ઘટેલા વજનને મેઇન્ટેઇન કરવા માટેના સરળ ઉપાયો…

વજન ઘટાડવું સહેલું છે. એકવાર ઘરના લગ્ન હોય કે પાર્ટી હોય અથવા બાળકની બર્થ ડે હોય. નવું વર્ષ આવતું હોય કે નવરાત્રી, રાતોરાત બધાને પાતળા થઈ જવું છે પછી રસ્તો ગમે તે હોય. ગમે તેવા ડાયટ કરવા પડે ગમે તેટલી દવાઓ લેવી પડે આપણે શરીર વિશે વિચારતાં જ નથી. ફક્ત પ્રસંગ માટે પાતળા થઈ જવું છે. પછી વજનનું જે થવુ હોય તે થાય. આવ સમયે વિચાર આવે કે આટલા પ્રયત્નો પછી ઉતરેલું વજન જાળવવું કેવી રીતે ?ઘણા લોકોને આપણે વાતો કરતા સાંભળીએ છીએ કે મેં 10 કિલો વજન ઉતાર્યું હતું પરંતુ પછી 4-6 મહિનામાં 12 કિલો વજન વધી ગયું. વારે-વારે વજન વધારવું ઘટાડવું એ શરીર માટે હિતાવહ નથી. તે છેવટે શરીરને નુકસાન કરે છે. વજન ઉતારતી વખતે એટલું ધ્યાન રાખો કે એકવાર ઉતારેલું વજન ગમે તે થાય પણ ફરી વધવું જોઈએ નહીં. તમે ભલે આખા વર્ષમાં 5-6 કિલો વજન ઉતારો પણ જે વજન ઉતારો તે તમારા શરીર પર પાછુ આવશે નહીં તેવો દ્રઢ સંકલ્પ કરો.
ઘટેલું વજન ફરીથી વધી જવાના મોટા ભાગના દાખાલાઓ વ્યક્તિની પોતાની ઇચ્છાશક્તિના અભાવના કારણે જોવા મળતા હોય છે. જ્યારે વજન ઉતારવાનો પ્રોગ્રામ હાથમા લઈએ ત્યારે ખુબ જ ઉત્સાહ અને ધગશ હોય છે પરંતુ પછી તે ઉતારેલા વજનને મેઇન્ટેઇન કરવામાં તેટલો રસ દાખવવામાં આવતો નથી. તે માટેના આહારને લગતા કોઈ જ નિયમનું પાલન કરવામાં આવતું નથી પરિણામે વજન વધવાનું શરૂ થઈ જાય છે.ખરી વસ્તુ એ છે કે વધુ પડતા વજનના લાંબાગાળાના જોખમોથી લોકો હજી પરિચિત જ નથી. હજુ પણ લોકોને શું ખાવું સારું અને શું નહીં એનું જ્ઞાન જ નથી. ફક્ત આજનો દિવસ ખાઈ લઈ અને કાલથી નહીં ખાઈએ એં કહીને કાલ ક્યારેય આવે નહીં અને શરીરનુ ધ્યાન રખાય નહીં એવી પરિસ્થિતિ હોય છે. આ જ કારણસર પાઉં-ભાજી અને ભેળપૂરીના સ્ટોલો પર ગિરદી આપણે જોઈ શકીએ છીએ. એ સમજવા જેવું છે કે જીવનનું સુખ ખાન પાનમાં જ સમાઈ જતું નથી.

ઘટેલા વજનને મેઇન્ટેઇન કરવા માટેના ઉપાયોઃ 1. એક વખત ડાયટ કરીને જે વજન ઉતારો તે પછી પાછું ધીમે ધીમે થોડું ખાવાનું શરૂ કરો. ખાંડ લેવાની બીલકુલ બંધ કરી હોય તો દિવસની 2 ચમચી જેટલી ખાંડ શરૂ કરો. અઠવાડિયામાં એક વખત તળેલું કે ગળ્યું વિગેરે માપસર ખાઓ. જેથી કરીને એકદમ વજન વધી ન જાય અને ઉતરેલું વજન જળવાઈ રહે.

2. વજન ઘટ્યા પછી વજન- મેઇન્ટેઇન રહે છે તે ખાતરી કરવા અઠવાડિયામાં એક વખત વજન કરવું જરૂરી છે. દરેક વખતે દિવસના એક જ સમયે (સવારે કશુંયે ખાધા પિધા વગર), એક જ પ્રકારના કપડા પહેરીને વજન કરો. વજનનો કાટો એક જ હોય તે જરૂરી છે. બને તો આગલી રાતનો ખોરાક એક જ પ્રકારે લીધેલો હલકા પ્રકારનો રાખવો જરૂરી છે. આખા દિવસ દરમિયાન વજનમાં બે-ત્રણ પાઉન્ડની વધઘટ થવાની શક્યતા છે. તેથી દરેક વખતે એક જ સમયે વજન કરવું અને તેને નોંધતા રહેવું.

3. મનને સંતુલીત રાખવાનો પ્રયાસ કરવો. દરરોજ બને તો 20 મીનીટનું ધ્યાન કરી મનને મક્કમ રાખવું કે ઉતારેલું વજન ફરીથી વધારવું નહીં.
4. ગમે તેટલા ગુસ્સે થાવ, ડીપ્રેશનમાં આવે કે મુંઝવણ થાય તે છતાં લાગણીઓનો ઉકેલ ખોરાક વડે લાવવાનો પ્રયાસ કરવો નહીં.

5. અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાનો એટલે કે એક ટાઇમ પુરેપુરો સમતોલ ખોરાક લઈને સાંજે હળવા ફળ અને દૂધ વાપરીને વજનને ઉતારેલું રાખવાનો પ્રયત્ન કરો.

6. વધુ પડતાં કોરા નાસ્તા જેવા કે ખાખરા, મમરા બીસ્કીટ બને ત્યાં સુધી લેવા જ નહીં, તેનાથી પેટ ભરાતું જ નથી.

7. તમારા ખોરાકમાં ફળફળાદિનો ઉપયોગ ખુબ રાખો. પાણી ખુબ જ પીઓ જેથી તમને ખોટી ભૂખ લાગશે નહીં.
8. ઉતારેલા વજનને જાળવવા માટે દિવસમાં ઓછામાં ઓછી 30 મીનીટથી 45 મીનીટ કસરત કરો જ. કસરત કરવાથી શરીરનો મેટાબોલિક રેટ વધે છે અને વજન જલદી વધતું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *