વેજ બિરિયાની – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર બિરિયાની હવે ઘરે જ બનાવો..

વેજ બિરિયાની

આમ તો જનરલી લોકો બિરિયાની એટલે નોનવેજ વાનગી એવું જ માનતા હોય છે મારા ઘરમાં પણ બિરિયાનીનું નામ કોઈ લેતું નહિ. પણ એકવાર અમે એક હોટલમાં જમવા ગયા હતા અને ત્યાં અમારા વેવાઈએ વેજ હાંડી બિરિયાની મંગાવી મંગાવી ત્યારે પહેલા તો ખાવાનું મન થયું નહિ પણ હોટલ શાકાહારી હતી એટલે નોનવેજની તો ચિંતા નહોતી પણ નામ બિરિયાનીથી થોડો વાંધો હતો.

ઓર્ડર કરેલ બિરિયાની ખાધી અને સાથે ખાધું રાયતું. આહા આનંદ આવી ગયો. બસ એટલે અમારા મગજમાં એ કેવીરીતે બની એ વિચારવા લાગ્યું અને પછી એક કે બે વાર ટ્રાય કરી પણ જોઈએ એવી મજા આવી નહિ એટલે આ ફરી ત્રીજી વાર ટ્રાય કરી અને બિરિયાની બની ગઈ. હોટલમાં ખાધી હતી તેનાથી પણ બહુ મસ્ત બની હતી. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. અને આવી કોઈ મસ્ત વાનગી સાથે જોડાયેલ તમારી રસપ્રદ વાતો મને કોમેન્ટમાં જરૂર જણાવજો.

સામગ્રી

  • બાસમતી ચોખા – બે કપ
  • તમાલપત્ર – એક પાન
  • જાવંત્રી – એક ફૂલ
  • લવિંગ – 2 થી 3
  • બાદિયાન – 1 નંગ
  • તેલ – જરૂર મુજબ
  • ડુંગળી – 4 થી 5 નંગ
  • ગાજર – એક નંગ
  • ફણસી – 4 થી પાંચ
  • કેપ્સિકમ – એક
  • વટાણા – એક વાટકી
  • લીલી ડુંગળી – ત્રણ થી ચાર
  • બટાકા – એક મીડીયમ સાઈઝ
  • ફુલેવર – 100 ગ્રામ
  • લીલા મરચા – ત્રણ થી ચાર
  • આદુ – એક નાનો ટુકડો
  • દહીં – એક વાટકી
  • પનીર – 50 ગ્રામ
  • ઓરેન્જ ફૂડ કલર કે કેસર – કેસર ત્રણ ચાર તાંતણા અને કલર એક ચપટી બે માંથી જે હોય એ
  • મીઠું – સ્વાદ મુજબ
  • ધાણાજીરું – એક ચમચી
  • હિંગ – એક ચપટી
  • ગરમ મસાલો – એક ચમચી
  • મરચું – દોઢ ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ઘી – ત્રણથી ચાર ચમચી
  • લીલા ધાણા અને ફુદીનો – બંને જીણા સમારીને એક નાની વાટકી લેવું

બિરિયાની બનાવવા માટેની સરળ રીત

1. સૌથી પહેલા બાસમતી ચોખાને બે ત્રણ પાણીથી ધોઈ લો.

2. હવે એ ચોખાને 10 મિનિટ પાણીમાં પલાળીને મૂકી રાખીશું.

3. હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મુકીશું. તેમાં ખડા મસાલા તમાલપત્ર, લવિંગ, જાવંત્રી અને બાદિયાન ઉમેરીશું.

4. આ પાણી બરાબર ઉકાળવાનું છે.

5. હવે એ ઉકળતા પાણીમાં આપણે પલાળેલા ચોખા ઉમેરીશું.

6. હવે ચોખા 60 થી 70 ટકા જેટલા ચઢી જાય ત્યાં સુધી થવા દેવાના છે. મતલબ થોડા અધકચરા રહે ત્યાં સુધી જ ચઢવા દેવાના છે. આ ચોખા હજી ફરી બફાશે એટલે બહુ ચઢવા દેવાના નથી નહિ તો બિરિયાની નહિ પણ ઢીલી મસાલા ખીચડી બનશે એટલે ધ્યાન રાખજો.

7. બનેલ ભાતને કાણાંવાળા વાસણમાં કાઢીને ઓસાવી લો. અને તે વાસણ પર ડીશ કે થાળી ઢાંકી દો.

8. હવે આપણે બીરીયાનીમાં વચ્ચેના પડમાં ઉમેરવા માટે બિરસ્તો બનાવીશું જે ડુંગળીમાંથી બાનવીશું.

9. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.

10. હવે તેમાં ફોટોમાં બતાવ્યા પ્રમાણેની ડુંગળી સમારીને ઉમેરો.

11. ધીમે ધીમે તમે જોશો કે તે ડુંગળીના દરેક પડ છુટા પડી ગયા હશે પહેલા ડુંગળી થોડી ઢીલી થઇ જશે.

12. હવે અહીંયા ફોટોમાં બતાવ્યું છે એ રંગની ડુંગળી થાય એટલે સમજો કે તમારી બિરસ્તો તૈયાર છે.

13. હવે એજ પેનમાં થોડું તેલ રાખીને બાકીનું તેલ કાઢી લઈશું.

14. હવે તેલમાં આદુ, મરચા અને ફણસી ઉમેરીશું.

15. થોડું તતડે એટલે તેમાં ફુલાવર, ગાજર, બટાકા અને વટાણા ઉમેરીશું (મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા ચ્ચે એટલે એ હમણાં નથી ઉમેર્યા તમે કાચા લેવાના હોવ તો આ સમયે ઉમેરવા.)

16. હવે આ શાક થોડું ચઢી જાય એટલે તેમાં લીલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. (ફ્રોઝન વટાણા આ સમયે ઉમેરી શકો.) ખાસ નોંધ : બધું શાક પણ અધકચરું ચઢાવવાનું છે. કેમ કે બિરિયાની ચઢવા મુકીશું ત્યારે શાક અને ભાત બંને બરાબર ચઢવા દેવાના છે.

17. હવે બધું બરાબર મિક્સ કરી લો અને તેમાં મસાલા કરો. મસાલામાં આમાં હિંગ, મીઠું, ગરમ મસાલો, ધણજીરું, લાલ મરચું અને હળદર ઉમેરો.

18. બધું બરાબર મિક્સ કરી લો અને હવે તેમાં દહીં ઉમેરો.

19. બધું બરાબર મિક્સ કરો અને પછી થોડીવાર ચઢવા દો. થોડીવારમાં તમે જોશો કે તેમાંથી તેલ છૂટું પડ્યું હશે. હવે ગેસ બંધ કરીને શાક ઠંડુ થવા મુકીશું.

20. હવે બિરિયાની બનાવવા માટે તૈયારી કરીશું તેના માટે પહેલા પનીરના નાના ટુકડા કરી લો અને જો કેસર વાપરવાના હોવ તો કેસરના ત્રણ ચાર તાંતણા દૂધમાં પલાળી લો અને જો ફૂડ કલર વાપરવાના હોવ તો તેને પાણી કે દૂધમાં મિક્સ કરીને રાખો.

21. હવે કુકર કે પછી કોઈ પહોળી તપેલી લો. જેમાં શાક અને ભાતનું લેયર સારી રીતે કરી શકીએ.

22. તેમાં પહેલા શાકનું લેયર પાથરીશું.

23. હવે તેની પર ઓસાવેલ બાસમતી ચોખાનું લેયર કરીશું

24. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે ભાત પર બિરાસ્તો એટલે કે તળેલ ડુંગળી પાથરો, હવે તેની પર પનીરના ટુકડા ફેલાવો પછી તેની પર લીલા ધાણા અને ફુદીનો ઉમેરીશું, અને હવે તેની પર કેસર પલાળેલ દૂધ કે પછી ફૂડ કલર પલાળેલ પાણી ઉમેરો. સૌથી છેલ્લે આની પર ઘી ઉમેરો.

25. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે ચોખાના લેયર પર ફરીથી શાકનું લેયર કરીશું અને પછી ફરીથી ભાત પાથરીશું અને ફરીથી બીરસ્તો, પનીર, ધાણા ફુદીનો અને કેસર અને ઘી નું લેયર કરીશું.

26. હવે કૂકરને બંધ કરી દો અને તેને આ કુકર કે તપેલીને ડાયરેક્ટ ગેસ પર મુકવાનું નથી પહેલા એક લોઢી કે માટીની કલાડી મુકો અને પછી તેના પર આ કુકર કે તપેલી મુકો.

27. હવે 20 મિનિટ સુધી આ બિરિયાની થવા દેવાની છે. 20 મિનિટ પછી તમે કુકર ખોલીને જોશો તો તમારું રસોડું બીરીયાનીની સુગંધથી ભરાઈ જશે. અને હા, બિરિયાની કૂકરમાં મિક્સ કરવાની નહિ તેને એક જ વારમાં ચમચાથી છેક નીચે સુધી ચમચો અડે એ ધ્યાન રાખવું અને પછી એ ચમચામાં આવે એટલી બિરિયાની ડીશમાં લેવી. આમ કરવાથી બીરીયાનીના બધા લેયર તમારી ડીશમાં આવશે અને બિરિયાની ખાવાનો સાચો આનંદ તમને આવશે.

બસ તો હવે તૈયાર છે આ વેજ. બિરિયાની જે તમે રાઈતા સાથે ખાઈ શકો છો અથવા રાઇતું બનાવવાનો સમય ના હોય તો તમે દહીંમાં મીઠું ઉમેરીને પણ લઇ શકો. બસ તો તૈયાર છે બિરિયાની જે તમે પરિવાર સાથે આનંદથી ખાઈ શકશો. તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *