સુખડી(Sukhadi) – પારંપરિક, પ્રાચીન અને સાથે ખૂબ જ પૌષ્ટિક એવી સુખડી આ રેસિપીથી બનશે પરફેક્ટ…

આજે હું આપણા ગુજરાતની ખૂબ જ પારંપરિક, પ્રાચીન અને સાથે પૌષ્ટિક તેવી એક મિઠાઇ, સુખડીની રેસીપી લઇને આવી છું. શુધ્ધ તેવા ઘી અને દેશી ગોળમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે. સાથે ઘણા દિવસો સુધી સારી રહે છે બગડતી નથી.

એટલે જ જૂના સમયમાં જયારે બહુ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે ખાસ આ સુખડી સાથે લઇ જવાતી. થોડીક ખાઇને પણ ભાર પડે અને ભૂખ દૂર થતી.  સુખડી બધી જ રીતે પૌષ્ટિક હોવાથી નાના બાળકો માટે પણ ગુણકારી છે. અને ઠંડીની ઋતુમાં આજ સુખડીમાં લોટ સાથે બીજા વસાણા અને સૂકા મેવા ઉમેરીને પણ બનાવી શકાય છે.

સુખડી આમ તો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે પણ જ્યારે ગરમ બનેલી તરત ખાવામાં આવે તો કોઇપણ ટાળી ના શકે. ગુજરાતના ઘણા નાના-મોટા મંદિરો માં ગરમ સુખડી નો ભોગ ધરાવાય છે. અને પ્રસાદ તરીકે વહેંચાય છે.

ઉત્તર ગુજરાતમાં એક જૈન તિર્થધામ છે, મહુડી. જેમાં ગરમ સુખડીનો ભોગ ધરાવાય છે અને પ્રસાદને ત્યાં જ ગ્રહણ કરી શકાય, મંદિર ની બહાર ના લઇ જઇ શકાય તેવી માન્યતા છે. મહુડીની સુખડી ખૂબ જ પ્રખ્યાત છે. જે દરેક વખતે એક જેવી જ બને છે.

અહીં સાથે એક વધારાની ખાસ સામગ્રી મેં વાપરી છે જેનાથી સુખડી સરસ પોચી થાય છે મહુડીની સુખડી જેવી જ. તો તમે પણ ચોક્કસ બનાવીને જુઓ.

સામગ્રી:

  • ➡️૨ કપ ઘઉંનો લોટ
  • ➡️૧ કપ દેશી ઘી
  • ➡️૧ કપ સમારેલો ગોળ
  • ➡️૧ ટીસ્પૂન ઇલાયચી પાવડર
  • ➡️૨ ટેબલ સ્પૂન દૂધ

પદ્ધતિ:

🍁એક કઢાઇમાં ઘી અને ઘઉંનો લોટ લઇ મિડિયમ તાપે ૧૦ મિનિટ જેવો શેકો. શેકાયાની સરસ સુગંધ આવે અને લોટ લાલાશ પકડે ત્યાં સુધી શેકવાનો છે.

🍁પછી તેમાં દૂધ અને ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરો. દૂધ નાખવાથી ગોળ ઓગળે તેવો કડક પાઇ નો નથી થઇ જતો. તરત જ સમારેલો ગોળ નાખી ધીમા તાપે મિક્સ કરતા જાઓ. ૨ મિનિટ માં ગેસ બંધ કરી દો.

🍁ગોળ પીગળી જાય ને બરાબર ભળી જાય એટલે તરત જ મિશ્રણને એક થાળીમાં લઇ ઠારી દો. ગરમ હોય ત્યારે જ કાપા કરી લો.

🍁ગરમ હોય ત્યારે વધારે ટેસ્ટી લાગે છે. વધે એ સ્ટોર કરી લો. આ સુખડી ૧૨-૧૫ દિવસ સુધી સારી રહે છે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *