તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક – ગરમાગરમ બાજરીના રોટલા સાથે મોજ આવી જશે…

તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક : શિયાળાની આ કડકડતી ઠંડીમાં બાજરીના ગરમા ગરમ રોટલા, રાયતા મરચા અને શિયાળુ પાક અડદિયા સાથે તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક અને સાથે સલાડ, પાપડ, છાશ તો ખરા જ.. આ મીની મેનુ ની મિત્રો સાથે ગ્રુપ માં બેસીને વાડીમાં ડીનર લેવાની મજા તો કંઇક ઓર જ છે.

તો મિત્રો તેના માટે આજે હું તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક બનાવવા માટેની રેસિપિ આપી રહી છું, તો ચોક્કસથી બનાવજો. મારી આ રેસિપિ કેવી લાગી એ લાઇક, શેર અને કોમેંટ કરી જણાવજો.

તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક બનાવવામાટે ની સામગ્રી :

  • 3 ટમેટા મોટા, સરસ લાલ
  • 1 થી 1 ½ કપ તીખા ગાંઠીયા
  • ¾ કપ લીલા ફ્રેશ વટાણા
  • 1 લીલું મરચું બારીક સમારેલું
  • 1 ડુંગળી બારીક સમારેલી
  • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • 2 ટેબલ સ્પુન કોથમરી બારીક સમારેલી
  • 1 વઘાર કરવા માટે સૂકું લાલ મરચું
  • 1 તજ પત્તુ
  • ½ ટી સ્પુન રાઇ
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • પિંચ હિંગ
  • ½ ટી સ્પુન હળદર
  • 1 થી 1 ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર – તમારા સ્વાદ મુજબ લેવું
  • 1 ટેબલ સ્પુન ધાણા જીરું
  • ¾ ટી સ્પુન ગરમ મસાલો
  • ½ ટેબલ સ્પુન ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

તીખા ગાંઠિયા અને લીલા વટાણાનું શાક બનાવવાની રીત :


સૌ પ્રથમ બધા શાકભાજી ધોઇને કોરા કરી લ્યો.


ત્યારબાદ તેમાંથી વટાણા લઇ તેને ગરમ પાણીમાં થોડું મીઠું ઉમેરી બાફી લ્યો.


હવે બધા ટમેટાના બે ભાગ કરી ખમણીથી ખમણી લ્યો. એક બાજુ રાખી દ્યો.


પેનમાં 2 ટેબલસ્પુન ઓઇલ મૂકી ગરમ થાય એટલે ½ ટી સ્પુન રાઇ અને ½ ટી સ્પુન આખું જીરું ઉમેરો.

એ તતડે એટલે તેમાં તજ પત્તુ અને 1 લાલ સૂકું મરચું ઉમેરી સાંતળો.

એ સંતળાઇ જાય એટલે તેમાં મીઠો લીમડો, સમારેલું લીલું મરચું ઉમેરી જરા સાંતળો.


હવે તેમાં બારીક કાપેલી ડુંગળી ઉમેરો. સાંતળો.

ડુંગળી અધકચરી સંતળાઇ જાય એટલે તેમાં ખમણેલા ટમેટા, ½ ટી સ્પુન હળદર, 1 ટેબલ સ્પુન ધાણાજીરું, 1 થી 1 ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ( સ્વાદમુજબ), મીઠું અને ½ ટેબલસ્પુન ખાંડ ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદ ટમેટાની ગ્રેવી મસાલા સાથે, ટમેટાની કચાશ દૂર થઇ જાય ત્યાં સુધી કૂક કરો.


હવે તેમાં પાણીમાં બાફેલા લીલા વટાણા ઉમેરી ગ્રેવી સાથે મિક્સ કરો.


તેમાં ગરમ મસાલો ઉમેરો.

3-4 મિનિટ કૂક કરો. જેથી ગરમ મસાલો અને ગ્રેવીનો તેમાં બરાબર ટેસ્ટ બેસી જાય.


તેમાં ગાંઠિયા ઉમેરવાના હોવાથી, ગ્રેવી પાતળી કરવા માટે તેમાં 1 ½ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી શાક નું મિશ્રણ થોડું થીક થાય અને એકરસ થઇ જાય ત્યાં સુધી ઉકાળો.


ઉકળતી ગ્રેવીમાં 1 કપ તીખા ગાંઠીયા ઉમેરી મિક્સ કરો. ( તમારા સ્વાદ મુજબ ગાંઠીયા વધારે ઉમેરી શકાય છે).


તીખા ગાંઠીયા અને લીલા વટાણાનું શાક 2-3 મિનિટ ઢાંકણ ઢાંકીને વધારે કૂક કરો જેથી ગાંઠીયા કૂક થઇને સ્મુધ થઇ જાય.


હવે ફ્લેઇમ બંધ કરી દ્યો. રેડી છે – તીખા ગાંઠીયા અને લીલા વટાણાનું શાક.


*એક સર્વિંગ બાઉલમાં તીખા ગાંઠીયા અને લીલા વટાણાનું શાક પીરસીને તેના પર કોથમરી અને થોડા તીખા ગાંઠિયા સ્પ્રિંકલ કરી ગાર્નિશ કરો.


ગરમા ગરમ રોટલા, રાયતા મરચા અને અડદિયા સાથે આ શાક ગરમા ગરમ સર્વ કરો. અને શિયાળાની કડકડતી ઠંડીમાં સરળતાથી બનતું આ મિનિ મેનુ ની મિત્રો સાથે લહેજત માણો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *