રેડ ગ્રેવી – પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને કોઈપણ પંજાબી સબ્જી માટે ઉપયોગમાં લઈ શકો છો….

કેમ છો? જય જલારામ મિત્રો, આશા છે તમે બધા ઘરે હશો અને પરિવાર સાથે સેફ હશો. હમણાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેમાં કારણે બધી જ હોટલ અને ઢાબા બંધ છે ત્યારે ઘણા એવા ઘર હશે જેમાં પંજાબી ઘરે બનાવતા હશે અને ઘણા મિત્રો એવા પણ હશે જે નહિ બનાવી શકતા હોય.

અમારા ઘરની જ વાત કરું તો અમારા ઘરમાં મારા દીકરાની દીકરી છે જેને પંજાબી સબ્જી અને તંદુરી બટર રોટી બહુ પસંદ એને જયારે તમે પૂછો કે શું ખાઈશું તો એનો એક જ જવાબ હોય, પનીરની સબ્જી અને બબલવાળી રોટી. (આ રોટીની રેસિપી પણ ટૂંક સમયમાં જણાવીશ)

એટલે હવે આજની આ રેસિપી હું એવી ગ્રેવીની લાવી છું કે તેની મદદથી તમે ફટાફટ પંજાબી સબ્જી બનાવી શકશો. આ રેડ ગ્રેવી ફ્રીઝમાં 5 દિવસ સુધી સારી રહેશે એટલે હવે જયારે પણ પંજાબી સબ્જી બનાવો તો આ ગ્રેવી જરૂર બનાવજો અને થોડી ગ્રેવી સ્ટોર પણ કરજો એટલે જયારે બાળક ઘરનું ખાવાની આનાકાની કરે તો તમે ફટાફટ પંજાબી સબ્જી બનાવીને આપી શકો. બને ત્યાં સુધી ટ્રાય કરવાની કે ફ્રેશ બનાવીને જ ઉપયોગમાં લો. તો ચાલો જોઈએ રેસિપી વિગતવાર.

સામગ્રી :

  • ટામેટા – 250 ગ્રામ
  • ડુંગળી – 300 થી 400 ગ્રામ
  • કાજુ કે સીંગદાણા – 50 ગ્રામ
  • લીલા મરચા – તમારા ટેસ્ટ મુજબ
  • આદુ – 1 ટુકડો
  • લસણની ચટણી અથવા 5 લસણની કળી
  • હિંગ – એક ચપટી
  • હળદર – અડધી ચમચી
  • મરચું – 1 ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • ધાણાજીરું – 1 ચમચી
  • મીઠું – સ્વાદાનુસાર
  • તેલ – 2 થી 3 ચમચી

બનાવવાની સરળ રીત:

1. સૌથી પહેલા એક કઢાઈમાં 2 થી 3 ચમચી તેલ ગરમ કરવા મુકો અને ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરો.

2. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની ચટણી અથવા લસણ ઉમેરવું.

3. લસણની ચટણી થોડી ફ્રાય થાય એટલે તેમાં ડુંગળી ઉમેરવી.

4. ડુંગળી થોડી ચઢી જાય એટલે કે થોડી નરમ થાય એટલે તેમાં લીલા મરચા ઉમેરો.

5. મરચાની સાથે જ તેમાં થોડું આદુ છીણી લો, (જો છીણવું ના હોય તો આદુના નાના ટુકડા કરીને પણ ઉમેરી શકો.)

6. હવે તેમાં ટામેટા ઉમેરવા અને બધું બરોબર મિક્સ કરી લેવું.

7. હવે તેમાં મીઠું અને શીંગદાણા ઉમેરવા અને બરોબર મિક્સ કરી લેવું.

8 હવે તે મિક્સમાં હળદર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરવો.

9. હવે બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવું અને ચઢવા દેવું. (ઢાંકણું ઢાંકવાનું નથી.)

10. હવે ગેસ બંધ કરી દેવો અને તૈયાર થયેલ મિશ્રણને ઠંડુ થવા દેવું.

11. હવે મીક્ષરના એક કપમાં બધું મિશ્રણ લેવું.

11. મીક્ષરની મદદથી હવે એકદમ સોફ્ટ એવી ગ્રેવી બનાવી લો.

12. હવે આ તૈયાર થયેલ ગ્રેવીને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મુકવી. (ફ્રીઝમાં મુકવાની છે ફ્રિઝરમાં નહિ)

13. હવે જયારે પણ કોઈ પંજાબી સબ્જી બનાવો તો ફટાફટ કઢાઈમાં તેલ મૂકીને આ ગ્રેવી ઉમેરીને બનાવી શકશો તમારી મનપસંદ સબ્જી. (હવે સબ્જીની રેસિપી પણ આપીશ ટૂંક સમયમાં, પણ આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.)

રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *