તમારા રસોડામાં જ છુપાયેલ છે તમારું સ્વાસ્થયનું રહસ્ય, જાણો એ રહસ્ય વિષે !!!

હેલ્થના પ્રોબ્લેમ્સ દિવસે દિવસે વધતા જ જાય છે પરંતુ તેમાંના મોટાભાગના ફક્ત આપણી લાઇફસ્ટાઇલ બદલવાથી જ દૂર કરી શકાય છે. સાદા અને સાબીત થયેલા ઉપાયો જેવા કે સમતોલ આહાર અને રેગ્યુલર કસરતથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે. કહેવત છે ને કે ‘ચેતતા નર સદા સુખી’ તેમ રોગોને થવા જ ના દઈએ. Prevention is better than cure ની મેથડ અપનાવી શકાય. એટલે જ મેં અમુક દરરોજ કરી શકાય તેવી અને રોજબરોજની રસેઈની રીત બદલી શકાય તેવી અમુક બાબતોને લખવાનો પ્રયાસ કર્યો છે. અત્યારના જમાનમાં જ્યારે લોકો પથ્થર એટલા પુજ્યા દેવની માફક જાણે જે રીતે મળે તે રીતે વજન ઉતારવાનો પ્રયત્ન કરે છે. હાથમાં આવે તે દવાઓ અને જુદા જુદા ડાયટો પોતાની રીતે ફોલો કરે છે. ખુબ જ બહાર ખાય છે અને ખુબ જ ઉપવાસ કરે છે. બોલીવુડના હીરો હિરોઈનને જોઈને સર્જરી કરાવવા સુદ્ધા તૈયાર થઈ જાય છે. માટે જ હવે નક્કી કરો કે વજન હવે વધવા તો દેવું જ નથી પણ બને તો ધીમે ધીમે જે ચડી ગયેલું વજન છે તેને ઉતારવાનો પ્રયત્ન કરીએ.

રસોડા માટેની ટીપ્સઃ-નીચે આપેલી અમુક ટીપ્સ તમે આખુ વર્ષ તમારા રસોડામાં વાપરી શકો છો. તેનાથી તમે તમારો તેલ, ઘી અને મીઠાનો ઉપયોગ ઓછો કરીને કેલેરી બચાવી શકો છો. તમારા રસોડામાં તેલનો ઉપયોગ બને તેટલો ઓછો કરો. યાદ રાખો કે તમે ગમે તે તેલ વાપરો તે પછી સીંગતેલ હોય કે, ઓલીવ ઓઇલ હોય કે સનફ્લાવર ઓઇલ હોય, દરેકમાં એકસરખી જ કેલેરી આવેલી છે. તમે તેલ વાપરો કે ઘી વાપરો દરેકની કેલેરી પ્રતિ ગ્રામ 9 હોય છે. તમારી રસોઈમાં 4 જણના કુટુંબ માટે ફક્ત 2થી3 ચમચી તેલનો ઉપયોગ એક સમયની રસોઈ માટે કરવો જોઈએ.

– જો તમે નોનસ્ટીક વાસણો વાપરશો તો તેમાં ઘણા ઓછા તેલનો ઉપયોગ કરવો પડશે.

– જો અમુક વસ્તુઓ તમે તળેલી જ વાપરતા હોવ તો તેની ઉપરથી તેલ કાઢી લો. તળેલી વાનગીને ટીશ્યુ પેપર પર પાથરી તેનું વધારાનું તેલ નીતારી લો.

– જો તમે નોન-વેજ ખાતા હોવ તો ચીકનની ઉપરની સ્કીન કાઢી લો તેમાં સૌથી વધુ ફેટ હોય છે.
– જ્યાં જરૂરી ન હોય ત્યાં મીઠાનો વપરાશ ટાળો. જેમ કે ભાત, રોટલી, ભાખરી વિગેરે તમે મીઠા વગર પણ બનાવી શકશો. ચાટ મસાલો, મેથીનો મસાલો વિગેરે ખોરાકમાં મીઠુ વધારશે. તે ઉપરાંત ખોરાક વધુ સ્વાદિષ્ટ બનતા વધુ ખવાશે. તેના બદલે લીંબુ, કોથમીર, લીલા મરચા તેમજ જરૂર પડે ત્યાં કાંદા, લસણ વાપરી શકાય છે.

– અઠવાડિયામાં બને તો એક સાંજ મીઠા વગરનો ખોરાક પસંદ કરો જેમ કે ભાખરી સૂપ અથવા દૂધપૌઆ અથવા ખીર રોટલી અથવા મીઠા વગરની ખીચડી અને દૂધ.

– પરાઠા, થેપલા, મુઠિયા, ઢોકળા, વગેરેમાં નખાતા મોણનો ઉપયોગ બંધ કરો. મોણથી વસ્તુ પોચી થાય છે તે વાત ખોટી છે તમે થોડો જીભનો સ્વાદ બદલો અને તેલ, ઘીના મોણને બદલે દહીં (છાશ નહીં) અને પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરો. જરૂર લાગે તો ગરમગરમ રસોઈ જમવાનો આગ્રહ રાખો. આ ઉપરાંત પરાઠા, ભાખરી વિગેરેમાં જ્યાં વાપરી શકાય ત્યાં જાડા લોટનો ઉપયોગ કરો. આનાથી તમારા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધુ થશે અને કબજીયાત દૂર થશે અને વજન પણ ઉતરશે.
– જો તમે દૂધની બનાવટો (મીઠાઈ) બનાવતા હોવ તો મલાઈ વગરના દૂધનો ઉપયોગ કરો જેમ કે ખીર, ગાજર-દૂધીનો હલવો, શ્રીખંડ વિગેરેમાં મલાઈ વગરનું દૂધ વાપરો. વારેવારે ગળ્યુ ખાવાની ટેવ હોય તો મીઠાઈને બદલે ફળ ખાઈને મનને સંતોષો. તળેલી મીઠાઈ કરતાં અથવા મીઠાઈના ચકતા ખાવા કરતા ખજૂર-અંજીરવાળી (ખાંડ વગરની) મીઠાઈ ખાઓ. ચીક્કી વિગેરે બનાવતા ઘીનો ઉપયોગ ટાળો ફક્ત ગોળ અને શીંગ અથવા તલનો ઉપયોગ કરો.

– જ્યારે જ્યારે પનીરનો વપરાશ કરો ત્યારે ત્યારે ઘરે ઓછા મલાઈવાળા દૂધમાંથી બનાવી વાપરો. અત્યારે બજારમા સોયા પનીર (ટોફુ) મળે છે જે તમે દૂધમાંથી બનાવેલા પનીરને બદલે વાપરી શકો છો.

– દહીં પણ ઓછી મલાઈવાળુ ઘરનું જ બનાવો. રસોઈમાં દહીંનો ઉપયોગ વધારો

ફીઝીકલ એક્ટિવીટી વધારોઃ-તમારા રોજબરોજના કામમાં જ એક્ટિવીટી વધારો. નાના નાના ફેરફારો તમને ફાયદો કરશે. જેમ કે ગાર્ડનમાં ગાર્ડનીંગ જાતે કરો, અવારનવાર ચાલો, તમારા કામ પોતે જ કરો, ઘરમાં ઉપર નીચેના ધક્કા જાતે ખાવ. તમારા રોજ બરોજના ફેરફારો વજન ઉતારવામાં મદદ કરશે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *