ઝટપટ બની જતી વેસ્ટમાંથી બેસ્ટ, છાશમાં વઘારેલી રોટલી…

છાશમાં વઘારેલી રોટલીનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે તમારા ટેસ્ટ બડને પણ સંતોષ આપશે અને સાથે સાથે તમારા ભુખ્યા પેટને પણ તૃપ્ત કરશે. આ વાનગી ખુબ જ સરળ છે અને ખુબ જ થોડા સમયમાં બની જાય છે તેમ જ તેના માટે વધારાની કોઈ સામગ્રીની પણ જરૂર નથી પડતી. તો નોંધીલો ઝટપટ બની જતી વેસ્ટમાંથી બેસ્ટ, છાશમાં વઘારેલી રોટલીની રેસીપી.

છાશમાં વઘારેલી રોટલી બનાવવા માટે સામગ્રી

6 નંગ વધેલી રોટલી

2 મોટા ચમચા તેલ

½ કપ ખાટું દહીં

2 ચમચી લાલ કાશ્મીરી મરચુ પાઉડર

¾ ધાણા જીરુ પાઉડર

½ ચમચી ગરમ મસાલો

3 ચપટી હીંગ

6 કળી લસણ

સ્વાદ અનુસાર મીઠું

ચપટી જીરુ

ચપટી રાઈ

ચપટી મેથીના દાણા

1 તજ પત્તું

છાશમાં વઘારેલી રોટલી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ છ વધેલી રોટલીના મોટા ટુકડા કરી લેવા. અને તેને બાજુ પર મુકી દેવા. અહીં તમે એક ટાઈમ વાસી રોટલી લેશો તો વધારે સારું રહેશે અથવા આગલા દીવસની હશે તો પણ સારું રહેશે કારણ કે તે થોડી ડ્રાય થઈ ગઈ હશે એટલે શાક ચીકણું નહીં થાય અને ખાવાની મજા આવશે.

હવે લસણની ચટની બનાવવા માટે એક ખાયણીમાં છ લસણની કળી લેવી. તેમાં અરધી ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર નાખી પેસ્ટ બનાવી લેવી. તૈયાર લસણની ચટની પણ વાપરી શકો છો. પણ તાજી ચટનીથી સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે.

લસણને બરોબર લસોટી લેવું અને સરસ મજાની ફાઈન ચટની બનાવ લેવી. હવે આ તૈયાર કરેલી ચટની થોડીવાર માટે બાજુ પર મુકી દેવી.

હવે છાશ તૈયાર કરવા માટે અરધો કપ ખાટ્ટું દહીં લેવું અને તેમાં અરધો કપ પાણી એડ કરીને છાશ બરોબર વલોવી લેવી. છાશ બનાવતી વખતે હંમેશા દહીંમાં થોડું પાણી ઉમેરીને પહેલાં દહીં વલોવી લેવું જેથી કરીને દહીંના ફોદા ન રહી જાય.

હવે તેમાં બીજું અરધો કપ પાણી એડ કરી ફરી છાશ વલોવી લેવી. છાશ વધારે પાતળી ન કરવી નહીંતર વઘારતી વખતે છાશ ફાટી જવાનો ભય રહે છે.

હવે એક કડાઈ લેવી તેમાં બે મોટા ચમચા તેલ લેવું. તેલને ગરમ થવા દેવું. ગેસ મીડીયમ જ રાખવો.

તેલ ગરમ થાય એટલે થોડી રાઈ, થોડું જીરુ, અને ચપટી હીંગ નાખવા અને સાથે સાથે થોડા મેથીના દાણા અને તજ પત્તા પણ નાખી દેવા.

હવે તેની જ સાથે તૈયાર કરેલી લસણની ચટની પણ ઉમેરી દેવી અને અરધી મીનીટ માટે ચટની સાંતળી લેવી.

હવે તેમાં તૈયાર કરેલી છાશ એડ કરવી. છાશ એડ કરતી વખતે ધ્યાન રાખવું કે તેલ ઉડે નહીં માટે અરધું ઢાકણું ઢાંકીને છાશ એડ કરવી.

હવે તેને ધીમા ગેસ પર જ મિક્સ કરવી. નહીંતર છાશ ફાટી જાય છે.

હવે તેમાં બધી જ ટુકડા કરેલી રોટલી એડ કરી લેવી. તેની સાથે સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચુ, થોડી હળદર, પોણી ચમચી ધાણાજીરુ પાઉડર, બે ચપટી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરવું. હવે તેને બરાબર હલાવીલેવું.

હવે તેને ઢાંકી દેવું અને બરાબર ચડવા દેવું. આનો સ્વાદ ખાટો અને તીખો આવે છે. જો તમારે ગળપણ જોઈતું હોય તો તમે તેમાં ગોળ એડ કરી શકો છો પણ કાંઠીયાવાડી સ્ટાઇલમાં ગળ્યો સ્વાદ મજા નથી આવતી.

ત્રણ મીનીટ ધીમા ગેસ પર ચડાવ્યા પછી તમે જોશો કે થોડું થોડું તેલ છુટ્ટું પડી ગયું હશે અને કલર પણ સરસ આવી ગયો હશે. સાથે સાથે રોટલી પણ પોચી થઈ ગઈ હશે.

તો તૈયાર છે છાશમાં વઘારેલી સ્વાદિષ્ટ રોટલી. તેના પર લીલા ધાણા ભભરાવી સર્વ કરો. નાના છોકરાઓને આ વાનગી ખુબ ભાવશે. અને તે તેમના માટે હેલ્ધી પણ છે.

રસોઈની રાણીઃ સીમાબેન

છાશમાં વઘારેલી રોટલીની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *