ફરાળી ચેવડો – વ્રત કે ઉપવાસમાં હવે બહારથી કેવડો નહિ લાવવો પડે, ઘરે જાતે જ બનાવો…

આપણી સંસ્કૃતિમાં પણ વ્રત અને ઉપવાસનું અનેરું મહત્વ છે. વ્રત અને ઉપવાસમાં લોકો ફાસ્ટિંગ રાખતા હોય છે અને દિવસ દરમિયાન ફક્ત ફરાળ જ કરતા હોય છે. તો આજે હું ફરાળ માટેની જ ફરાળી રેસિપી શેર કરવા જઈ રહી છું. આજે હું ફરાળી ચીવડો બનાવવાની રેસિપી શેર કરું છું જેને બનાવીને સ્ટોર કરી વ્રત કે ઉપવાસ દરમિયાન ખાઈ શકાય.

સામગ્રી :


Ø 500 ગ્રામ રાજગરા નો લોટ

Ø 50 ગ્રામ બટેટાનું ખમણ

Ø 50 ગ્રામ સીંગદાણા

Ø 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ

Ø 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

Ø ચપટી વરિયાળી

Ø ચપટી આમચૂર પાવડર ( ઓપ્શનલ )

Ø ચપટી સિંધાલુણ અથવા મીઠું

Ø 5 થી 6 નંગ કાજૂ ( ઓપ્શનલ )

Ø મીઠો લીમડો

રીત :


1) સૌ પ્રથમ આપણે રાજગરાના લોટની સેવ બનાવીશું, તે માટે રાજગરાનો લોટ એક મોટા બાઉલમાં લઈ તેમાં ચપટી સિંધાલુણ અથવા મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારપછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી સેવ માટેનો પોચો લોટ બાંધો. તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખી બરાબર મસળીને લોટને સ્મૂથ કરી લો. આ લોટને ઢાંકણ ઢાંકીને થોડીવાર રાખી દો. સેવ બનાવવાના સંચાને તેમજ સેવની ચકરીને તેલથી ગ્રીશીંગ કરી લો અને તેમાં સેવ માટેનો લોટ ભરી લો.


2) એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ કરીને સીંગદાણા તળી લો. સીંગદાણા કાઢી બટેટાનું ખમણ તળી લો, ખમણ ખુબ જ ફૂલે છે માટે થોડું થોડું ખમણ નાખીને તળવું. બટેટાના ખમણને પણ સીંગદાણા જોડે જ લઈ લો.


3) હવે આપણે સેવ બનાવીશું, સંચાને ફેરવીને થોડી થોડી સેવ સીધી તેલમાં જ પાડો. બંને સાઈડ ફેરવીને બરાબર તળી લો. આ રીતે બધી જ સેવ બનાવીને સીંગદાણા તેમજ બટેટાના ખમણ સાથે લઈ લો.


4) હવે આપણે સરસ વઘાર કરીશું. વઘાર માટે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લો. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સીંગદાણા, ખમણ અને સેવને મિક્સ કરી લો.


5) તેલ મીડીયમ ગરમ થઈ જાય એટલે તેમાં વરિયાળી, કાજૂ, કિસમિસ અને મીઠો લીમડો નાખી સહેજ સાંતળી લો.


6) પછી તેમાં તળેલી ત્રણેય વસ્તુ ઉમેરી સરસ મિક્સ કરો, સ્ટવ ઑફ કરી દો. તેમાં સિંધાલુણ અથવા મીઠું, દળેલી ખાંડ અને આમચૂર પાવડર નાખી સરસ રીતે મિક્સ કરી લો.


મિત્રો, તો તૈયાર છે ફરાળી ચીવડો, જેને એર-ટાઈટ કેન્ટેનરમાં ભરી એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે. જે લોકો આખો મહિનો એકટાણું કરે છે, અઠવાડિયામાં બે-ત્રણ ઉપવાસ કરે છે એના માટે બેસ્ટ વિકલ્પ છે, આ ફરાળી ચીવડો.

જો મોળા વ્રત માટે બનાવવો હોય તો મીઠું અથવા સિંધાલુણ સ્કિપ કરીને બનાવી શકાય.

ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રેસિપી છે, મિત્રો જરૂર ટ્રાય કરજો.

નોંધ :

વઘાર કર્યા વગર પણ ઉપરથી દળેલી ખાંડ, મીઠું, વરિયાળી, આમચૂર પાવડર તેમજ કાજૂ કિસમિસને ઘી માં રોસ્ટ કરી નાખી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *