સંભાર – હવે જયારે પણ સાઉથ ઇન્ડિયન ભોજન બનાવો તો સંભાર આવીરીતે બનાવજો બહુ સરળ છે…

સંભાર(Sambhar Recipe In Gujarati)

ઘણી બધી સાઉથ ઇન્ડિયન વાનગીઓ મુખ્યત્વે સંભાર અને અલગ-અલગ જાતની ચટણીઓ સાથે ખવાતી હોય છે. મેં અહીં હાલમાં જ મેંદુવડાની રેસીપી મૂકી છે. જેમાં સાથે સર્વ કરેલા સંભારની પરફેક્ટ ઇઝી રેસીપી અહીં શેર કરી રહી છું.

સમય: 30 મિનિટ સર્વિંગ: 3-4 વ્યક્તિ

ઘટકો:

  • • 1 કપ તુવેરની દાળ
  • • 1 મોટી ડુંગળી
  • • 2 ટામેટાં
  • • 2 લીલા મરચાં
  • • નાનો ટુકડો રીંગણનો
  • • 8-10 મીઠા લીમડાનાં પાન
  • • 2 ટેબલ સ્પૂન તેલ
  • • 1 ટીસ્પૂન રાઇ
  • • ચપટી હીંગ
  • • 2 લવિંગ
  • • 1 તમાલપત્ર
  • • 1 તજનો ટુકડો
  • • 2 ટેબલ સ્પૂન સંભાર મસાલો
  • • 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ પાઉડર
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 2-3 ચમચી સમારેલી કોથમીર
  • • 1/2 લીંબુ અથવા 2 ચમચી આમલીનો પલ્પ

પધ્ધતિ:

1️⃣તુવેરની દાળને સારી રીતે 2-3 વાર પાણીથી ધોઇને ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી, મીઠું અને હળદર નાખી બાફવા મૂકવી. 2-3 વ્હીસલ આવે પછી થોડીવાર માટે ગેસ ધીમો રાખી બાફવી. બફાઇ જાય પછી ઠંડી થાય એટલે બ્લેન્ડરથી બરાબર ક્રશ કરી લેવી અથવા વલોણીથી વલોવી લેવી.

2️⃣ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, રીંગણ ને બારીક સમારી લેવું. બીજું જે શાક પસંદ અને ઉપલબ્ધ હોય એ ઉમેરી શકાય. સરગવો હોય તો એક સરગવાની શીંગ ના 5-6 ટુકડા કરી સાથે ઉમેરવા. જો બ્લેન્ડરથી દાળ ના પીસવાની હોય તો દાળ બાફતા સરગવો ઉમેરી દેવો. નહીં તો અલગથી બાફીને ઉમેરી શકાય.

3️⃣એક કઢાઇમાં તેલ ગરમ મૂકી રાઇ, હીંગ, લવિંગ, તજ, તમાલપત્ર નો વઘાર કરવો. પછી તેમાં મીઠા લીમડાનાં પાન, લીલા મરચાં અને બધું સમારેલું શાક ઉમેરી સાંતળવું. બીજી બાજુ દાળને ઉકળવા મૂકવી.

4️⃣શાક બરાબર સંતળાય એટલે લાલ મરચું, હળદર, સંભાર મસાલો, ધાણાજીરુ, મીઠું ઉમેરી મિક્સ કરવું. મસાલો બરાબર સંતળાય એટલે તેને ઉકળતી દાળમાં ઉમેરવો.

5️⃣હલાવી મિક્સ કરી ઉકળવા દેવું. જો પસંદ હોય તો આ સ્ટેજ પર થોડોક ગોળ ઉમેરી શકાય. મારા ઘરે નથી પસંદ તો મેં નથી ઉમેર્યો. જરુર લાગે તો થોડું પાણી ઉમેરવું. બરાબર ઉકળે અને થઇ જાય પછી ગેસ બંધ કરી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરવો. લીંબુના રસની જગ્યાએ ખટાશ માટે આમલીનો પલ્પ 2-3 ચમચી ઉમેરી શકાય.

6️⃣ગરમા ગરમ સંભાર તૈયાર છે. તેને ઘણી બધી સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે લઇ શકાય છે. જેમ કે ઢોંસા, ઇડલી, ઉત્તપમ, વડા, રાઇસ વગેરે વગેરે…મેં અહીં સંભાર સાથે સેટ ઢોંસા તૈયાર કર્યા છે..

રસોઈની રાણી : પલક શેઠ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *