ઇન્સ્ટંટ રવાના ઢોકળા – રવાના ઢોકળા બનાવતા હજી પણ નથી ફાવતું? બનાવો…

ઇન્સ્ટંટ રવાના ઢોકળા

વિડિઓ રેસિપી જુઓ

સામગ્રી

એક કપ જીણો રવો, અડધો કપ જીણું બેસન, એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ, અડધો કપ લીલા ધાણા, પા ચમચી હિંગ, નાની અડધી ચમચી હળદર, અડધો કપ દહીં, પોણો કપ પાણી કે પછી બે કપ છાશ, ઈનો એક પેકેટ.

રીત:

રવાના ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે આપે સૌપ્રથમ એક કપ ઝીણો રવો લેવો. ત્યાર બાદ તેમાં જો આપને ઢોકળા વધુ ટેસ્ટી બનાવવા હોય તો અડધો કપ ઝીણું બેસન લેવું. આપ બેસન વગર પણ એકલા રવાના ઢોકળા પણ બનાવી શકો છો.

ત્યાર બાદ તેમાં એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરવી ત્યાર બાદ અડધો કપ ઝીણા સમારેલા ધાણા લેવા. ત્યાર બાદ પા ચમચી હિંગ અને સ્વાદાનુસાર મીઠું નાખવું

ત્યાર બાદ આપ આ મિશ્રણમાં અડધો કપ દહીં ઉમેરવું દહીં વધારે ખાટું હોવું જોઈએ નહી. દહીને બદલે આપ છાશ પણ લઈ શકો છો. સૌપ્રથમ આ બધી સામગ્રીને દહીં સાથે સારી રીતે મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું. ખીરામાં ગઠ્ઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું.

આ રીતે ખીરું તૈયાર કરી લીધા પછી પાંચ મિનીટ માટે ઢાંકીને મૂકી દેવું.

હવે આપે ઢોકળાને બાફવા માટે એક ડબ્બો લેવો. આ ડબ્બાને તેલની મદદથી અંદરની બાજુ સારી રીતે ગ્રીસ કરી લેવો અને ઢોકળાને બાફવા માટે રાઈસ સ્ટીમર કે પછી જેમાં પણ આપની સુવિધા હોય તે વસ્તુને પાણી ઉમેરીને ગરમ કરવા માટે મૂકી દો.

પાંચ મિનીટ પછી આપે ઢોકળાના ખીરાને એકવાર જોઈ લેવું અને તેમાં એક મોટી ચમચી તેલ ઉમેરવું. અને હલાવી લેવું. ત્યાર બાદ એક પેકેટ ઈનોની સાથે થોડું પાણી ઉમેરીને એક તરફ ઘણી ઝડપથી મિક્સ કરવું.

ખીરું મિક્સ કરી લીધા પછી તરત જ આ ખીરાને ગ્રીસ કરીને રાખેલ ડબ્બામાં લઈ લો. ત્યાર બાદ ડબ્બામાં લીધેલ ખીરાની ઉપર આપે અડધી ચમચી લાલ મરચાનો પાવડર છાંટવો. ત્યાર બાદ આપે આ ડબ્બાને રાઈસ કુકરમાં સ્ટીમ કરવા માટે મૂકી દેવો.

આપે આ ઢોકળાના ખીરાને રાઈસ કુકર, કડાઈ, તપેલામાં ૧૫ મિનીટ સુધી સ્ટીમ કરવા. આપે ૧૫ મિનીટ પછી રાઈસ કુકર ખોલીને એકવાર ચેક કરી લેવું. આપે ચાકુની મદદથી ચેક કરી શકો છો. આપે તેમાં ચાકુને ડબ્બામાં નીચે સુધી જવા દઈને ચેક કરવું જો ચાકુ પર કઈ ચોટેલું ના હોય તો હે આપના ઢોકળા તૈયાર થઈ ગયા છે.

ત્યાર બાદ આપે રાઈસ કુકરમાં જ ઢોકળાને થોડીક વાર માટે રહેવા દેવા. જયારે ઠંડા થઈ જાય ત્યાર પછી આપે ડબ્બામાં ચારે બાજુ ચાકુની મદદથી ઢોકળાને ડબ્બાથી અલગ કરવા ત્યાર બાદ આપે ડબ્બાને એક મોટી ડીસમાં ઉંધો મુકીને ઢોકળાને ડબ્બાની બહાર કાઢી લેવા.

ઢોકળાને ડબ્બા માંથી બહાર કાઢી લીધા પછી પીઝાની જેમ કટ કરવા. ત્યાર પછી એક કડાઈમાં બે ચમચી તેલ લેવું, તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં એક નાની ચમચી રાઈ-જીરું નાખવું. રાઈ તતડી જાય ત્યાર બાદ તેમાં હિંગ નાખવી. ત્યાર બાદ મીઠો લીમડો અને કાપેલા બે લીલા મરચા નાખવા અને સાંતળી લો. હવે છેલ્લે આપે તેમાં થોડાક તલ નાખી દેવા. તૈયાર છે ઢોકળાનો વઘાર હવે આપે આ વઘારને ઢોકળા પર નાખી દેવો. તૈયાર છે આપના ઝડપથી બની જાય એવા રવાના ઈન્સ્ટન્ટ ઢોકળા…

રસોઈની રાણી : કલ્પના પરમાર

વિડિઓ રેસિપી :

યૂટ્યૂબ ચેનલ :

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *