ક્રંચી સુખડી – ઘરે તમારા પ્રિયજનોને રોજ કાંઈક નવીન બનાવીને ખવડાવો…

સુખડી એ એક હેન્ડી સ્વીટ છે. જે ગમે ત્યારે બનાવી શકાય છે અને ગમે ત્યારે ખાઇ શકાય છે. નાના થી માંડીને મોટા કે વૃધ્ધ લોકો હોય, બધાની મનપસંદ દેશી સ્વીટ એટલે સુખડી. વર્ષોથી પરંપરાગત બનાવાતી સુખડી હજુ પણ અડીખમ છે. હાલ પણ બધા બનાવે છે અને હોંશે હોંશે ખાય પણ છે. સુખડીને ઘણા લોકો પાક કે પકવાન પણ કહેતા હોય છે. ગોળ, ઘી, ઘઉંનો લોટ, થોડા ગરમ સ્પાઇસ સાથે કોપરાનું ખમણ કે તળેલો ગુંદર ઉમેરી ખૂબજ ટેસ્ટી બનાવવામાં આવતી હોય છે. જે હેલ્થ માટે ખૂબજ શક્તિદાયક છે.

ઘણી વખત ઘઉંના લોટ સાથે અડદના લોટને મિક્ષ કરીને પણ સુખડી બનાવવામાં આવતી હોય છે. બજારમાં સુખડી – પાક બનાવવા માટેનો સ્પેશિયલ મસાલો – બત્રિશુ પણ મળતો હોય છે તે પણ જરુર મુજબ ઉમેરી શકાય છે. જે ખાસ બહેનો માટે હોય છે. તે આયુર્વેદીક ઔષધિઓના પાવડરનું મિશ્રણ હોય છે. સુખડીમાં અલગથી પણ સૂંઠ, વરિયાળી, સુવાદાણા, મરી કે એલચીનો પાવડર ઉમેરી શકાય છે. બનાવવામાં ખૂબજ સરળ અને જલ્દી બની જતી ક્રંચી સુખડી બનાવીને 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.

સુખડીમાં ગુંદર ફ્રાય કરીને ઉમેરવાથી પૌષ્ટિક તો બને જ છે, સાથે ખૂબજ સરસ ક્રંચ પણ આવશે.

આજે હું અહીં ઘઉંના લોટમાંથી બનાવેલી સાદી, ક્રંચી સુખડી બનાવવાની રેસિપિ આપી રહી છું, જે બધાને ખૂબજ ભાવશે.

ક્રંચી સુખડી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ઘી
  • ¾ કપ ઘઉંનો ભાખરી બનાવવા માટેનો જરા જાડો લોટ
  • ½ કપ ઘઉંનો રોટલી બનાવવા માટેનો જીણો લોટ
  • ¾ કપ ગોળ અથવા સ્વાદ મુજબ. (વધારે – ઓછો કરી શકાય)
  • 3 ટેબલ સ્પુન કોપરાનું ખમણ
  • 3 ટેબલ સ્પુન કાજુનો અધકચરો ભૂકો
  • 2 ટેબલ સ્પુન ગુંદર – અધકચરો ખાંડી લેવો.
  • 1 ટી સ્પુન બત્રીશુ અથવા 1 ટી સ્પુન સૂંઠ પાવડર
  • ( 1 થી 2 ટેબલ સ્પુન ચોક્લેટ સોસ – ક્રંચી ચોક્લેટ સુખડી બનાવવી હોય તો ઉમેરવો.)
  • ગાર્નિશિંગ માટે નાની બદામ જરુર મુજબ

ક્રંચી સુખડી બનાવવાની રીત:

એક લોયા માં 1 કપ ઘી ગરમ મૂકો.

ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં ¾ કપ ઘઉંનો ભાખરી બનાવવા માટેનો જરા જાડો લોટ અને ½ કપ ઘઉંનો રોટલી બનાવવા માટેનો જીણો લોટ ઉમેરી ઘી સાથે મિક્ષ કરી લ્યો.

ગેસની ફ્લૈમ મિડીયમ સ્લો રાખી રોસ્ટ કરો.

ત્યારબાદ તેને થોડો ડાર્ક બદામી કલર થાય ત્યાંસુધી ઘીમાં રોસ્ટ કરો.

રોસ્ટ કરતી વખતે સતત તવેથાથી હલાવી, લોટ ઉપર નીચે કરતા જવું જેથી બધો લોટ એકસરખા કલરમાં રોસ્ટ થાય.

લોટ શેકાઇ જવા આવે એટલે લોટ ફ્લફી થઇ જશે.

ત્યારબાદ રોસ્ટ થયેલા લોટ માંજ 2 ટેબલ સ્પુન અધકચરો ખાંડેલો ગુંદર ઉમેરી, બરાબર બધો ગુંદર ફુલી જાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવો.

હવે ફુલેલા ગુંદરને તવેથાથી સુખડીના મિશ્રણમાંજ થોડો પ્રેસ કરીને અધકચરો કરી લ્યો. જેથી સુખડી સરસ ક્રંચી બનશે.

ત્યારબાદ તે મિશ્રણમાં 3 ટેબલ સ્પુન કોપરાનું ખમણ, 3 ટેબલ સ્પુન કાજુનો અધકચરો ભૂકો અને 1 ટી સ્પુન બત્રીશુ અથવા 1 ટી સ્પુન સૂંઠ પાવડર ( સ્ટ્રોંગ ટેસ્ટ જોઇતો હોય તો બન્ને ઉમેરવુ) ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં ¾ કપ ગોળ અથવા સ્વાદ મુજબ (વધારે – ઓછો કરી શકાય) ચપ્પુથી જીણો સુધારીને ઉમેરો. જેથી સુખડીના ગરમ મિશ્રણમાં જલ્દીથી એક સરખો મિક્સ થઇ ભળી જાય.

ગોળ ઓગળીને સુખડીના મિશ્રણમાં મિક્ષ થશે એટલે તે મિશ્રણ થોડુ થીક થઇ જશે.

હવે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં સુખડીનું મિશ્રણ ઉમેરી, સુખડીનું જેટલું થીક લેયર કરવું હોય તે પ્રમાણે તવેથાથી સ્પ્રેડ કરી, બરાબર પ્રેસ કરી લ્યો.

સ્પ્રેડ કરેલું સુખડીનું મિશ્રણ તરતજ, ગરમ હોય ત્યારે જ તેમાં ચપ્પુ કે તવેથાથી સ્ક્વેર કટ કે ડાયમંડ કટ કરી લ્યો.

દરેક સ્ક્વેર કે ડાયમંડ કટ સુખડીમાં વચ્ચે એક નાની બદામ જરા પ્રેસ કરી લગાવી ગાર્નિશ કરો.

જરા ઠરે એટલે ક્રંચી સુખડીના પીસ અલગ પાડી લ્યો. જરુર મોજબ રાખી ને બાકીની ક્રંચી સુખડી ને એર ટાઈટ કંટેઇનરમાં સ્ટોર કરી લો.

તો હવે ક્રંચી સુખડી સર્વ કરવા માટે રેડી છે.

આ સુખડી ગરમ કે ઠંડી, ગમે ત્યારે ખાય શકાય છે. બાળકોને નાસ્તા બોક્ષમાં આપવા માટે બેસ્ટ હેલ્ધી સ્વીટ છે.

બાળકોને ચોકલેટના બદલે આ સુખડી ખાવાની ટેવ પાડો.

સુખડીમાં ગોળ ઉમેરતા પહેલા થોડો ચોકલેટ સોસ ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો. ખૂબજ સરસ થોડી વધારે સ્વીટ, બાળકોને ભાવે તેવી પ્ર્રિય,ચોકલેટ વાળી ક્રંચી સુખડી બનશે.

બધાને આ બન્ને પ્રકારની સુખડીઓ ખૂબજ ભાવશે, તો ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *