રાગી સેન્ડવીચ ઢોકળા – Ragi sandwich dhokla – ગુજરાતીઓના મનપસંદ ઢોકળા હવે બનશે હેલ્થી…

રાગી કે નાચલી(finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી સુગર લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે.

હું કાયમથી ઘરમાં રાગીનો ઉપયોગ કરતી આવી છું. તમે હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, ખીચડી…વગેરે જેવી વાનગીઓમાં ચોખાનો ભાગ અડધો કે એનાથી ઓછો કરી તેટલા ભાગની રાગી ઉમેરી લો. બન્યા પછી સ્વાદમાં કોઇ જ ફરક નહીં પડે. બધું તેટલું જ સ્વાદિષ્ટ બનશે. ઉપરથી રાગીના ફોતરાના ફાઇબર્સ થી બધી જ વાનગી વધારે સોફ્ટ બનશે અને પચવામાં પણ બહુ જ આસાન.

એ જ રીતે ઘઉંનો લોટ દળાવતી વખતે ઘઉં સાથે સોયાબીન, જુવાર અને રાગી ઉમેરી લો. રોટલી, ભાખરી વધારે સોફ્ટ થશે અને સ્વાદમાં વધારે કાંઇ ફરક નહીં પડે. આજે મેં અહીં આખા રાગીના દાણાને ચોખા, અડદની દાળ સાથે પલાળી ઘરે જ ખીરું બનાવી તેના સેન્ડવીચ ઢોકળા અને રાગી ઇડલી બનાવી છે…સાથે એક લેયર માટે રેગ્યુલર સફેદ ખીરું બનાવ્યું છે. ઢોકળા ને ઇડલી બહુ જ સોફ્ટ ને મસ્ત બન્યા છે.

સમય: 1 કલાક+10 કલાક, 4-5 વ્યક્તિ માટે

ઘટકો:

➡️રાગીના ખીરા માટે,

  • • 1 કપ આખી રાગી
  • • 1/2 કપ ચોખા
  • • 1/2 કપ અડદની દાળ
  • • 2 ચમચી દહીં
  • • જરુર મુજબ પાણી

➡️સફેદ ખીરા માટે,

  • • 1 +1/2 કપ ચોખા
  • • 1/2 કપ અડદની દાળ
  • • 2 ચમચી દહીં
  • • જરુર મુજબ પાણી

➡️લીલી ચટણી માટે,

  • • 100 ગ્રામ કોથમીર
  • • 3 તીખા લીલા મરચાં
  • • 8-10 પાલખના પાન
  • • 1 લીંબુ
  • • 1/2 ટીસ્પૂન મીઠું
  • • 1 ટેબલ સ્પૂન ખાંડ
  • • 1 ટીસ્પૂન જીરુ
  • • 2 ટેબલ સ્પૂન શીંગદાણા
  • • 1 ટેબલ સ્પૂન તલ

➡️બીજા મસાલા

  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 1 ટીસ્પૂન સોડા
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • ચપટી હીંગ
  • • 1 ટીસ્પૂન રાઇ
  • • 2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર

રીત:

➡️રાગીના ખીરા માટે, સૌપહેલા એક બાઉલમાં રાગી, ચોખા અને અડદની દાળ ભેગી કરી 2 વાર ઘસીને ધોઇ લેવી. પછી ડૂબે એવું પાણી ભરી ઢાંકીને 3-4 કલાક પલાળવા માટે મૂકવું. પલળી જાય પછી મિક્સરમાં દહીં નાખી દરદરું ઢોકળાનું ખીરું હોય તેવું પીસી લેવું.જરુર લાગે તેટલું પાણી નાખવું.

➡️તૈયાર બેટર ને 6-8 કલાક ગરમ હૂંફાળી જગ્યાએ ઢાંકીને આથો લાવવા મૂકી દેવું. તે પછી ખીરું આથો આવેલું તૈયાર હશે.

➡️સફેદ ખીરા માટે, ચોખા અને અડદની દાળ ને બરાબર 2 વાર પાણીથી ધોઇ લેવી. પછી ડૂબે તેવું પાણી ભરી 3-4 કલાક પલાળવા માટે મૂકવું. પલળી જાય પછી મિક્સરમાં દહીં ઉમેરી દરદરું ઢોકળા નું ખીરું હોય તેવું પીસી લેવું. જરુર લાગે તેટલું પાણી નાખવું.

➡️તૈયાર બેટર ને 6-8 કલાક ગરમ હૂંફાળી જગ્યાએ આથો લાવવા મૂકી દેવું. તે પછી ખીરું આથો આવેલું તૈયાર હશે.

➡️લીલી ચટણી માટે, તલ, જીરુ, શીંગદાણા ને કોરા જ મિક્સરમાં એકવાર પીસી લેવા. કોથમીર, લીલા મરચાં અને પાલખને ધોઇ લેવી.

➡️મિક્સર જારમાં પીસેલા શીંગદાણા માં કોથમીર, મરચાં, પાલખ, લીંબુનો રસ, ખાંડ, મીઠું, થોડું પાણી નાખી બરાબર પીસી લેવું. લીલી ચટણી તૈયાર છે.

➡️ઢોકળા માટે, સ્ટીમરમાં પાણી ગરમ મૂકી તેમાં એક પ્લેટ તેલ લગાવીને મૂકવી. એક બાઉલમાં 4-5 ચમચા જેટલું સફેદ ખીરું લઇ તેમાં મીઠું અને ચપટી સોડા નાખી મિક્સ કરી લેવું. તેને પ્લેટમાં પાથરી ઢાંકીને 5 મિનિટ સ્ટીમ થવા દેવું.

➡️બીજા બાઉલમાં 2 ચમચા જેટલું સફેદ ખીરું લઇ તેમાં 2-3 ચમચી લીલી ચટણી, ખીરાના ભાગનું મીઠું અને ચપટી સોડા નાખી મિક્સ કરી લેવું. તેને સ્ટીમરમાં સફેદ લેયર પર પાથરી ઢાંકીને ફરી 5 મિનિટ માટે સ્ટીમ થવા દેવું.

➡️ફરી એક બાઉલમાં 4-5 ચમચા જેટલું રાગીનું ખીરું લઇ તેમાં મીઠું અને ચપટી સોડા નાખી મિક્સ કરી લેવું. તેને પણ સ્ટીમરમાં લીલા લેયર પર પાથરી ઢાંકીને ફરી 5-7 મિનિટ માટે સ્ટીમ થવા દેવું.

➡️થઇ જાય એટલે ઠંડું કરી ચપ્પાથી કાપા કરી લેવા. તેલ,રાઇ,હીંગ નો વઘાર કરી ઉપર બધી બાજુ લગાવવો. સમારેલી કોથમીર ભભરાવવી.

➡️આ જ ખીરામાંથી ત્રણે જાતની ઇડલી પણ બનાવી છે. સાથે કોપરાની સફેદ ચટણી અને સંભાર છે.

➡️તૈયાર સેન્ડવીચ ઢોકળાને સફેદ,લીલી ચટણી અને સોસ સાથે અને ઇડલીને સંભાર,ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરવી.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *