સેવ-તૂરિયાનું લસણિયુ શાકને તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય ! ચોક્કસ ટ્રાય કરો આ રેસિપિ

ચોમાસામાં જેમ વરસતા વરસાદમાં ભજિયા ખાવાની મજા પડે છે તેવી જ રીતે ચોમાસામાં લસણિયા શાક ખાવાની પણ ખુબ મજા પડે છે તો આજે સીમાબેન લાવ્યા છે સેવ-તૂરિયાના લસણિયા શાકની રેસીપી.

સેવ-તૂરિયાનું શાક બનાવવા માટે સામગ્રી

500 ગ્રામ તૂરિયા

વઘાર માટે, પા ચમચી રાઈ, પા ચમચી જીરુ, બે ચપટી હીંગ

3 ટેબલ સ્પૂન તેલ

1 ચમચી લસણની લાલ ચટની (7-8 કળી લસણ અને અરધી ચમચી લાલ મરચુ સાથે વાટીને બનાવી લેવી)

સ્વાદ પ્રમાણે મીઠુ

પોણી વાટકી જીણી સેવ

સેવ તૂરિયાનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 500 ગ્રામ તૂરિયા લેવા અને તેની છાલ ઉતારી લેવી અને તેના બન્ને છેડા કાપી લેવા. અને તેના શાક માટે જેમ નાના ટુકડા કરીએ તેવા ટૂકડા કરી લેવા. તૂરિયાના કટકા થોડા મોટા રાખવા જેથી કરીને શાક બનાવતી વખતે તે સાવ ગળીને પેસ્ટ ન બની જાય.

હવે શાક વઘારવા માટે કોઈ પણ કડાઈ કે પેન લઈ લેવું અને તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમરી દેવું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં પા ચમચી રાઈ ઉમેરી દેવી. રાઇ સરસ ફુટવા માંડે એટલે તેમાં પા ચમચી જીરુ પણ ઉમેરી દેવું. જીરુ થોડું બ્રાઉન થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવો અને બે ચપટી હીંગ ઉમેરી દેવી.

હવે તેમાં લસણની પેસ્ટ ઉમેરી દેવી. આ લસણની પેસ્ટથી જ તૂરિયાના શાકનો સ્વાદ સરસ આવશે. આ લસણની ચટની સાતથી આંઠ કળી લસણ તેમજ અરધી ચમચી લાલ મરચુ પાઉડર લઈને વાટી લેવી. તેને તમે વધારે પ્રમણમાં બનાવીને સ્ટોર પણ કરી શકો છો. હવે તેને તેલમાં બરાબર મિક્સ કરી લેવી.

હવે તેમાં એક મોટી સાઇઝનું ટામેટુ સમારીને ઉમેરી દેવું. હવે તેને હલાવી લેવું અને બરાબર ચડવા દેવા અને સોફ્ટ થવા દેવા.

ટમેટા ચડે ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમી જ રાખવી. એકથી બે મીનીટમાં ટામેટા સોફ્ટ થઈ જશે. ટામેટા સોફ્ટ થાય એટલે તેમાં મસાલા ઉમેરી દેવાના જેમાં પા ચમચી લાલ મરચુ, પા ચમચી ધાણાજીરુ અને પા ચમચી હળદર ઉમેરી દેવી. તમને જેવું તીખું ગમતુ હોય તે પ્રમાણે તમારે મરચુ ઉમેરવું.

હવે તેમાં બે ચપટી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દેવો અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. હવે બધી જ સમાગ્રીને બરાબર મિક્સ કરી લેવી અને તેને અરધી મીનીટ સુધી સંતાળાવા દેવું.

અરધી મીનીટ સાંતળી લીધા બાદ તેમાં છાલ ઉતારીને સમારીને તૈયાર રાખેલા તૂરિયા ઉમેરી દેવા અને તેને મસાલા સાથે બરાબર મિક્સ કરી લેવા.

મિક્સ કરી લીધા બાદ તેને ઢાંકી દેવા અને તેને ચાર-પાંચ મીનીટ ચડવા દેવા. પાણી નાખવાની કોઈ જરૂર નથી.

ચાર-પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ઢાંકણું ખોલીને ફરી એકવાર હલાવી લેવું. અહીં પાણી નાખવાની જરૂર નથી કારણ કે તૂરિયામાં ઘણું પાણી હોય છે અને તેના પાણીમાં જ તૂરિયા ચડી જાય છે પણ ક્યારેક ક્યારેક તૂરિયા ઓછા પાણીવાળા હોવાથી પાણી નાખવાની જરૂર પડે છે.

અહીં શાકમાં પાણી નાખવાની જરૂર ન લાગતા પાણી ઉમેરવામાં નથી આવ્યું. તમારે પણ પહેલેથી પાણી ન ઉમેરવું. તેનાથી તૂરિયા વધારે પડતા ચડી જશે અને શાક ખાવાની મજા નહીં આવે.

હવ છેલ્લે જ્યારે શાક ચડી જાય ત્યારે તેમાં અરધો કપ જેટલુ પાણી ઉમેરી દેવું. એટલે તમને શાકમાં થોડો રસો પણ મળી રહેશે. તમારે જે પ્રમાણે શાકમાં રસો જોઈતો હોય તે પ્રમાણે પાણી ઉમેરવું. આ ઉપરાંત તમે શાકમાં કેટલી સેવ ઉમરવા માગો છો તેના પર પણ પાણીનું પ્રમાણ આધાર રાખે છે. હવે પાણી નાખ્યા બાદ તેને ફરી બે મીનીટ માટે ઢાંકીને ચડવા દેવું. આ દરમિયાન ગેસ મિડિયમ જ રાખવો.

બે મિનિટ બાદ ઢાંકણું ખોલી ફરી શાકને હલાવી લેવું. આ વખતે તમે શાકને ટેસ્ટ કરી શકો છો તેમાં કોઈ વસ્તુ ઘટતી હોય તો ઉમેરી દેવી.

હવે શાક બરાબર ચડી જાય અને રસો ઘાટો થઈ જાય એટલે તેમાં સેવ ઉમરી દેવી. અને સેવ નાખતા પહેલાં ગેસ બંધ કરી દેવો. અહીં પોણો કપ જીણી સેવ લેવામાં આવી છે. તમારે જેટલા પ્રમાણમાં સેવ જોઈતી હોય તેટલી લઈ લેવી અને સેવને શાકમાં વ્યવસ્થિત મિક્સ કરી લેવી.

તો તૈયાર છે સ્વાદિષ્ટ લસણિયુ સેવ તૂરિયાનું શાક. આ શાક તમને રોટલી, બાજરાનો રોટલો અને બિસ્કિટિયા ભાખરી જોડે ખુબ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણીઃ સીમાબેન

સેવ-તૂરિયાનું લસણિયુ શાક બનાવવા માટે વિગવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *