રાઇસ ચકરી – રસોડામાંથી મળી જતી અને બહુ ઓછી જ સામગ્રીથી બની જતી રાઇસ ચકરી બનાવવામાં પણ ખૂબજ સરળ છે.

રાઇસ ચકરી : ..

આપણે ત્યાં અહિં ઘંઉના લોટમાંથી ચકરી વધારે બનતી હોય છે. ઘંઉના લોટને બાફીને તેમાં થોડા સ્પાઇસ ઉમેરીને ખૂબજ સરળતાથી ચકરી બનતી હોય છે. સ્વાદિષ્ટ એવી આ ચકરી સરસ કુરકુરી હોવાથી બધાને ભાવે છે. ખાસ કરીને બાળકોને વધારે ભાવતી હોય છે. બાળકોના નાસ્તા બોક્ષમાં પણ ચકરી આપી શકાય છે.

ચોખના લોટમાંથી બનતી ચકરી પણ એટલી જ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બને છે. સાઉથમાં ચોખાના લોટની ચકરી બનાવવામાં આવતી હોય છે. ચોખાના લોટ સાથે દાળિયાનો પાવડર કે ઘણીવાર અડદની દાળનો પાવડર પણ ઉમેરીને અલગથી ચકરી બનાવવામાં આવતી હોય છે. દરેક પ્રકારની ચકરી ખાવામાં સ્વાદિષ્ટ લાગતી હોવાથી નાસ્તા માટે વધારે વપરાતી હોય છે.

આજે હું અહીં ચોખાના લોટમાંથી બનતી ચકરીની રેસિપિ આપી રહી છું. જેમાં ચણાનો શેકેલો લોટ ( દાળિયાના પાવડરના બદલે વાપર્યો છે) અને ચણાનો લોટ – બેસનના લોટનું કોમ્બીનેશન કરી રાઇસ ચકરી બનાવી છે. સાથે થોડા અજમા, તલ અને અન્ય સ્પાઇસ ઉમેરીને સ્વાદિષ્ટ બનાવી છે. રસોડામાંથી મળી જતી અને બહુ ઓછી જ સામગ્રીથી બની જતી રાઇસ ચકરી બનાવવામાં પણ ખૂબજ સરળ છે.

મારી આ સ્વાદિષ્ટ રાઇસ ચકરીની રેસિપિ ફોલો કરીને તમે પણ ચોક્કસથી બનાવજો. પછી વારંવાર બનાવશો.

રાઇસ ચકરી બનાવવા માટેની સામગ્રી : ..

  • 1 કપ રાઇસ ફ્લોર
  • 1 ટી સ્પુન સોલ્ટ
  • 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ
  • ½ ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 પિંચ હિંગ
  • 1 ટી સ્પુન ઓઇલ – મોણ માટે
  • 1 ટેબલ સ્પુન બટર ગરમ કરેલું
  • ¾ કપ જેટલું પાણી અથવા જરુર મુજબ
  • 1 ટેબલ સ્પુન અજમા
  • ¼ કપ બેસન – ચણાનો શેક્યા વગરનો લોટ
  • ¼ કપ ફ્રાઇડ ચણા – દાળિયાનો લોટ અથવા ચણાનો ડ્રાય રોસ્ટ (ઓઇલ ઉમેર્યા વગર જ) કરેલો લોટ.
  • ડીપ ફ્રાય કરવા માટે અને સંચાને ગ્રીસ કરવા માટે ઓઇલ

રાઇસ ચકરી બનાવવાની રીત : ..

એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ રાઇસ ફ્લોર લ્યો. બાઉલ પર ગળણી મૂકી તેનાથી ¼ કપ રોસ્ટેડ ચણાનો લોટ ચાળી લ્યો. અને ચોખાના લોટ સાથે મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન સોલ્ટ, 1 ટેબલ સ્પુન વ્હાઇટ તલ, ½ ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર, 1 પિંચ હિંગ અને 1 ટેબલ સ્પુન અજમા ઉમેરીને મિક્ષ કરી લ્યો.

હવે તેમાં ¼ કપ સાદો રોસ્ટ કર્યા વગરનો ચણાનો લોટ, મિક્ષિંગ બાઉલ પર ગળણી મૂકી ચાળી લ્યો.

બધું મિશ્રણ સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 ટી સ્પુન ગરમ ઓઇલ અને 1 ટેબલ સ્પુન ગરમ બટર ઉમેરો. તેને પણ મસાલાવાળા લોટના મિશ્રણ સાથે સરસથી મિક્ષ કરી દ્યો. ક્રમ્બલ જેવું મિશ્રણ બનશે.

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ટાઇટ અને થોડો સ્ટીકિ લોટ બાંધો માત્ર મિક્ષ જ કરો અને મસળવાનો નથી. 10 મિનિટ રેસ્ટ આપો.

હવે ચકરી મેકર અથવા સંચાને અને ચકરીને, બન્નેને ઓઇલથી ગ્રીસ કરી લ્યો.

હવે તેમાં બાંધેલો લોટ ભરીને હેંડલવાળું ઢાંકણ બંધ કરી ચકરી પાડો.

જરા ભીના જેવા કપડા પર કે બટર પેપર પર પાડો.

ધીરે ધીરે ચકરી મેકર ( સંચા) નું હેંડલ ફેરવતા જઇ ચકરીનો લોટ રિલિઝ કરતા કરતા સાથેજ હાથની આંગળીઓ અને અંગુઠા વડે સ્પાયરલ શેઇપ (ચકરી) બનાવતા જાઓ. તમારા મનપસંદ સાઇઝની ચકરી બની જાય એટલે છેડાને સ્પાયરલ( ચકરી )માં જોડી દ્યો.

આ પ્રમાણે બધી ચકરીઓ બનાવી લ્યો.

હવે ચકરી ફ્રાય કરવા માટે લોયામાં ઓઇલ ગરમ મૂકો.

ગરમ થઇ જાય એટએ તેમાં એક નાનો લોટનો પીસ નાખો. તરત જ ઉપર આવી જાય એટલે ઓઇલ બરાબર ફ્રાય કરવા માટે ગરમ થઇ ગયુ છે.

હવે મિડિયમ ફ્લૈમ કરી લોયામાં ચકરી ફ્રાય કરવા મૂકો.

દરેક વખતે 3-4 ચકરી સાથે ફ્રાય કરો. અથવા તો લોયું જેટલું મોટું હોય તે પ્રમાણે ચકરી મૂકો.

મિડિયમ ફ્લૈમ પર પહેલા એકબાજુ ચકરી બરાબર ક્રંચી થઇ ફ્રાય થઇ જાય પછી પલટાવી લ્યો. બીજી બાજુ પણ એ પ્રમાણે ક્રંચી અને લાઈટ ગોલ્ડન કલરની ફ્રાય કરી લ્યો.

ત્યારબાદ પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. ½ કલાક સુધી ચાકરી ઠરવા દ્યો. એટલે ઠરીને બરાબર ક્રંચી થઇ જાય.

તો હવે સરસ ક્રંચી તેમજ ગોલ્ડન કલરની સ્વાદિષ્ટ રાઇસ ચકરી નાસ્તા માટે અને બાળકોના નાસ્તા બોક્ષ માટે રેડી છે. બધાને આ રાઇસ ચકરી ખૂબજ ભાવશે.

એકદમ ઠરી જાય પછી જ રાઇસ ચકરીને સ્ટોર કરવા માટે એર ટાઇટ કંન્ટેઇનર ભરો. જરુર મુજબ રાઇસ ચકરી કાઢી નાસ્તો કરવા માટે ઉપયોગમાં લ્યો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *