વાટી દાળના ખમણ – દરેક ગુજરાતીની પસંદ એવા ખમણ હવે તમે પણ બનાવી શકશો તમારા રસોડે…

વાટી દાળના ખમણ

બહેનો ઘરમાં જ્યારે કોઈ મહેમાન આવવાનું હોય અથવા રવિવારે ભર્યુંભાણું ખાવાનું મન થયું હોય ત્યારે આપણે દાળ-ભાત શાક રોટલી વીગેરે સાથે સાઈડ ડીશ બનાવતા હોઈએ છીએ અને આ સાઈડ ડીશમાં આપણે ભજીયા, સેન્ડવીચ ઢોકળા, ખમણ વિગેરે બનાવતા હોઈએ છીએ અને મહેમાનો તેમજ ઘરના લોકોને ખુશ કરતા હોઈએ છીએ. તો આજની આ પોસ્ટમાં અમે લાવ્યા છીએ વાટી દાળના ખમણ બનાવવાની ખુબ જ સરળ રીત. તો ચાલો બનાવીએ વાટી દાળના ખમણ.

સૂરતી વાટીદાળના ખમણ બનાવવાની સામગ્રી


1 કપ ચણાની દાળ

¼ કપ ચોખા

2 ચમચી લીલા મરચા

½ ચમચી લીંબુના ફુલ

½ ચમચી હળદર

3 મોટી ચમચી તેલ

3-4 લીલા મરચા જીણા સમારેલા

કોથમીર જરૂર પ્રમાણે

નાની ચમચી રાઈ

1/2 ચમચી બેકીંગ સોડા

મીઠું સ્વાદ પ્રમાણે

વાટી દાળના ખમણ બનાવવાની તદ્દન સરળ રીત


એક કપ ચણાની દાળ અને ¼ ચોખાને મીક્ષ કરી. બે પાણીમાં ધોઈ લેવા અને તેને ચાર કલાક માટે પાણીમાં પલળવા મુકી દેવા. ચાર કલાક બાદ દાળ અને ચોખા પલળી ગયા બાદ તેમાંથી બધું પાણી નીતારી લેવું. અને તેને એક બોલમાં કાઢી લેવા.


હવે એક મિડિયમ મિક્સર જાર લેવો તેમાં પલાળીને પાણી નીતારેલા ચોખા અને દાળ ઉમેરવા.


ત્યાર બાદ તેમાં હળદર અને લીંબુના ફુલ એડ કરવા.

હવે તેમાં 2 ચમચી વાટેલા લીલા મરચા એડ કરવા.


હવે તેમાં 1-2 ચમચી પાણી એડ કરી આ બધી જ સામગ્રીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લેવી. જરૂર પડ્યે તમને જો વાટવામાં તકલીફ થતી હોય તો તમે બીજું પાણી ઉમેરી શકો છો. પણ ધ્યાન રહે વધારે પાણી ના થઈ જાય. માટે 1-1 ચમચી જ પાણી ઉમેરવું.

હવે તૈયાર થયેલા ખીરાને એક તપેલીમાં કાઢી લેવું.


હવે તેને આથો લાવવા માટે 6 કલાક ઢાંકીને બાજુ પર મુકી દેવું.

છ કલાક બાદ ખીરામાં આથો આવી ગયો હશે.


હવે ઢોકળા ઉતારવા માટે સ્ટીમરમાં પાણી ઉકળવા મુકી દેવું. અને ઢોકળાની થાળી પર તેલ ચોપડી લેવું.


હવે આથો આવેલા ખીરામાં અરધી ચમચી બેકીંગ સોડા એડ કરવો

ત્યાર બાદ તેમાં નાની ચમચી તેલ એડ કરવું


અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને તેને બરાબર ફેંટી લેવું.


હવે તેલ ચોપડેલી થાળીમાં તૈયાર કરેલું ખીરુ રેડી દેવું. થાળીને ઠપકારીને ખીરુ થાળીમાં સમતળ પાથરી લેવું.


હવે થાળીને સ્ટીમરમાં મુકી દેવી અને સ્ટીમરને ઢાંકી દેવું. અને તેને 5 મિનિટ ફૂલ ફ્લેમ પર અને 20 મીનીટ મિડિયમ ગેસ પર કૂક થવા દેવું.


25 મીનીટ બાદ તમે જોશો તો ખમણ બરાબર બફાઈ ગયા હશે. ખમણમાં છરી નાખીને તમે તે બરાબર બફાયા છે કે નહીં તે ચેક કરી શકો છો.

વાટી દાળના ખમણ તૈયાર છે હવે તેના ચોસલા પાડી દેવા.


ખમણના ચોસલા પડી ગયા બાદ તેના વઘાર માટે વઘારીયામાં 2 મોટી ચમચી તેલ લેવું. તેને ગરમ કરવા મુકી દેવું.


હવે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ એડ કરવી. અને ગેસ બંધ કરી દેવો.

રાઈ ફુડી ગયા બાદ તેમાં જીણા સમારેલા લીલા મરચા એડ કરી દેવા.


હવે વઘારને વાટીદાળના ખમણના ચોસલા પર રેડી દેવો. અને તેને બરાબર હલાવી દેવું.

હવે તેમાં કોથમીર એડ કરવી. અને તેને મિક્સ કરી લેવા.


તો તૈયાર છે વાટીદાળના સૂરતી ખમણ. તેને તમે લીલી ચટની સાથે સર્વ કરી શકો છો.


ટીપ્સ – અહીં વઘારમાં માત્ર રાઈ અને લીલા મરચા એડ કરવામાં આવ્યા છે પણ તમે મીઠો લીંમડો, તલ અને હીંગ સાથે પણ વઘાર કરી શકો છો.

સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)

વાનગીનો સંપૂર્ણ વિગતવાર વિડીઓ જુઓ અહિયાં…

Join the discussion

Your email address will not be published. Required fields are marked *