માત્ર દસ જ મિનિટમાં બનાવો સુરતની ફેમસ બટાટા પુરી ! વધારાની કોઈ પણ જાતની ઝંઝટ વગર બની જાય છે આ વાનગી

ઘણીવાર એવું બને છે કે આપણને અચાનક કોઈ ચટાકો ઉપડે છે અને આપણે રસોડામાં જઈ નાશ્તાના ડબ્બા ફંફોસવા લાગીએ છીએ. પણ હવે ક્યારેય તમારી સાથે એવું થાય તો તમારે તેમ ન કરવું. તેની જગ્યાએ માત્ર 10 જ મિનિટમાં બની જતી સુરતી બટાટા પુરી એટલે કે બટાટાની પતરીના ભજીયા બનાવી લેવા. તેનાથી તમારા બધા જ ચટાકા સંતોષાઈ જશે. તો નોંધી લો સૂરતી બટાટા પુરીના ભજીયા.

 

સુરતી બટાટા પુરી બનાવવા માટેની સામગ્રી

બે નંગ મિડિયમ સાઇઝના ગોળ બટાટા

¾ કપ ચણાનો લોટ

¼ કપ રવો એટલે કે સોજી

2 ચપટી ખાવાનો સોડા

3-4 ટીપાં લીંબુનો રસ

1 ચપટી હળદર

સ્વાદ પ્રમાણે મીઠુ

1 ચપટી અજમા

અને તળવા માટે તેલ

સુરતી બટાટા પુરી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ ખીરુ બનાવવા માટે એક બોલ લેવો. અને તેમાં ¼ કપ રવો એટલે કે સોજી ઉમેરવી. હવે તેમાં ¾ કપ ચણાનો લોટ કે બેસન ઉમેરવું. એટલે કે તમારે 75 ટકા ચણાનો લોટ અને 25 ટકા રવો લેવો. ચણાનો લોટ લેતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે તે તમારે ચાળીને જ લેવો. તેમ કરવાથી ખીરામાં લંગ્સ નહીં પડે અને ખુબ જ સરળતાથી ખીરુ બની જશે.

હવે આ બન્ને સામગ્રી ઉમેર્યા બાદ તેમાં મસાલા કરી લેવા. આ મસાલામાં પ્રથમ તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું ત્યાર બાદ ¼ ચમચી લાલ મરચુ પાઉડર જો કાશ્મીરી લાલ મરચુ પાઉડર હોય તો થોડું વધારે ઉમેરવું. ત્યાર બાદ તેમાં પા ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરવો. અજમાથી ખીરામાં સરસ ટેસ્ટ આવે છે. પણ જો તમને ન ભાવતો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. હવે તેમાં બે ચપટી હળદર ઉમેરી દેવી તેનાથી બટાટા પુરીનો રંગ સરસ આવશે.

હવે થોડું થોડું પાણી ઉમેરીતાં જવું અને તેને ખીરામાં મિક્સ કરતાં જવું. ખીરામાં એક પણ લંગ્સ ન રહે તેનું ધ્યાન રાખવું. અને એક સાથે બધું પાણી તેમાં ન ઉમેરવું. પાણી વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું કારણ કે ખીરુ પાતળુ થઈ જશે તો બટાટા પુરી ફુલશે નહીં.

તો બટાટા પુરીનું ખીરુ તૈયાર થઈ ગયું છે. અહીં ખીરુ બનાવવા માટે કુલ અરધો કપ પાણી અને ઉપર એક મોટી ચમચી પાણી ઉમેરવામાં આવ્યું છે. હવે આ તૈયાર થયેલા ખીરાને બાજુ પર 10-15 મિનિટ માટે રેસ્ટ કરવા મુકી દેવું.

હવે ખીરુ જ્યાં સુધી રેસ્ટ થાય છે તે દરમિયાન બે મિડિયમ સાઇઝના બટાટા લેવા. બને તો ગોળ બટાટા લેવા અને તેને ધોઈને તેની છાલ ઉતારી લેવી. હવે તેની પતરી પાડી લેવી. આ કામ તમે છરીથી પણ કરી શકો છો પણ જો ઘરમાં કાતરી પાડવાનું મશીન હોય તો તેનો ઉપયોગ કરવો. કારણ કે તેનાથી બટાટાની પતરી એક જ જાડાઈવાળી પડશે.

બટાટાની પતરી વેફરની જેમ બહુ પાતળી ન પાડવી. પણ થોડી જાડી રહેવા દેવી. અને બટાટાને ઉભું નહીં પણ આડુ રાખીને તેની પતરી પાડવી તેમ કરવાથી બધી જ પતરીની સાઇઝ સમાન પડશે.

અત્યાર સુધીમાં ખીરુ સેટ થઈ ગયું હશે. જો તમારી પાસે સમય ન હોય તો તમારે ખીરાને ઓછામાં ઓછો પાંચ મિનિટ રેસ્ટ થવા માટે ટાઈમ આપવો. હવે તૈયાર થયેલા ખીરામાં બે ચપટી ખાવાનો સોડા ઉમેરવો. અને તેને એક્ટિવેટ કરવા માટે તેના પર 3-4 ટીપાં લીંબુનો રસ ઉમેરી દેવો. અને આ પ્રક્રિયા તમારે જ્યારે તમે ભજીયા તળવાના હોવ તે પહેલાં જ કરવી પહેલેથી કરીને ન રાખવું. તેમ કરવાથી સોડાની અસર જતી રહેશે અને ભજીયા ફુલશે નહીં.

હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ ગરમ થાય એટલે અહીં બતાવ્યું છે તેમ એક એક કરીને બટાટાની પતરીને ખીરામાં ડીપ કરીને તેને એક સેકન્ડ નીતારીને પછી ગરમ તેલમાં તળવા માટે ઉમેરવી.

આવી જ રીતે બધી જ પતરી ખીરામાં ડીપ કરીને ગરમ તેલમાં ઉમેરવી. પણ તેલમાં એ ધ્યાન રાખવું કે ગેસ ફુલ ન હોવો જોઈએ પણ મિડિયમ હોવો જોઈએ જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ભજીયા તળતા પહેલાં ગેસ મિડિયમ કરી લેવો અને ત્યાર બાદ જ ભજીયા ઉમેરવા નહીંતર તે બહારથી તરત જ લાલ થઈ જશે અને અંદર કાચા રહી જશે.

બટાટાની પતરીના ભજીયાને તળાતા જરા પણ વાર નથી લાગતી માત્ર ત્રણ જ મિનિટમાં તે સરસ દડા જેવી તળાઈ જાય છે. અહીં તમે જોઈ શકો છો કે બટાટા પુરી સરસ દડા જેવી તળાઈ છે. આ બટાટા પુરી ક્રીસ્પી પણ થાય છે. કારણ કે તેમાં રવો ઉમેરવામાં આવ્યો હોય છે.

તો તૈયાર છે ક્રીસ્પી બટાટા પુરી. એટલે કે બટાટાની પતરીના ભજીયા. સુરતમાં તેને બટાટા પુરી કહેવામા આવે છે. આ બટાટા પુરીને તમે ટોમેટો કેચપ કે પછી કોથમીર ફુદીનાની ચટની સાથે ખાઈ શકો છો. જો તમારો ટેસ્ટ ખાટો-તીખો-મીઠો હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખીરામાં ગળપણ અને ખટાશ ઉમેરી શકો છો અને લીલા મરચા જીણા સમારીને પણ ઉમેરી શકો છો તેનો પણ સરસ ટેસ્ટ આવશે.

સુરતી બટાટા પુરી બનાવવા માટે વિગતવાર વિડિયો

રસોઈની રાણી : સીમાબેન

સૌજન્ય : કીચ કૂક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *