સાદી ભેળ તો બહુ ખાધી ! આજે બનાવો રાજસ્થાની રગડા ભેળ !

આપણે સુકી ભેળ અને ભીની ભેળ વિષે તો સાંભળ્યું હશે. ભીની ભેળમાં આપણે ચટનીઓ નાખીએ છીએ જ્યારે સુકી ભેળ એટલે બોમ્બે ભેળ જેમાં બધા જ ડ્રાઈ ઇનગ્રેડીયન્ટ જ હોય પણ શું ક્યારેય રગડાવાળી આ ચટપટી રાજસ્થાની ભેળ તમે ખાધી છે ? જો ન ખાધી હોય તો આજે જ ટ્રાય કરો.

રાજસ્થાની રગડા ભેળ બનાવવા માટેની સામગ્રી

1 વાટકી વઘારેલા મમરા

1 વાટકી ચોખાના પૌઆનો ચેવડો

1 વાટકી મકાઈના પૌઆનો ચેવડો

2 નાની સાઈઝના બાફેલા બટાટા

3 મોટી ચમચી લસણની ચટની

3 મોટી ચમચી ખજૂર આમલીની ચટની

2 મોટી ચમચી જીણી સમારેલી ડુંગળી

2 મોટી ચમચી જીણા સમારેલા ટામેટા

3 મોટી ચમચી જીણી સેવ

1 મોટી ચમચી જીણી સમારેલી કોથમીર

2 મોટી ચમચી રાજકોટની પીળી ચટની

રાજસ્થાની રગડા ભેળ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક મોટો મિક્સિંગ બોલ લઈ લેવો. તેમાં એક વાટકી મમરા ઉમેરવા. ત્યાર બાદ તેમાં એક વાટકી ચોખાના પૌઆનો ચેવડો ઉમેરી દેવો. તે તમે ઘરે બનાવીને અથવા તો બજારના તૈયાર વાપરી શકો છો.

હવે તેમાં એક વાટકી ઘરે જ બનાવેલો મકાઈનો ચેવડો ઉમેરવો. ચોખાના પૌંઆ સીંગદાણાવાળા જ લેવામાં આવ્યા છે જેથી કરીને સીંગનો સ્વાદ પણ ભેળમાં સરસ આવે.

હવે તેમાં બે નાની સાઈઝના નાના બાફેલા બટાટા છાલ ઉતારીને હાથે જ મસળીને ઉમેરવા. અહીં તમારે હાથેથી જ બટાટા મસળવા. બટાટાને સાવ જ મેશ ન કરી દેવા.

હવે તેમાં એક મોટી ચમચી જીણી સમારેલી ડુંગળી અને એક મોટી ચમચી જીણા સમારેલા ટામેટા ઉમેરવા. જો તમે ન ખાતા હોવ તો ન ઉમેરવા અને જો ખાતા હોવ તો ચોક્કસ ઉમેરવા. અહી તમે સીઝન હોય તો કાચી કેરી પણ જીણી સમારીને ઉમેરી શકો છો.

હવે આ બધી જ સામગ્રીને હાથેથી અહીં બતાવ્યું છે તેમ મિક્સ કરી લેવી. અને હળવા હાથે ચોળીને મિક્સ કરવી. જેથી કરીને બધી સામગ્રાી એકબીજામાં ભળી જાય અને સ્વાદ પણ સારો આવે.

હવે આ તૈયાર કરેલી સામગ્રીમાંથી અરધી સામગ્રી એક સર્વીંગ ડીશમાં લઈ લેવી. બધી ન લેવી. ઉપર જણાવેલી સામગ્રીમાંથી તમે બે પ્લેટ રગડા ભેળ તૈયાર કરી શકો છો.

હવે તેમાં ત્રણથી ચાર મોટી ચમચી રગડો ઉમેરી દેવો. અહીં તમે તાજો રગડો બનાવીને પણ વાપરી શકો છો. અહીં તમે રગડા પેટિસ, સેવ ઉસળ, રગડા પાંઉ ગમે તેનો રગડો ઉમેરી શકો છો. જો રગડા પેટીસ બનાની હોય અને રગડો વધ્યો હોય તો તે રગડો પણ ઉમેરી શકો છો.

હવે રગડો ઉમેર્યા બાદ તેમાં લસણની લાલ ચટની, ખજૂર આંમલીની ચટની ઉમેરવી. આ બન્ને ચટનીનો ઉપયોગ જરૂર કરવો તેનાથી જ સ્વાદ ચટપટો લાગશે.

હવે તેના પર મસાલા સીંગ ભભરાવી દેવી. ત્યાર બાદ એક ચમચી જીણી સમારેલી ડુંગળી, એક ચમચી જીણા સમારેલા ટામેટા ભભરાવવા, ત્યાર બાદ તેના પર જો ઘરમાં જીણી સેવ હોય તો તે પણ ભભરાવી દેવી. ત્યાર બાદ ફરી તેના પર લસણની લાલ ચટની, ખજૂર આંમલીની ચટની અને જીણી સમારેલી કોથમીર ભભરાવવી.

ત્યાર બાદ તેના પર વધારે ટેંગી અને અલગ ટેસ્ટ લાવવા માટે રાજકોટની જે પીળી ચટની આવે છે તેને થોડી લીકવીડ કરીને ભેળ પર ઉમેરવી. આ ચટની જરા પણ સ્કિપ ન કરતાં આ ચટનીથી ભેળનો સ્વાદ ખુબ જ અલગ આવે છે.

હવે ફરી તેના પર જીણી સેવ, ખજૂર આંમલીની ચટની, લાલ ચટની ઉમેરી દેવા. તો તૈયાર છે સાદી ભેળ કરતાં પણ વધારે ચટપટી એવી રાજસ્થાની રગડા ભેળ. તમે જ્યારે જ્યારે પણ ઘરમાં કોઈ રગડાવાળી વાનગી એટલે કે રગડા પેટીસ, રગડા પાંઉ, રગડા પૂરી બનાવો ત્યારે વધેલા રગડામાંથી આ ચટપટી ભેળ આસાનીથી થોડી જ મિનિટમાં બનાવી શકો છો.

રસોઈની રાણીઃ સીમાબેન

રાજસ્થાની રગડા ભેળ બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *