ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી – બહાર મળતી કુલ્ફી ચોપાટી હવે બનાવી શકશો ઘરે જ, સરળ અને પરફેક્ટ રીતે બનાવો…

ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી :

ઉનાળાની ગરમીમાં આઈસક્રીમ, તેમજ ઠંડા પીણાં ગરમીમાં લોકોને ખૂબજ રાહત આપે છે. પરન્તુ ઠંડી- ઠંડી કુલ્ફી બાળકોને ખુબજ પ્રિય હોય છે. જે નાના મોટા બધા લોકોની ખૂબજ પ્રિય છે. કુલ્ફીઓ અનેક પ્રકારની માર્કેટમાં મળતી હોય છે. પણ માવા કુલ્ફી બધાને વધારે પસંદ હોય છે. ફૂલ ફેટ દૂધમાંથી બનાવવામાં આવતી આ હેલ્ધી માવા કુલ્ફી ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. ઘણી વખત ગરમીના સમયમાં બજારમાં ફ્રેશ માવો મળતો હોતો નથી. તેથી માવા વગર પણ માવા કુલ્ફી બનાવવી હોય તો તેના માટે બ્રેડ એ એક બેસ્ટ ઓપ્શન છે. માવાના બદલે ફ્રેશ બ્રેડ ઉમેરીને પણ ખૂબજ ટેસ્ટી –કદાચ બજાર કરતાયે વધારે સ્વાદિષ્ટ માવા કુલ્ફી ઘરે બનાવી શકાય છે.

હું અહીં આપ સૌ માટે ડ્રાય ફ્રુટ માવા કુલ્ફીની સરળ અને ખૂબજ ટેસ્ટી રેસીપી આપી રહી છું, જેમાં મેં માવાના વિકલ્પમાં ફ્રેશ બ્રેડનો ઉપયોગ કર્યો છે. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી બનાવી બધાને ટેસ્ટ કરાવજો.

ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી બનાવવા માટેની સામગ્રી :

  • ૧/૨ લીટર ફૂલ ફેટ દૂધ
  • ૧/૪ કપ + ૧ ટી સ્પુન સુગર
  • ૧/૪ મિલ્ક પાવડર
  • ૨ ફ્રેશ બ્રેડ
  • ૩ ટેબલ સ્પુન બદામ – બારીક સમારેલી
  • ૩ ટેબલ સ્પુન કાજુ – બારીક સમારેલી
  • ૩ ટેબલ સ્પુન પીસ્તા – બારીક સમારેલી
  • ૧ ટી સ્પુન એલચી પાવડર
  • ૧૨- ૧૫ તાંતણા કેશર
  • ૨ ટેબલ સ્પુન હુંફાળું દૂધ

ગાર્નીશિંગ માટે :

  • કાજુ, બદામ, પીસ્તા- બારીક સમારેલા
  • જેલી સ્વીટ્સ

ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી બનાવવાની રીત :

સૌ પ્રથમ ૨ ટેબલ સ્પુન હુંફાળું દૂધ એક નાના બાઉલમાં લઇ તેમાં ૧૨- ૧૫ તાંતણા કેશર તેમાં પલાળી લ્યો. ૫ મિનીટ બાદ તાંતણા પલળે એટલે તેને દુધમાં ઘસી લ્યો. દૂધનો સરસ કેશરી કલર થઇ જશે. કેશરવાળું આ દૂધ એકબાજુ રાખો.

હવે ૨ ફ્રેશ બ્રેડ લઈને તેની હાર્ડ બોર્ડર રીમુવ કરી લ્યો. હવે બ્રેડના ટુકડા કરી તેને ગ્રાઈન્ડ કરી બારીક ભૂકો કરી લ્યો. તેને એક બાજુ રાખો.

ત્યારબાદ ઠીક બોટમવાળું પેન લઈ તેમાં ૧/૨ લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરો. હવે મીડીયમ ફ્લેઈમ પર ૨- ૩ મિનીટ ઉકાળી દૂધમાં એક ઉભરો આવે એટલે ફ્લેઈમ સ્લો કરીને તેમાં ૧/૪ કપ+૧ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરો. તેને સતત હલાવતા રહી મેલ્ટ કરો અને ફરી એક ઉભરો આવવા દ્યો.

હવે તેમાં ૧/૪ કપ મિલ્ક પાવડર ઉમેરી મિક્ષ કરી સતત હલાવતા રહો. ૧-૨ મિનીટ કુક કરી, મિલ્ક થોડું વધારે ઘટ્ટ થાય અને ફરી દૂધ ઉકળવા માંડે એટલે તેમાં ગ્રાઈન્ડ કરેલ બ્રેડનો બારીક ભૂકો ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ૩ ટેબલ સ્પુન બદામ – બારીક સમારેલી, ૩ ટેબલ સ્પુન કાજુ – બારીક, સમારેલી, ૩ ટેબલ સ્પુન પીસ્તા – બારીક સમારેલી અને ૧ ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

સતત હલાવતા રહી ૧ મિનીટ સુધી કુક કરવાથી આ મિશ્રણ એકદમ ઘટ્ટ થઇ જશે. હવે તેને ફ્લેઈમ પરથી નીચે ઉતારી લ્યો. હવે તેમાં તૈયાર કરેલ કેશરવાળું દૂધ ઉમેરી મિક્ષ કરી લ્યો. ડ્રાય ફ્રુટ માવા કુલ્ફીનું ખુબજ ફ્લેવરફૂલ મિશ્રણ રેડી છે. આ મિશ્રણ ઠંડુ થશે એટલે એકદમ ઘટ્ટ થઇ જશે.

ત્યારબાદ તેને કુલ્ફીના મોલ્ડમાં ભરી લ્યો. ( પિકચરમાં બતાવ્યા પ્રમાણે ). મોલ્ડનાં લીડ બંધ કરી પેક કરી લ્યો. મોલ્ડ ના હોય તો પેપર કપમાં ભરી શકાય. પેપર કપમાં આ મિશ્રણ ભર્યા પછી તેને એલ્યુમિનિયમ ફોઈલથી પેક કરી રાબ્બર બેન્ડ લગાવી દ્યો. ઉપર ચપ્પુ વડે કાપો પાડી તેમાં કુલ્ફીની સ્ટિક ભરાવી દ્યો.

હવે મોલ્ડને ૬-૭ કલાક માટે ફ્રીજર-ડીપ ફ્રીજમાં મુકો.

૬-૭ કલાક બાદ સરસ ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી બની ગયેલી જોવા મળશે.

હવે મોલ્ડ કે કપને ફ્રીજરની બહાર કાઢી તને એક બાઉલમાં પાણી ભરી ડીપ કરો. તરત જ કુલ્ફીને મોલ્ડમાંથી ડીમોલ્ડ કરી શકાશે. હવે ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી રેડી છે.

હવે ડ્રાય ફ્રુટ માવા કુલ્ફીને પ્લેટમાં સર્વ કરી તેના પર થોડા ડ્રાયફ્રૂટની કતરણ અને જેલી સ્વીટ સ્પ્રીન્ક્લ કરી સર્વ કરો. માવા વગર પણ એકદમ માવાના ટેસ્ટની આ કુલ્ફી બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર ઘરેજ બનાવીને ટ્રાય કરી જુઓ. ક્યારેય માવા કુલ્ફી બહારથી ખરીદિને લાવવી નહિ પડે. સ્વાદિષ્ટ એવી આ કુલ્ફી બધાને ખુબજ ભાવશે. વારંવાર ઘરેજ બનવા લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *