શું તમે ક્યારેય રસિયા મૂઠિયા ખાધા છે ? ન ખાધા હોય તો આજે જ રેસિપિ નોંધીને બનાવી લો

જો તમને છાશમાં વઘારેલી વાનગીઓ ભાવતી હોય તો તેમાંની બેસ્ટ રેસીપી આજે અહીં શેયર કરવામાં આવી છે. તે છે રસિયા મૂઠિયા. સામાન્ય રીતે તમે મૂઠિયા તો અવારનવાર બનાવીને ખાતા હશો પણ કાઠિયાવાડની આ ખાસ રેસીપી તમે ભાગ્યે જ ખાધી હશે. તો નોંધી લો આ સ્વાદિષ્ટ વાનગીની રેસીપી.

રસિયા મૂઠિયા બનાવવા માટેની સામગ્રી

500 ગ્રામ દૂધી

½ કપ ચણાનો લોટ

2 કપ ઘઉંનો જાડો લોટ (ભાખરી માટેનો લોટ)

2 ચમચી જીણી સમારેલી કોથમીર

4-5 તીખા મરચા

10-12 લસણની કળી

1 ઇંચ આદુનો ટુકડો

2 મોટા મોળા મરચા જીણા સમારેલા

1 ચમચી ધાણાજીરુ

1 ચમચી હળદર

½ ચમચી ગરમ મસાલો

સ્વાદ પ્રમાણે મીઠુ

1 ચમચી ખાંડ

¼ ચમચી ખાવાનો સોડા

1 લીંબુનો રસ

¾ લીટર ખાટ્ટી છાશ

2 ચમચી તેલ

¼ ચમચી રાઈ

¼ ચમચી જીરુ

થોડી હીંગ

10-12 મીઠા લીંમડાના પાન

1 મીડીયમ સાઇઝની ડુંગળી

અરધી ચમચી લાલ મરચુ પાઉડર

રસિયા મૂઠિયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 500 ગ્રામ દૂધી લઈ તેને ધોઈને તેની છાલ ઉતારી લેવી.

દૂધીની છાલ ઉતારી લીધા બાદ તેને મોટી ખમણીથી છીણી લેવી. જેથી કરીને દૂધીના થોડા જાડા છીણથી મૂઠિયા બનાવ્યા બાદ પણ દૂધી થોડી થોડી ખાવામાં આવે અને તેનો સ્વાદ પણ સરસ લાગે.

હવે દૂધી ખમણી લીધા બાદ અરધો કપ ચણાનો લોટ ચાળીને છીણેલી દૂધીમાં ઉમેરી દેવો. અહીં મૂઠિયા બનાવતી વખતે પાણી ઉમેરવામાં નથી આવ્યું. દૂધીના પાણીથી જ મૂઠિયાનો લોટ બાંધવામાં આવશે.

હવે બે કપ ભાખરીનો જાડો લોટ પણ ચાળીને છીણેલી દૂધીમાં ઉમેરી દેવો. મૂઠિયા બનાવવા માટે હંમેશા ભાખરીનો જાડો લોટ જ લેવો જો રોટલીનો લોટ લેવામાં આવશે તો મૂઠિયા ચીકણા થશે.

હવે બન્ને લોટ ઉમેરી લીધા બાદ તેમાં બે મોટી ચમચી જીણી સમારેલી કોથમીર ઉમેરી લેવી. દાંડી સાથે જ કોથમીર લેવી તેનાથી સ્વાદ સારો આવે છે. કોથમીર ઉમેરી લીધા બાદ તેમાં ડોઢ ટેબલ સ્પૂન લસણ-આદુ-મરચાની પેસ્ટ ઉમેરવી. તેના માટે તમારે 4-5 લીલા તીખા મરચા, એક આદુનો ટુકડો, 10-12 લસણની કળીની જરૂર પડશે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ પ્રમાણ વધારી ઘટાડી શકો છો.

હવે તેમાં બે મોટી ચમચી મોટા મોળા મરચા આવે છે તેને જીણા સમારીને તેમાં ઉમેરી દેવા. તેનાથી ટેસ્ટ સરસ આવે છે. તે ઓપ્શનલ છે.

હવે તેમાં એક ચમચી ધાણાજીરુ, અરધી ચમચી હળદર અને પા ચમચી ગરમ મસાલો ઉમેરી દેવો અને સાથેસાથે ટેસ્ટ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. અને થોડી હીંગ પણ ઉમેરી દેવી. તેનાથી પણ મૂઠિયાના સ્વાદમાં ફરક પડે છે. તેની સાથે સાથે જ 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવું. જેથી મૂઠિયા સોફ્ટ થાય.

હવે તેમાં પા ચમચી ખાવાનો સોડા ઉમેરી દેવો જેથી કરીને મૂઠિયા સરસ મજાને ફુલે.

સોડા નાખ્અયા બાદ તેના પર એક લીંબુનો રસ ઉમેરી દેવો. જેથી કરીને સોડા એક્ટિવેટ થાય અને બધા જ મુઠિયા સરખા ફુલાય. લીંબુ નાખ્યા બાદ તેમાં એક ચમચી ખાંડ પણ ઉમેરી દેવી.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરીને તેનો લોટ બાંધી દેવો. અહીં તમારે દૂધીનું પાણી કાઢ્યું નહીં હોવાથી લોટ બાંધવામાં જરા પણ પાણીની જરૂર નહીં પડે પણ જો દૂધી વધારે રસ વાળી હોય તો બની શકે કે લોટ ઢીલો બંધાઈ જાય તો તે માટે તમે તેમાં જરૂર પ્રમાણે બીજો ભાખરીનો લોટ ઉમેરીને લોટને કઠણ કરી શકો છો.

હવે આ તૈયાર થયેલા લોટમાંથી સપ્રમાણ અહીં બતાવવામાં આવ્યા પ્રમાણે હાથ પર મૂઠિયા રોલ કરીને મૂઠિયા વાળી લેવા.

હવે ગેસ પર ઢોકળિયામાં પાણી ગરમ થવા મુકી દેવું અને જો તમારું ઢોકળિયુ એલ્યુમિનિયમનું હોય અને કાળુ પડી જતું હોય તો તેમાં જે પાણી ઉમેરવામાં આવે છે તેમાં 3-4 લીંબુના ટુકડા ઉમેરી દેવા જેથી કરીને કુકર કાળુ નહીં પડે.

બધા જ મૂઠિયા વળિ જાય એટલે ઢોકળિયાની જાળી પર તેલ લગાવી લેવું જેથી કરીને મૂઠિયા જાળી પર ચોંટે નહીં.

હવે જાળીને ઢોકળિયામાં મુકીને તેમાં એક એક કરીને મૂઠિયા મુકી દેવા. અને જે બીજા લેયરમાં મૂઠિયા મુકવામાં આવે તેના પર સહેજ તેલ લગાવીને મૂઠિયા પર મુકવા જેથી કરીને મૂઠિયા એકબીજાને ચોંટે નહીં.

હવે ઘણીવાર એવું થતું હોય છે કે મૂઠિયા કે ઢોકળાને બાફવામાં એટલે કે વરાળ આપવામાં આવે ત્યારે નીચેથી પાણી ગરમ થઈને ઉપર ઢાંકળા પર તેની વરાળનું પાણી બનીને ઢોકળા કે મુઠિયા પર પડીને તે તેને ભીના કરી દે છે. જો તેમ ન કરવુ હોય તો અહીં બતાવ્યું છે તે રીતે ઢાકણા પર પાતળુ કપડુ પાથરીને ઢાકણું ઢોકળિયા પર ઢાંકી દેવું.

હવે ઢાકણું ઢાંક્યા બાદ 15-20 મિનિટ સુધી તેને ફુલ ગેસ પર ચડવા દેવા. પંદર મીનીટ બાદ તમારે છરી નાખીને મૂઠિયા ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લેવું.

હવે મૂઠિયા ચડી ગયા હોય તો તેને તેમ જ 1 કલાક માઠે ઠંડા થવા રાખી દેવા. ઠંડા થયેલા મુઠિયાનો સ્વાદ સરસ આવે છે.

હવે મૂઠિયાને વઘારવા માટે પોણો લીટર છાશ એક બોલમાં લઈ લેવી. છાશ બહુ જાડી ન લેવી અને બહુ પાતળી પણ ન લેવી. છાશ બને તો ખાટી લેવી. રસિયા મૂઠિયામાં ખાટ્ટી છાસ વધારે સ્વાદિષ્ટ લાગે છે.

હવે આ છાશમાં અરધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરીને તેને હલાવી લેવું.

હવે એક પેનમાં 2 નાની ચમચી તેલ ઉમેરી તેલને ગરમ કરવા મુકી દેવું.

તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અરધી ચમચી રાઈ ઉમેરવી. રાઈ ફુટી જાય એટલે તેમાં અરધી ચમચી જીરુ ઉમેરી દેવું અને ત્યાર બાદ થોડી હિંગ ઉમેરી દેવી.

હવે તેમાં 8-10 મીઠા લીંમડાના પાન ઉમેરી દેવાના. જ્યારે ક્યારેય પણ તમે કઢી વઘારો ત્યારે તેમાં મીઠો લીંમડો તો ચોક્કસ નાખવો જ તેનાથી સ્વાદ ખુબ જ સરસ આવે છે. અરે તેના વગર કઢી અધૂરી છે એવું પણ કહી શકાય.

હવે તેમાં એક મીડીયમ સાઈઝની ડુંગળીને જીણી સમારીને ઉમેરી દેવી. અને તેને મીડીયમ ફ્લેમ પર શેકી લેવી.

હવે ડુંગળી થોડી નરમ અને ગુલાબી રંગની થઈ જાય એટલે તેમાં અરધી ચમચી લાલ મરચુ, અરધી ચમચી ધાણાજીરુ પાઉડર અને પા ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાં. હવે આ બધી સામગ્રીને બરાબર મીક્સ કરી લેવી. અને તેને 3-4 મીનીટ શેકાવા દેવા.

હવે મસાલા શેકાઈ ગયા બાદ તેમાં તૈયાર કરેલી છાશ ઉમેરી દેવી. અને તેને પણ બરાબર મીક્સ કરી લેવી.

હવે છાશને ફુલ ફ્લેમ પર ઉકળવા દેવી.

છાશ ઉકળી ગયા બાદ તેને એકવાર હલાવી લેવી. અને તેમાં મૂઠિયા ઉમેરી દેવા. અહીં તૈયાર કરેલા મુઠિયામાંથી અરધા જ મૂઠિયા ઉમેરવામાં આવ્યા છે.

હવે મૂઠિયાને ઉમેર્યા બાદ તેને ઢાંકીને ચડવા દેવા. ગેસ મિડિયમ રાખવો અને તેને 15-20 મિનિટ માટે ઉકગળવા દેવું જેથી કરીને મૂઠિયા એકદમ રસદાર થઈ જાય અને છાશ પણ ઘાટી થઈ જાય. આ દરમિયાન વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું.

હવે 15-20 મીનીટ બાદ તમે જોશો છાશ જાડી થઈ જશે અને મૂઠિયામાં રસ પણ ઉતરી ગયો હશે.

મૂઠિયામાં રસ ઉતર્યો છે કે નહીં તે જોવા માટે તમારે એક મૂઠિયાને ચમચામાં લઈ તેના ચમચી વડે ટુકડા કરીને જોઈ લેવું.

તો રસિયા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. જો તમારે કડક મૂઠિયા કરવા હોય તો તેને આખા જ ઉમેરવા અને થોડા પોચા જોઈતા હોય તો તેના ટુકડા કરીને પણ ઉકળતી છાશમાં ઉમેરી શકો છો.

તો તૈયાર છે રસિયા મૂઠિયાનું શાક. હવે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં સૌ પ્રથમ મૂઠિયા ઉમેરવા અને તેની ઉપર તેનો રસો ઉમેરી તેને કોથમીરથી ગાર્નિશ કરી દેવું.

રસેઈની રાણીઃ સીમાબેન

રસિયા મૂઠિયાની વિગતવાર રેસીપી જોવા માટે વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *