રેસ્ટોરન્ટ જેવા પર્ફેક્ટ ફ્લેવરફુલ પનીર ટીક્કા મસાલા ઘરે જ બનાવો…

હોટેલમાં જાઓ અને જો પંજાબી ખાવાનું નક્કી કર્યું હોય તો તેમાં એક સબ્જી તો ફીક્સ જ હોય છે. અને તે હોય છે પનીર ટીક્કા મસાલા. પનીર ટીક્કા મસાલા બાળકોથી માંડીને વડીલો બધા ખુબ જ રસપૂર્વક ખાતા હોય છે. તો આજે ચેતના બેન લાવ્યા છે તમારા માટે પર્ફેક્ટ ફ્લેવરફુલ પનીરટીક્કા મસાલા બનાવવા માટેની રેસીપી.

પનીર ટીક્કા મસાલા બનાવવા માટેની સામગ્રી

મેરીનેશન માટેની સામગ્રી

2 ચમચી ઘાટ્ટું દહીં

1 ચમચી શેકેલો ચણાનો લોટ

1 ચમચી લીલા મરચાની પેસ્ટ

1 ચમચી સરસીયાનું તેલ

½ ચમચી ધાણાજીરુ પાઉડર

સ્વાદઅનુસાર મીઠું

½ નાની ચમચી ગરમ મસાલા પાઉડર

1 ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર

¼ ચમચી સંચળ

½ નાની ચમચી હળદર

1 નાની ચમચી લસણની પેસ્ટ

250 ગ્રામ પનીરના ચોરસ ટુકડા કરી લેવા

½ વાટકી કેપ્સીકમના મોટા ચોરસ ટુકડા

½ વાટકી ડુંગળીના મોટા ટુકડા

1 ચમચો ઘી

ગ્રેવી માટેની સામગ્રી

2 મોટી ચમચી તેલ

2 મોટી ચમચી જીણું સમારેલું લસણ

1 ચમચી જીણા સમારેલા મરચા

2 જીણી સમારેલી ડુંગળી

2 ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર

½ ચમચી કસુરી મેથી પાઉડર

સ્વાદ અનુસાર મીઠું

½ નાની ચમચી ધાણાજીરુ પાઉડર

½ નાની ચમચી ગરમ મસાલો

1 ચમચી આદુની પેસ્ટ

4 જીણા સમારેલા ટામેટા

3 ચમચી કાજુ-મગજતરીની પેસ્ટ

2 ચમચી રેશમપટ્ટી મરચાની પેસ્ટ

2 ચમચી ફ્રેશ ક્રીમ

2 ચમચી બટર

2 ચમચી જીણી સમારેલી કોથમીર

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત

પનીરટીક્કા બનાવવા માટે સૌથી પહેલાં એક મેરીનેશન તૈયાર કરી લેવું. તેના માટે સૌ પ્રથમ એક બોલમાં બે ચમચી પાણી વગરનું ઘાટ્ટું દહીં, એક ચમચી શેકેલો ચણાનો લોટ, એક ચમચી લીલા મરચાની પેસ્ટ, એક ચમચી સરસીયાનું તેલ, અરધી ચમચી ધાણાજીરુ પાઉડર, સ્વાદઅનુસાર મીઠું, અરધી નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર, પા ચમચી સંચળ, અરધી નાની ચમચી હળદર, એક નાની ચમચી લસણની પેસ્ટ નાખવા.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.

હવે આ તૈયાર થયેલા મેરિનેશનમાં અઢીસો ગ્રામ ચોરસ ટુકડા કરેલું પનીર ઉમેરવું. તેની સાથે તે જ સાઇઝના અરધી વાટકી કેપ્સીકમના મોટા ટુકડા અને અરધી વાટકી ડુંગળીના મોટા ટુકડા ઉમેરવા.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મીક્સ કરી લેવી. બધું જ મેરીનેશન પનીર તેમજ ડુંગળી અને કેપ્સીકમને ચોંટી જાય તે રીતે મિક્સ કરી લેવું.

હવે બારબેક્યુ માટે જે સળીયા આવે છે તે લેવા તેમાં સૌ પ્રથમ મેરીનેટેડ કેપ્સીકમ સ્ક્વોશ કરવું ત્યાર બાદ મેરીનેટેડ પનીર ભરાવવું અને ત્યાર બાદ મેરીનેટેડ ડુંગળી ભરાવવી આવી જ રીતે બધું જ સળીયામાં ભરાવી દેવા.

તેના માટે બે-ત્રણ સળિયાની જરૂર પડી શકે છે.

હવે એક ગ્રીલ પેનમાં એક-ડોઢ ચમચી ઘી ઉમેરવું અને તેના પર આ મેરીનેટેડ પનીર-ડુંગળી,-કેપ્સીકમ ભરાવેલા સળિયા મુકી દેવા. તેને બધી જ બાજુથી શેકી લેવું. અહીં તમે સીધું ગેસ પર પણ શેકી શકો છો.

હવે આ મેરીનેટેડ સ્ક્વોશ્ડ પનીર-ડુંગળી- કેપ્સીકમ બરાબર શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટમાં લઈ લેવા.

હવે આ પનીર ટીક્કામાં હોટેલ જેવી સ્મોકી ફ્લેવર લાવવા માટે તે જ પ્લેટમાં એક નાની વાટકીમાં સળગતો કોલસો લેવો અને તેના પર એક ચમચી ઘી ઉમેરી દેવું.

હવે આ પ્લેટને ઢાંકી દેવી. આમ કરવાથી કોલસાની સરસમજાની ફ્લેવર પનીર ટીક્કામાં આવી જશે.

હવે પનીર ટીક્કાની ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં બે મોટી ચમચી તેલ, બે મોટી ચમચી લસણ, એક ચમચી જીણા સમારેલા મરચા, બે જીણી સમારેલી ડુંગળી એડ કરવા.

હવે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.

હવે તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર, અરધી ચમચી કસુરી મેથી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, અરધી નાની ચમચી ધાણાજીરુ પાઉડર, અરધી નાની ચમચી ગરમ મસાલો, એક ચમચી આદુની પેસ્ટ નાખવી.

હવે બધું બરાબર હલાવીને મિસ્ક કરી લીધા બાદ હવે તેમાં ચાર જીણા સમારેલા ટામેટા ઉમેરવા અને બરાબર હલાવી લેવું.

હવે તેને ઢાંકીને ટામેટા ચડવા દેવા.

ટામેટા બરાબર ચડી ગયા બાદ તેમાં ત્રણ ચમચી કાજુ-મગજતરીની પેસ્ટ ઉમેરવી. અને તેને હલાવી લેવું.

હવે તેમાં અરધો કપ પાણી ઉમેરીને બરાબર ચડવા દેવું.

હવે તેમાંથી તેલ છુટ્ટું પડે એટલે તેમાં બ્લેન્ડર ફેરવીને ગ્રેવીને સ્મુધ બનાવી લેવું.

હવે ફરી તેને થોડીવાર માટે પકવવા દેવું.

હવે તેમાં કલર માટે બે ચમચી રેશમપટ્ટી મરચાની પેસ્ટ ઉમેરવી.

ત્યાર બાદ તેમાં ફ્રેશ ક્રીમ અને બે ચમચી બટર ઉમેરી દેવું અને તેને બરાબર હલાવી દેવું. ક્રીમથી ગ્રેવીમાં રીચનેસ આવશે અને બટરથી એક અલગ ચમક આવશે.

તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં ગ્રીલ કરેલા પનીર ટીક્કા, થોડી જીણી સમારેલી કોથમીર, અને થોડી ક્રીમ ઉમેરી થોડી વાર માટે ચડવા દેવું.

તો તૈયાર છે પનીર ટીક્કા મસાલા, તેને પરોઠા કે પછી નાન સાથે સર્વ કરો અને ઘરના સભ્યોને ખુશ કરો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ફ્લેવરફુલ પનીરટીક્કા મસાલા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *