જો કેરીનો રસ ખાતા વધ્યો હોય તો આજે જ બનાવો ડાઢે વળગે તેવી સ્વાદિષ્ટ મેંગો ખાંડવી.

ઉનાળો હવે જવું જવું છે અને ચોમાસુ બેસવાને છે. કેરીની સીઝન જાય તે પહેલાં કેરીમાંથી બનતી અવનવી વાનગીઓ એકવાર બનાવીને ટ્રાય કરી જ લેવી જોઈએ. અને માટે જ આજે અમે લાવ્યા છે મેંગો ખાંડવીની નવીન રેસીપી.

ખાંડવી તો તમે બધા જ ખાતા હશો પણ મેંગો ખાંડવી ભાગ્યે જ ખાધી હશે. જે લોકો ચટપટા સ્વાદના શોખીન હશે તેમને તો આ વાનગી ડાઢે વળગશે.

મેંગો ખાંડવી બનાવવા માટેની સામગ્રી

1 વાટકી ચણાનો લોટ

3 વાટકી છાશ નહીં જાડી નહીં પાતળી

1 વાટકી પાક્કી કેરીનો રસ

3-4 લીલા મરચા

1 નાનો આદુનો ટુકડો

½ ટી સ્પૂન રાઈ

1 ટી સ્પૂન તલ

½ ટી સ્પૂન હીંગ

5-6 મીઠા લીમડાના પાન

મીઠુ સ્વાદ પ્રમાણે

મેંગો ખાંડવી બનાવવા માટેની રીત

એક તપેલીમાં ચણાનો લોટ અને બધી જ છાશ ભેગી કરી દેવી. તેમાં બ્લેન્ડર ફેરવી બધું એકરસ કરી દેવું. અહીં તમે વલોણું પણ યુઝ કરી શકો છો.

હવે આદુ મરચા લસણ વાટીને તેની પેસ્ટ બનાવી લેવી અને તેને છાશ અને ચણાના લોટના મિશ્રણમાં મીક્સ કરી દેવી.

હવે તેમાં સ્વાદઅનુસાર મીઠું અને હળદર ઉમેરી બરાબર મીક્સ કરી દેવું. હવે એક પેનને ગેસ પર ગરમ થવા મુકી દેવું. અને તેમાં આ છાશવાળું મિશ્રણ ઉમેરી દેવું.

હવે તેને બરાબર ગરમ થવા દેવું. ગરમ કરતી વખતે તેને સતત હલાવતા રહેવું. થોડા સમય બાદ પ્રવાહી બીલકુલ ખીચા જેવું જાડું થઈ જશે.

હવે તેમાં એક વાટકી પાક્કી કેરીનો રસ ઉમેરી દેવો. અને તેને ગરમ થવા દેવું. અહીં તમારે સતત હલાવ્યા કરવાનું છે.

અહીં કેસરકેરીનો રસ લેવામાં આવ્યો છે. જે મીઠી હોય છે અને જો મીઠી ન હોય અને રસ થોડો ખાટ્ટો હોય તો તમે એકાદ ચમચી ખાંડ એડ કરી શકો છો.

હવે ચણાનો લોટ બફાઈને તૈયાર છે.

હવે એકદમ સ્વચ્છ પ્લેટફોમ પર તેલ લગાવી લો, સાથે સાથે એક પાતળી કોથળી હોય તેની એક બાજુ તેલ લગાવી લો. અહીં તમે થાળીના પાછળના ભાગ પર પણ ખાંડવી પાડી શકો છો. તેમ કરવા માટે તમારે થાળીની ઉંધી બાજુ પર તેલ લગાવવાનું છે.

હવે લોટની ખાંડવી પડે તેવી કન્સીસ્ટન્સી ચેક કરવા માટે તમારે એક નાની ડીશની ઉંધી બાજુ પર તેલ લગાવીને તેના પર લોટને સ્પ્રેડ કરીને થોડી વાર ઠંડુ પાડીને જોઈ જોવું કે ચણાનો લોટ ઇઝીલી ઉખડે છે કે નહીં જો ન ઉખડતો હોય તો સમજવું કે હજુ લોટ બરાબર બફાયો નથી. તેને થોડી વધારે વાર બફાવા દેવું.

લોટ બરાબર બફાઈ ગયા બાદ પ્લેટફોર્મ પર જે જગ્યાએ તેલ લગાવ્યું છે અથવા તો ઉંધી થાળી પર તમે તેલ લગાવ્યું હોય તો તેના પર બાફેલો ચણાનો લોટ બરાબર સ્પ્રેડ કરી દેવો.

હવે તેને સરળ રીતે ફેલાવવા માટે તેલ લગાવેલું પ્લાસ્ટીક તેના પર પાથરી દેવું. તેની તેલવાળી બાજુ લોટ બાજુ રહેવી જોઈએ. હવે તેના પર હળવા હાથે વેલણ ફેરવવું.

ત્યાર બાદ પ્લાસ્ટીક લઈ લેવું અને તેને 5-7 મીનીટ માટે ઠંડુ થવા દેવું. અને પછી તેના લાંબા કાપા પાડી દેવા. અને તેનો રોલ વાળી લેવો. જો રોલ બરાબર વળે નહીં તો તેને વધારે ઠંડુ થવા દેવું.

ઠંડુ થયા બાદ ધીમે ધીમે રોલ વળવા લાગશે.

હવે બધા જ રોલ તૈયાર કરી લેવા અને એક ડીશમાં મુકી દેવા.

હવે ખાંડવીનો વઘાર કરવા માટે વઘારીયામાં બે ટેબલ સ્પૂન જેટલુ તેલ લઈ લેવું. તેને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી તતડાવી દેવી. ત્યાર બાદ તેમાં તલ ઉમેરવા. અને છેલ્લે તેમાં મીઠો લીંમડો ઉમેરી લેવો. અને તરત જ તે વઘારને ખાંડવી પર રેડી દેવો.

સામાન્ય રીતે આપણે સાદી ખાંડવી ખાતા હોઈએ છીએ, પણ કેરીની સીઝન ચાલી રહી છે તો પછી મેંગો ખાંડવી ટ્રાય કરી જ લેવી જોઈએ.

તૈયાર છે મેંગો ખાંડવી. ખાંડવીને તમે લીલી ચટની સાથે પણ ખાઈ શકો છો. અને ફરસાણના શોખીન તો તેને લુખ્ખી જ ખાઈ જશે તેટલી સ્વાદીષ્ટ મેંગો ખાંડવી લાગે છે.

તો ઘરમાં જો એકાદ વાટકી રસ બચી ગયો હોય તો આજે જ આ રેસીપી ટ્રાય કરો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મેંગો ખાંડવીનો સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *