ઉપવાસ દરમિયાન મોરૈયાની ખીર ખાઈને રહો ઉર્જાવાન !

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આ ઉપરાંત પણ આ મહિનામાં આંઠમ, અગિયારસ, શ્રાવણના સોમવાર અગણિત ઉપવાસો આવતા રહે છે તો આ ઉપવાસમાં ભુખ્યા નહીં રહીને સરસ મજાની ફરાળો કરીને તમારા શરીરને ઉર્જાવાન રાખો સ્વસ્થ રાખો. તો આજની ફરાળમાં તમે બનાવો મોરૈયાની ફરાળી ખીર. જેની રેસીપી આ પ્રમાણે છે

 

મોરૈયાની ફરાળી ખીર બનાવવા માટેની સામગ્રી

1/3 કપ મોરૈયો

½ કપ ખાંડ (સ્વાદ પ્રમાણે)

1 ટેબલ સ્પુન કાજુ બદામનું કદરણ

½ ચમચી ઇલાઈચી પાઉડર

1 નાની ચમચી ચારોળી

1 ચપટી કેસરના તાંતણા (ઓપ્શનલ)

½ લીટર ફુલ ફેટ દૂધ (અહીં એક થેલી અમૂલ ગોલ્ડ લીધુ છે)

મોરૈયાની ફરાળી ખીર બનાવવા માટેની રીત

સૌ પ્રથમ ત્રણ ટેબલ સ્પુન ઠંડુ દૂધ લેવું અને તેમાં કેસરના તાંતણા ઉમેરીને તેને તેમાં મિક્સ કરી લેવા અને પલળવા દેવા માટે બાજુ પર મુકી દેવું.

ત્યાર બાદ એક મોટી તપેલી લેવી અને તેમાં ડોઢ કપ પાણી ઉમેરીને પાણીને ઉકળવા દેવું. તે દરમિયાન મોરૈયાને વ્યવસ્થિત ધોઈ લેવો.

હવે મોરૈયો ધોઈ લીધા બાદ અને પાણી ઉકળી ગયા બાદ ઉકળતા પાણીમાં આ મોરૈયો ઉમેરી દેવો. આ દરમિયાન ગેસની ફ્લેમ મિડિયમ ટુ હાઈ રાખવી. હવે તેને પાંચ મિનિટ માટે તેમ જ ચડવા દેવો.

પાંચ મિનિટ બાદ તમે જોશો તો પાણી બધું બળી ગયું હશે. અને મોરૈયો ચડી ગયો હશે. મોરૈયો ઉકળતા પાણીમાં નાખ્યા બાદ માત્ર ત્રણ જ મીનીટમાં ચડી જશે. તેને અંગુઠાની મદદથી ચેક કરી લેવો કે તે ચડી ગયો છે કે નહીં.

હવે મોરૈયો ચડી ગયા બાદ. તેમાં કેસરના તાંતણા વાળુ દૂધ ઉમેરી દેવું. આટલો સમય પલાળી રાખ્યા બાદ કેસર સરસ રીતે દૂધમાં ભળી ગયું હશે.

કેસરવાળુ દૂધ ઉમેરી દીધા બાદ તેમાં અરધા કપથી થોડી ઓછી ખાંડ ઉમેરી દેવી. અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવી. તેની સાથે સાથે જ કાજુ-બદામનું કતરણ, ઇલાઈચી પાઉડર અને ચારોળી પણ ઉમેરી દેવા. આ બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી.

હવે તેમાં 500 એમએલ દૂધની ફુલફેટ થેલી છે તેને ઉમેરી દેવું. હવે ગેસને ફુલ કરી લેવો અને બધી જ સામગ્રી મિક્સ કરી લેવી.

દૂધમાં ત્રણથી ચાર ઉભરા આવે ત્યા સુધી તેને ઉકાળવાનું છે.

તમે જોશો કે દૂધ ઘાટુ થઈ ગયું હશે. દૂધ ઘાટુ થાય એટલે સમજો કે મોરૈયાની ખીર તૈયાર થઈ ગઈ છે.

તો તૈયાર છે મોરૈયાની ફરાળી ખીર. આ ખીર તમને ઉપવાસ દરમિયાન ઘણા લાંબા સમય સુધી ઉર્જા પુરી પાડશે.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

મોરૈયાની ખીર બનાવવા માટે વિગતવાર વિડિયો

Published
Categorized as Sweets

Leave a comment

Your email address will not be published. Required fields are marked *