ઉનાળામાં મજા માણો ઘરે જ બનાવેલા કોલ્ડ કોકોની..

ઉનાળામાં મજા માણો ઘરે જ બનાવેલા કોલ્ડ કોકોની

ઉનાળો આવી ગયો છે એટલે હવે બધાને ઠંડી વાનગીઓ ખાવાનું ખુબ જ મન થતું હશે. આઇસ ક્રીમ, કોલ્ડ કોફી, બરફ ગોળો આ બધું તો આપણે રેગ્યુલર ખાતા હોઈએ છીએ પણ કોલ્ડ કોકો તો આપણને અમુક ચોક્કસ જગ્યાનો જ ભાવતો હોય છે અને તે જગ્યાએ આપણને ઇચ્છા થાય ત્યારે પહોંચી નથી શક્યા. પણ આજની અમારી કોલ્ડ કોકોની રેસીપી તમને તમારા માનિતા કોલ્ડ કોકોને પણ ભુલાવી દેશે.

હા, આજે અમે તમારા માટે લાવ્યા છે બેસ્ટ કોલ્ડ કોકો રેસીપી. તો ચાલો બનાવીએ કોલ્ડ કોકો.

તેના માટે તમને જરૂર પડશે આ પ્રમાણેની સામગ્રીઓ:

2.5 લીટર દૂધ અથવા 1 લીટર ફૂલ ફેટ દૂધ (અમૂલ ગોલ્ડની 500એમએલની બે થેલી લઈ શકો છો)

20થી 25 ચમચી ખાંડ અથવા 8થી 9 ચમચી ખાંડ

10 ચમચી કોકોઆ પાવડર અથવા 4 ચમચી કોકોઆ પાવડર (સારી કંપનીનો વાપરવો)

5 ચમચી કસ્ટર્ડ પાવડર અથવા 2 ચમચી કસ્ટર્ડ પાવડર

ઉપર અહીં બે પ્રમાણ આપવામાં આવ્યા છે તે પ્રમાણે તમે વધતા ઓછા પ્રમાણ લઈ શકો છો.

બનાવવાની રીત


એક પહોળુ પેન લો જેમાં પાણી નાખીને તેનું તળીયુ ભીનું કરી લો અને વધારાનું પાણી કાઢી લો. આમ કરવાથી દૂધ ગરમ કરતી વખતે દૂધ તળીયે ચોંટશે નહીં.

હવે તેમાં દૂધ ગરમ કરવા મુકી દો. ગેસની ફ્લેમ મધ્યમ રાખવી.


આ દરમિયાન તમારે એક નાના બોલમાં 10 ચમચી કોકોઆ પાવડર લેવાનો છે. યાદ રહે કોકોઆ પાવડર સારી કંપનીનો જ યુઝ કરવો નહીંતર કોલ્ડ કોકોના સ્વાદમાં પણ ફરક પડી જશે. કોકોઆ પાવડર ચાખતા તમને તે કડવો લાગશે અને તે કડવો જ હોય છે અને તે જ કોકોઆ પાવડરનો તમારે ઉપયોગ કરવાનો છે. કોકોઆ પાવડર નાખતી વખતે જરા પણ કંજૂસાઈ કરવી નહીં તેનાથી તેના સ્વાદમાં ફરક પડી જશે.


હવે આ 10 ચમચી કોકોઆ પાવડરને તમારે એક વાટકીમાં લેવાનો છે અને તે ઓગળે તેની સ્લરી બનાવી શકાય તેટલું દૂધ લેવાનું છે. હવે તેને બરાબર હલાવી લેવું. આમ કરવાથી કોકોઆ પાવડરને આપણે બરાબર ઓગાળી શકશું અને તેના લંગ્સ નહીં રહે. હવે આ તૈયાર કરેલા કોકોઆ દૂધના થીક મિક્ષ્ચરને સાઇડ પર મુકી દો.


ગરમ થતાં દૂધમાં એકવાર ઉભરો આવ્યા બાદ તેમાં 20થી 25 ચમચી ખાંડ ઉમેરી દૂધને બરાબર હલાવી લેવું. અને દૂધને થોડી થોડી વાર હલાવતા જ રહેવું. તેને હલાવ્યા વગર છોડવું નહીં. નહીંતર તેમાં જાડી મલાઈ જામવા લાગશે. હવે ખાંડ બરાબર ઓગળી ગયા બાદ તેમાં આપણે તૈયાર કરેલી કોકોઆ પાવડરને ઓગાળીને તૈયાર કરેલી સ્લરીને દૂધમાં ઉમેરવી. હવે તેને સતત હલાવતા રહેવું અને બરાબર મિક્ષ કરી દેવી. તમને તેમ છતાં પણ જો ક્યાંક કોકોઆ પાવડરના લંગ્સ દેખાતા હોય તો તેને તોડી નાખો.


દૂધ ઉકળી રહ્યું છે તે દરમિયાન આપણે વેનિલા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાવડરની સ્લરી તૈયાર કરી લઈએ જેની આપણને છેક છેલ્લે જરૂર પડશે. આ દરમિયાન દૂધને સતત હલાવતા રહેવું.


કોકોઆ પાવડરની જેમ જ આપણે વેનિલા ફ્લેવર્ડ કસ્ટર્ડ પાવડર પણ પહેલાં થોડા દૂધમાં પલાળીને તેને બરાબર મીક્ષ કર્યા બાદ જ ઉમેરવાનો છે. તો કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવવા માટે તમારે એક વાટકીમાં 5 ચમચી કસ્ટર્ડ પાવડર લેવાનો છે અને તેમાં તેને ઓગાળવા માટે જેટલા દૂધની જરૂર પડે તેટલું દૂધ લઈ તેને બરાબર લંગ્સ ન રહે તે રીતે હલાવીને મીક્ષ કરી લેવું. કસ્ટર્ડ પાવડરની સ્લરી તૈયાર થઈ ગઈ છે.


કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ યુઝ કરી શકો છો. પણ તેમાં તમારે વેનિલા એસેસન્સ અલગથી નાખવું પડશે. તો જો તમે કોર્ન ફ્લોર યુઝ કરતા હોવ તો તેમાં 1-2 ટીપાં વેનિલા એસેન્સ નાખી દેવું. જેથી કરીને તેની સોડમ સારી આવે.


અહીં વેનિલા ફ્લેવર કસ્ટર્ડ પાવડર લેવામાં આવ્યો છે. આ તૈયાર કરેલી કસ્ટર્ડ પાવડરની સ્લરી તમારે છેક છેલ્લે જ્યારે ગેસ બંધ કરવાનો હોય તેની પહેલાં જ ઉમેરવાની છે. માટે હાલ તેને બાજુ પર મુકી દો.


હજુ પણ તમારે દૂધને બીજી 15-20 મીનીટ ઉકાળવાનું છે. જેટલું દૂધ વધારે ઉકળશે તેટલો જ કોલ્ડ કોકો વધારે સ્વાદિષ્ટ બનશે. દૂધ ગરમ થતું હોય ત્યારે તેને સતત હલાવતા રહેવું.


હવે ગેસ બંધ કરવાનો સમય થઈ ગયો છે ત્યારે તમારે તેમાં તૈયાર કરેલી કસ્ટર્ડ પાવડરની સ્લરી ઉમેરવી. અને તરત જ ગેસ બંધ કરી દેવો. હવે પેનને નીચે મુકી દેવું અને કસ્ટર્ડ પાવડરને બરાબર દૂધમાં મીક્ષ કરી દેવો.


કોકોને હવે રૂમ ટેમ્પ્રેચર પર આવવા દેવો અને તે દરમિયાન તમારે તેને હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે કોકો ઠંડો થશે અને ઘટ્ટ પણ થતો જશે.


કોકો રૂમ ટેમ્પ્રેચર પર આવ્યા બાદ તમારે તેને ફ્રિઝમાં મુકી દેવો. જો તમારે તરત જ કોકો સર્વ કરવો હોય તો તમે તેને 30 મીનીટ માટે ફ્રીઝરમાં મુકી શકો છો અને ત્યાર બાદ બહાર કાઢી તેમાં તમારે એક વાર બ્લેન્ડર ફેરવી દેવું અને ત્યાર બાદ તમે તેને સર્વ કરી શકો છો.


પણ જો તમારે ઉતાવળ ન હોય તો તેને ફ્રીઝમાં મુક્યા બાદ બે ત્રણ કલાક પછી બહાર કાઢી તેમાં તમારે બ્લેન્ડર ફેરવી દેવું. બરાબર મિક્ષ કરી લેવું. કોલ્ડ કોકો પીવા માટે તૈયાર છે.


તમે તેને ત્રણ ચાર દિવસ સુધી ફ્રીઝમાં સાંચવી શકો છો. માટે ગમે ત્યારે રાહ જોયા વગર કોલ્ડ કોકો ફ્રીઝમાંથી બહાર કાઢી વેનિલા આઇસ્ક્રીમ સાથે પણ એન્જોય કરી શકો છો અને એમનમ પણ એન્જોય કરી શકો છો.


સૌજન્ય : ફૂડ ગણેશા (નિધિ પટેલ. યુટ્યુબ ચેનલ)

વાનગીનો સંપૂર્ણ વિડીઓ જુઓ અને શીખો વિગતવાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *