શાક બનાવવાની આળસ આવે છે ? તો બનાવો ખુબ જ થોડા સમયમાં બની જતું પાપડ-દહીંનું શાક

ઘણીવાર સાંજ પડતાં શું બનાવવાની ફરિયાદ રહેતી હોય છે. અને કેટલીકવાર તો કંઈક કામે બહારથી આવતા મોડું થઈ જતાં પણ રસોઈ બનાવવાની ચિંતા રહેતી હોય છે કે ક્યારે ઘરે પહોંચીશું અને ક્યારે રસોઈ બનશે અને ક્યારે જમશું. જો તમારી સાથે પણ આવું બનતું હોય તો આ રેસીપી તમને ખુબ જ કામની છે 10 મીનીટથી પણ ઓછા સમયમાં આ શાક તૈયાર થઈ જશે. તો નોંધી લો પાપડ-દહીંના શાકની રેસિપિ.

પાપડ-દહીંનું શાક બનાવવા માટેની સામગ્રી

4 મોટા પાપડ

1 કપ દહીં

3 મોટી ચમચી તેલ

1 ચમચી લસણની પેસ્ટ

1 મોટી ડુંગળી જીણી સમારેલી

¼ ચમચી રાઈ, ¼ ચમચી જીરુ, બે ચપટી હીંગ, 1 તમાલ પત્ર

¼ ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર, ¼ ચમચી ગરમ મસાલો, ½ ચમચી ધાણાજીરુ

પાપડ દહીંનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તો મોટી સાઇઝના 4 પાપડ લઈને શેકી લેવા. તમે તેની જગ્યાએ નાના પાપડ પણ લઈ શકો છો. જો નાના પાપડ હોય તો છ પાપડ શેકી લેવા.

પાપડ શેકી લીધા બાદ વઘાર કરવા માટે એક પેનને ગેસ પર ગરમ કરવા મુકી દેવું. હવે તેમાં ત્રણ મોટી ચમચી તેલ ઉમેરી દેવું. તેલને બરાબર ગરમ થવા દેવું. હવે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં પા ચમચી રાઈ ઉમેરવી. રાઈ બરાબર ફુટી જાય એટલે તેમાં પા ચમચી જીરુ, એક તમાલ પત્ર અને બે ચપટી હીંગ ઉમેરી દેવી. તેની સાથે સાથે જ એક ચમચી લસણની પેસ્ટ પણ ઉમેરી દેવી.

લસણની પેસ્ટ ઉમેરીને તેને થોડી સાંતળી લીધા બાદ વઘારમાં એક મોટી ડુગળી સમારીને એડ કરી લેવી. હવે ડુંગળીને બરાબર સાંતળી લેવી. આ દરમિયાન ગેસ ધીમો રાખવો. સહેજ ગુલાબી રંગની થાય ત્યાં સુધી ડુંગળી સાંતળી લેવી. ડુંગળી સંતળાવામાં 2-3 મિનિટનો સમય લાગશે.

હવે ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં મસાલા કરી લેવા. મસાલામાં અરધી ચમચી ધાણાજીરુ, પા ચમચી હળદર, ડોઢ નાની ચમચી કાશ્મીરી મરચુ પાઉડર અને પા ચમચી ગરમ મસાલો ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવું.

અરધી મિનિટ સુધી મસાલા શેકી લીધા બાદ તેમાં થોડું પાણી ઉમેરી લેવું એટલે મસાલા અને ડુંગળી બળી ન જાય તેમજ દહીં ફાટી ન જાય એટલા માટે.

હવે તેમાં એક કપ દહીં ઉમેરી દેવું. આ દહીં નોર્મલ હોવું જોઈએ નહીં ખાટું નહીં મોળુ જેવું. હવે તેને બરાબર હલાવી લેવું.

હવે તેમાં પાણી ઉમેરવા માટે પહેલાં જોઈ લેવું કે દહીં વધારે પાતળુ ન હોય દહીંની કન્સીસ્ટન્સી પ્રમાણે તમારે પાણી ઉમેરવું. તમે અહીં દહીંની જગ્યાએ છાશ પણ ઉમેરી શકો છો.

હવે ગેસ થોડો ફુલ કરી લેવો અને આ મિશ્રણને બરાબર ઉકળવા દેવું. હવે તેમાં શેકેલા પાપડના ટુકડા ઉમેરી દેવા. ટુકડા બહુ નાના ન કરવા અહીં બતાવ્યા છે તે પ્રમાણે જ કરવા. જેથી કરીને પાપડની પેસ્ટ ન બની જાય.

હવે પાપડ નાખ્યા બાદ 3-4 મિનિટ શાકને ઉકળવા દેવાનું. જેથી કરીને પાપડમાં પણ મસાલો ભળી જાય અને એક-એક બાઈટ સ્વાદિષ્ટ લાગે.

હવે શાક બરાબર ઉકળી જાય એટલે તેને ટેસ્ટ કરીને તેમાં જે વધારો ઘટાડો કરવો હોય તે કરી લેવો. હવે તેમાં જીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવી.

તો તૈયાર છે દહીં-પાપડનું ચટાકેદાર સ્પાઇસી લસણીયુ શાક. આ શાકને બનાવતા જરા પણ વાર નથી લાગતી માટે તેને હંમશા જમતા પહેલાં જ બનાવું. પહેલેથી બનાવીને ન રાખવું.

રસોઈની રાણીઃ સીમાબેન

દહીં-પાપડનું શાક બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *