડ નથી નાખવામાં આવી કારણ કે સ્ટ્રોબેરી ક્રશમાં ઘણીબધી ખાંડ પહેલેથી જ હોય છે.

1-2 મિનિટ શેકાયા બાદ તમે જોશો કે ધીમે ધીમે બબલ આવવાના શરુ થઈ જશે. તે સમયે તમારે તેમાં એક ચપટી ગુલાબી ફુડ કલર ઉમેરી દેવો અને તેને માવામાં બરાબર મિક્સ કરી લેવો.

આમ કરવાથી મીઠાઈનો કલર ખુબ જ સરસ આવશે. મીઠાઈ એટ્રેક્ટીવ લાગશે. તમારે ફુડ કલર ન વાપરવો હોય તો ન વાપરતા. હવે માવાનો રંગ સરસ ગુલાબી થઈ ગયો હશે.

હવે ફુડ કલર મીક્સ કર્યા બાદ તેને ફરી બે મિનિટ ગરમ કરી લેવો અને આ દરમિયાન સતત હલાવતા રહેવું. ગેસ સ્લો ટુ મિડિયમ રાખવો મિડિયમથી ઉપર ન રાખવો નહીંતર માવો બળી જશે. હવે ગેસ બંધ કરી દેવો અને માવાને ઠંડો કરવા માટે સતત હલાવતા રહેવો. ધીમે ધીમે તે ઠંડો થઈ જશે.

હવે એક એલ્યુમિનિયમની ફોઈલ લેવી. અથવા તો તમે કોઈપણ જાડુ પ્લાસ્ટિક લઈ શકો છો. તેને સૌ પ્રથમ તો ઘીથી ગ્રીસ કરી લેવું.

હવે એલ્યુમિનિયમ ફોઈલ લેવી અને અંદરના લેયર માટે જે વ્હાઇટ સાદો માવો તૈયાર કર્યો હતો તે લેવો અને તેનો સરસ રીતે અહીં બતાવ્યો છે તે પ્રમાણે રોલ વાળી લેવો.

હવે આ રોલને બાજુ પર મુકી દેવો અને સ્ટ્રોબેરી ફ્લેવરનો માવો લેવો અને તેને અહીં બતાવ્યું છે તેમ લંબગોળ કે લંબચોરસ આકારમા વણી લેવો.

હવે આ વણાયેલા ચપટા કરેલા સ્ટ્રોબેરી માવાના જાડા રોટલા પર વ્હાઇટ માવાનો તૈયાર કરેલો રોલ મુકી દેવો.

હવે સાદા વ્હાઇટ માવાને સ્ટ્રોબેરી માવાના રોટલાથી કવર કરી લેવો. ક્યાંય તીરાડ ન પડે તેનું ધ્યાન રાખવું અને તેને એકદમ સીલ કરી દેવો.

હવે સીલ કર્યા બાદ આ રોલને હાથેથી થોડો રોલ કરી લેવો. રોલ કરતી વખતે થોડો દબાવી લેવો જેથી કરીને રોલ કાપતી વખતે લેયર છુટ્ટું ન પડે.

હવે કાજુ-બદામનો અધકચરો ભુક્કો કરી લેવો અને તેને અહીં એલ્યુમિનિયમ ફોઈલ પર સ્પ્રેડ કરી લેવો.

હવે આ તૈયાર કરેલા સ્ટ્રોબેરી રોલને આ કાજુ-બદામના ભુક્કા પર દબાવીને રોલ કરી લેવો જેથી કરીને કાજુ બદામ તેને બરાબર ચોંટી જાય.

તૈયાર છે માવા-સ્ટ્રોબેરી રોલ. હવે તેને તે જ એલ્યુ મિનિયમ ફોઈલથી વ્યવસ્થીત રીતે કવર કરી લેવો. બન્ને છેડેથી પણ તેને બંધ કરી દેવો.

હવે તેને આ જ રીતે ઓછામાં ઓછા એક કલાક માટે ફ્રીઝમાં મુકી દેવો જેથી કરીને તે વ્યવસ્થિત સેટ થઈ જાય જેથી કરીને તેને કાપવામાં તકલીફ ન પડે.

હવે એક કલાક બાદ ફ્રીઝમાંથી રોલ બહાર કાઢી લેવો તમે જોશો કે રોલ થોડો કડક થઈ ગયો હશે.

હવે આ રોલના અહીં બતાવવામાં આવ્યા છે તે પ્રમણે ટુકડા કરી લેવા. તમે જોશો કે અંદર વ્હાઇટ અને બહાર સ્ટ્રોબેરી ફ્લેવર માવાવાળો આ રોલ દેખાવમાં પણ સુંદર લાગે છે.

તો તૈયાર છે માવા-સ્ટ્રોબેરી રોલ. તો આ વખતે ભાઈનું મોઢું ચોકલેટથી કે પછી બહાર મળથી રેડીમેડ મીઠાઈથી નહીં પણ તમારા હાથે બનાવેલા આ માવા-સ્ટ્રોબેરી રોલથી કરો. અને જો તમે આ રોલ બનાવો તો કમેન્ટ બોક્ષમાં તેનો ફોટો શેયર કરવાનું ન ભૂલતા.

રસોઈની રાણીઃ સીમા બેન

માવા-સ્ટ્રોબેરી રોલ બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *