વેજ સ્પ્રિંગ રોલ – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર સ્પ્રિંગ રોલ હવે ઘરે જ બનાવો…

મિત્રો, અત્યારે લોકડાઉનને લીધે બહારનું ખાવાનું બંધ છે ત્યારે ઘણાને બહારની ચટપટી વાનગીઓ ખાવાની ઈચ્છા થતી હશે. ખાસ કરીને બાળકો તો રોજ નવી નવી ડીશો ખાવાની ડિમાન્ડ કરતા હોય છે તો આજે હું આપણી સાથે ખાસ આવી જ એક સ્વાદિષ્ટ વાનગી શેર કરવા જઈ રહી છું જે છે વેજીટેબલ સ્પ્રિંગ રોલ, જે ઘરે પણ સરળતાથી બનાવી શકાય તેમજ બિલકુલ બહાર જેવો જ ટેસ્ટ આવશે તો બાળકોને તો ખાસ બનાવી આપજો, બાળકો ખુશ થઈ જશે. બાળકો તો શું મોટાઓને પણ ખુબ જ પસંદ આવશે તો ચાલો બતાવી દઉં સ્વાદિષ્ટ સ્પ્રિંગ રોલ બનાવવાની રીત

સામગ્રી :

  • Ø 2 & 1/2 (અઢી) કપ મેંદાનો લોટ
  • Ø 1/4 (પા) કપ કોર્ન ફ્લોર
  • Ø 2 ટેબલ સ્પૂન ઘી
  • Ø 1/2 ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  • Ø 2 લીલા મરચા
  • Ø 1/2 કપ ગાજરનું ખમણ
  • Ø 1/2 કપ ખમણેલ કોબીજ
  • Ø 1 મોટું કેપ્સિકમ
  • Ø 1 કપ સ્લાઇસમાં કાપેલ કાંદા
  • Ø 1/2 ટી સ્પૂન મરી પાવડર
  • Ø 2 ટી સ્પૂન લાલ ચીલી સોસ
  • Ø 1 ટી સ્પૂન ડાર્ક સોયા સોસ
  • Ø 4 ટી સ્પૂન તાજા કોથમીર
  • Ø મીઠું સ્વાદ અનુસાર
  • Ø તળવા માટે તેલ

રીત :

1) સૌ પ્રથમ સ્પ્રિંગ રોલ માટેની વ્રેપર એટલે કે સ્પ્રિંગ રોલનું ઉપરનું કવર તૈયાર કરવાનું છે તો તે માટે રોટલી જેવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. તો 2 કપ મેંદા ના લોટ સાથે 1/4 કપ કોર્ન ફ્લોર લઈ તેમાં 2 ટી સ્પૂન ઘીનું મોણ આપી લોટ તૈયાર કરી લો.

2) લોટ બાંધી લીધા બાદ હાથમાં તેલ લગાવી બરાબર મસળી લો, અને ત્યારબાદ ઢાંકીને થોડીવાર રેસ્ટ આપી દો.

3) લોટ સેટ થાય ત્યાં સુધીમાં સ્પ્રિંગ રોલ માટેનું સ્ટફિંગ તૈયાર કરી લેવું, તે માટે પેનમાં 2 ટી સ્પૂન તેલ ગરમ કરી આદુની પેસ્ટ તેમજ લાંબી ચીરીમાં લીલા મરચા કાપીને એડ કરો.

4) ત્રીસેક સેકન્ડ પછી કાંદા તેમજ સ્વાદ અનુસાર મીઠું એડ કરો. અને કાંદા લાઈટ બદામી થાય ત્યાં સુધી સાંતળી લો.

5) કાંદા સાંતળાઈ જતા તેમાં કોબીજ, ગાજર તેમજ કેસ્પીકમ એડ કરો, મિક્સ કરી થોડું ચડવા દો. સાથે મરી પાવડર પણ એડ કરી દો.

6) વેજીટેબલનું સ્ટફિંગ થોડું ક્રન્ચી હોય તો ટેસ્ટ સરસ આવે માટે થોડું કડક રાખવું. વેજીટેબલ્સ થોડા ચડી જતા ચીલી સોસ અને સોયા સોસ એડ કરી મિક્સ કરી લો.

7) છેલ્લે કોથમીર ઉમેરી મિક્સ કરી લો અને સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.

8) હવે 1/4 કપ મૈંદા માં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી પાતળી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો.

9) હવે લોટમાંથી લુઓ લઈ બે પૂરી વણી લો. બંને પૂરી એકસરખી સાઈઝમાં વણવી.

10) એક પૂરી પર મૈંદા – તેલની પેસ્ટ લગાવી દો, પેસ્ટને આખી પૂરી પર બરાબર લગાવી દેવાની, ત્યારબાદ બીજી પૂરીને પેસ્ટ લગાવેલ પૂરી પર રાખી દો.

11) હવે મૈંદા ના લોટથી ડસ્ટીંગ કરી પાતળી રોટલી વાણી લો. એકદમ પાતળી વણવી જેથી સ્પ્રિંગ રોલની શીટ પાતળી બને. વાણી લીધા બાદ આ જ રીતે બધા જ લોટમાંથી બે પડવાળી રોટલીઓ તૈયાર કરી લેવી.

12) વાણી લીધા બાદ આ રોટલીઓને હળવી એવી કાચી પાકી શેકવાની છે, રોટલી પર સાવ હળવી છાપ પડે તેટલી જ શેકવી. વધારે ન શેકાય જાય તેનું ધ્યાન રાખવું.

13) તો આ સ્પ્રિંગ રોલ માટેની શીટ તૈયાર છે. રોટલી શેકીને બંને શીટ અલગ કરી લેવી અને કોટનના કપડામાં વીંટાળી દેવી જેથી રોટલી ગરમ રહે, આ રીતે શેકતા જવાનું અને પડ અલગ કરી કપડામાં પેક કરી લેવું.

14) શીટ તૈયાર કરી લીધા બાદ 1/4 કપ મૈંદા માં પાણી એડ કરી સ્મૂથ પાતળી સ્લરી તૈયાર કરી લો.

15) હવે રોટલીનું એક પડ(શીટ) લો, શીટને ફ્લેટ જગ્યા પર શેકેલી સાઈડ ઉપરની બાજુ રહે તે રીતે મુકો, એટલે કે શેકાયેલી સાઈડ ઉપર રહેવી જોઈએ. તેના પર એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મુકો, સ્ટફિંગ શીટના સેન્ટરથી થોડું સાઈડમાં મુકવાનું છે.

16) ત્યારપછી સ્ટફિંગ સાઇડથી હાફ રોલ વાળો તેમજ બંને સાઇડને પોકેટની જેમ ફોલ્ડ કરી દો.

17) હવે કિનારીઓ પર મૈદાની પાણી વળી સ્લરી લગાવી આખો રોલ વાળી લો, કિનારીઓ પર સ્લરી બરાબર લગાવી રોલને પેક કરી લો. આ રીતે બધા જ રોલ તૈયાર કરી લો.

18) રોલ તૈયાર કરી મીડીયમ તેલ ગરમ કરી તળી લો.એકસાથે બધા નહિ પરંતુ બે – ત્રણ રોલ તેલમાં મૂકી ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી તળી લો.

19) ગોલ્ડન બ્રાઉનિશ થતા જ તેલ નિતારી પ્લેટમાં લઈ લો. આ રોલને સોસ કે તીખી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

20) તો મિત્રો, તમે પણ આજે જ બનાવજો અને હા મિત્રો બનાવતા પહેલા વિડીયો જરૂર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *