સ્વાદિષ્ટ ભરેલા મરચા બનાવી તમારા બોરીંગ ભાણાને રસપ્રદ બનાવો

ઘણીવાર સાંજના સમયે સાદુ ભોજન ખાવાનું મન થતું હોય છે તેમ છતાં રાત્રે ઉંઘ આવે તે માટે પેટ ભરાય તેવું ભોજન તો જોઈએ જ. અને તેવા સમયે ખુબ જ ઓછા સમયમાં પણ સ્વાદિષ્ટ વાનગી જો મળી જાય તો તો મજા પડી જાય. આજની આપણી રેસીપી કંઈક એવી જ છે. ભરેલા મરચા જેને તમે ભાખરી, રોટલી, બાજરીના રોટલા અને છાશ સાથે ખાવાનું ખુબ પસંદ કરશો.

ભરેલા મરચા બનાવવા માટે સામગ્રી

6-7 નંગ મોટા મોળા મરચા

¼ વાટકી સીંગ

¼ વાટકી ચણાનો લોટ

અરધી નાની ચમચી હળદર

અરધી નાની ચમચી મરચુ

સ્વાદ પ્રમાણે મીઠુ

3 ચમચી તેલ

થોડું જીરુ

થોડી હીંગ

અરધુ લીંબુ

અરધી ચમચી ખાંડ

થોડા તલ

નાનો કટકો આદુ

3-4 કળી લસણ

ભરેલા મરચા બનાવવા માટેની રીત

ભરેલા મરચા બનાવવા માટે મોટા મોળા મરચા લેવા. જેને વ્યવસ્થિત ધોઈ લેવા અને બાજુ પર મુકી દેવા.

હવે પા વાટકી જેટલા સીંગદાણા નાની કડાઈમાં લઈ તેને ધીમા ગેસે શેકી લેવા. એકાદ સીંગદાણાના શેકાવાનો અવાજ આવે એટલે ગેસ બંધ કરી દેવો.

હવે આ સિંગદાણાને એક પહોળી ડીશમાં લઈને ઠંડા થવા બાજુ પર મુકી દેવા.

હવે તે જ નાની કડાઈમાં 3-4 ચમચી ચણાનો લોટ લેવો અને ધીમા તાપે તેને શેકી લેવો.

ચણાનો લોટ શેકાઈ જાય એટલે તેને પણ એક ડીશમાં ઠંડો થવા બાજુ પર મુકી દેવો.

હવે ચણાનો લોટ શેકાઈ ગયા બાદ. તમે જોશો તો સીંગદાણા ઠંડા થઈ ગયા હશે તેને મસળી લેવા અને તેના છોતરા દૂર કરી દેવા. જેટલા છોતાર દૂર થાય તેટલા દૂર કરી લેવા.

હવે ખાઈણીમાં આ સીંગદાણાને અધકચરા વાટી લેવા. સીંગદાણા વાટવામાં બહુ વાર નહીં લાગે. હવે તેને ચણાના લોટમાં જ એડ કરી દેવા.

હવે એક નાનો કટકો આદુ અને 3-4 કળી લસણ લઈ તેને વાટીને ચણાના લોટમાં ઉમેરી દેવા.

હવે તેની સાથે જ તેમાં અરધુ લીંબુ નીચોવી દેવું.

હવે તેમાં અરધી ચમચી જેટલી ખાંડ, એક ચમચી તલ અને ચપટી જેટલો અજમો હાથમાં મસળીને ઉમેરી દેવો.

હવે મસાલામાં તેમાં અરધી નાની ચમચી હળદર, અરધી નાની ચમચી મરચુ અને તેનાથી થોડું વધારે ધાણાજીરુ ઉમેરવું, હવે તેમા થોડી હીંગ ઉમેરવી અને થોડુ તેલ પણ ઉમેરી દેવું.

હવે તેમાં 1-2 ચમચી પાણી ઉમેરીને તેને બરાબર હાથેથી હલાવી લેવું. આ સમયે તમે મસાલાના સ્વાદને એડજસ્ટ કરી શકો છો. લીંબુ વધારે પડી ગયું હોય તો ગળપણ અને તીખાશ વધારીને એડજસ્ટ કરી શકો છો.

હવે ધોઈને તૈયાર રાખેલા મરચામાં વચ્ચે કાપો કરી દેવો અને તેમાંથી બીયા કાઢી નાખવા. જો તમે તીખા મરચા પસંદ કરતા હોવ તો બીયા કાઢવાની જરૂર નથી.

હવે આ કાપામાં તૈયાર કરેલો મસાલો બરાબર ભરી દેવો મરચાને જરા પણ ખાલી ન રાખવા. આવી રીતે બધા જ મરચા ભરી દેવા. થોડો મસાલો વધ્યો હોય તો તેનો છેલ્લે ઉપયોગ કરી લેવો.

હવે તે જ નાની કડાઈમાં ત્રણ ચમચી તેલ લેવું. અહીં મરચાને આપણે શેલો ફ્રાઇ કરવાના છે માટે થોડા વધારે તેલની જરૂર પડશે.

હવે તેલ આવ્યા પછી તેમાં થોડુ જીરુ અને થોડી હીંગ ઉમેરી દેવી.

હવે તેમાં ભરેલા મરચા પણ એક એક કરીને ઉમેરી દેવા. અને તે પહેલાં ગેસ પણ ધીમો કરી દેવો.

આ મરચામાંથી તમે ભજીયા પણ બનાવી શકો છો. ભજીયા બનાવવા માટે તમારે ભરેલા મરચાને ચણાના લોટના ખીરામાં ડીપ કરીને તળી નાખવાના હોય છે. તેનો સ્વાદ ખુબ જ સરસ આવે છે. આમ આ એક જ રેસીપીમાંથી તમે બીજી ત્રણ વાનગીઓ બનાવી શકો છો.

મરચા મુકી દીધા બાદ તેને હલાવી લેવા અને તેલ બધા જ મરચાને અડે તે રીતે તેને હલાવતા રહેવું. મરચાને સાવ ચડવી નથી દેવાના પણ તેને અધકચરા થવા દેવા તેમ છતાં તેની સ્કીન નરમ થઈ જવી જોઈએ.

ધીમા તાપે મરચાને સંતળાવા દેવા. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જેથી કરીને બધા જ મરચા ચડી જાય. હવે છેલ્લે જે મસાલો બચ્યો હતો તેને મરચા પર નાખી દેવો. ત્યાર બાદ ફરી મરચાને 3-4 મિનીટ માટે ચડાવી લેવા.

ચણાનો લોટ છેલ્લે જ ઉમેરવો જેથી કરીને તેલ સોશાઈ ન જાય. અને ચણાનો લોટ પહેલેથી શેકેલો પણ છે એટલે તેને કુક કરવાની જરૂર નથી.

તો 3-4 મીનીટ બાદ તમે જોશો તો મરચા ચડી ગયા હશે. તો તૈયાર છે ભરેલા મરચા. આ મરચાને તમે ભાખરી, રોટલી અને દરેક પ્રકારના રોટલા સાથે ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ નધી પટેલ

ભરેલા મરચા બનાવવા માટે વિગવાતર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *