જાહેર જગ્યાએ કે પછી ક્યારેક મીટીંગમાં ઓડકાર આવવાથી શરમ આવે છે? આ માહિતી તમારી માટે જ છે…

શું તમને વારંવાર ઓડકાર આવે છે તો આ રહ્યા તેના ઉપાય

ઓડકાર આવવાના કારણો અને તેના ઉપાયો

આજે અમે તમને જણાવીશું કે ઓડકાર શા માટે આવે છે અને તે ન આવે તે માટેના ઉપાયો પણ સાથે જણાવીશું.

સામાન્ય રીતે ઓડકાર આવે તો એવું કહેવાય કે પેટ ભરીને જમી લીધું. અથવા હવે આનાથી વધારે ખાવું જોઈએ નહીં. અમુક હદે આ કારણ યોગ્ય પણ હશે, પણ જો ઓડકાર હદ કરતાં વધારે આવે તો તમારે ચિંતા કરવી જોઈએ. અને તે પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.

જો જમતી વખતે અથવા જમ્યા પછી વારંવાર ઓડકાર આવતા હોય તો સમજવું કે જમતી વખતે જમવાની સાથે સાથે હવા પણ પેટમાં જતી રહી છે. જ્યારે આપણે હવા ગળીએ છીએ ત્યારે તે બહાર પણ તેવી જ રીતે નીકળે છે માટે તે જ્યારે મોઢામાંથી બહાર નીકળે છે તેને આપણે ઓડકાર કહીએ છીએ.

ઓડકાર આવવો એ પેટમાંથી ગેસના બહાર નીકળવાની કૂદરતી રીત છે, જો પેટમાંથી ગેસ બહાર ન નીકળે તો તે કેટલાએ પ્રકારની શારીરિક તકલીફો ઉત્પન્ન કરે છે જેમકે પેટમાં પીડા, પેટ મોટું થઈ જવું અથવા અપચો વિગેરે. પણ જ્યારે ઓડકાર વધારે પ્રમાણમાં આવે તો તેની પાછળ પાચન તંત્રના ઉપરના ભાગમાં પેપ્ટિક અલ્સર અથવા ગેસ્ટ્રોપારેસિસ જેવી તકલીફો પણ હોઈ શકે છે.

જ્યારે એકધારા ઓડકાર આવે છે ત્યારે તેની આસપાસના લોકો થોડા અનકમ્ફર્ટેબલ થઈ જાય છે અને તેમને સમજમાં નથી આવતું કે સામે વાળી વ્યક્તિને કેવી રીતે રોકવી. ઓડકારમાં પેટના ગેસને મોઢા દ્વારા બહાર નીકાળવામાં આવે છે જેમાં ક્યારેક ક્યારેક વિચિત્ર ગંધ અને અવાજ પણ હોય છે.

મોટાભાગે ઓડકાર આવવો એ કોઈ બિમારીનો સંકેત નથી હોતો. તેમ છતાં સમાજમાં તેને સ્વિકારવામાં નથી આવતો. ભારતીય સંસ્કૃતિમાં કેટલીક સ્થિતિઓમાં તેનો સ્વિકાર કરવામાં નથી આવતો. જાપાનમાં તેને શિષ્ટાચાર વિરુદ્ધનું ગણવામાં આવે છે.

પશ્ચિમની સભ્યતા જેમ કે યુ.એસ.એ, ફ્રાન્સ અને જર્મનીમાં પણ ઓડકારને સારો નથી ગણવામાં આવતો. એવું કહેવાય છે કે જો તમને ઓડકાર આવતો હોય તો તમારે તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવો જોઈ અને તે માટે માફી માગવી જોઈએ.

નીચે જણાવેલા ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમે તમારી ઉડકારની સમસ્યાને દૂર કરી શકો છો.

દહીઃ ભોજન પચવામાં દહીં મદદરૂપ રહે છે. તેમાં હાજર બેક્ટેરિયા પેટ તેમજ આંતરડા સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ છે. છાશ કે લસ્સીનો ઉપોયોગ લાભપ્રદ સાબિત થાય છે.

કાળુ જીરુઃ તે પાચન તંત્રને શાંત રાખે છે અને કુદરતી રીતે ઓડકારની સમસ્યાને ઘટાડે છે. તેને આખું જ ચાવી શકો છો અથવા તો સલાડ વિગેરેમાં નાખીને પણ ખાઈ શકો છો.

આદુઃ આદુના આયુર્વેદિક ગુણો તમારા ઓડકારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૂપ સાબિત થશે. આદુના નાના ટુકડાને ત્યાં સુધી ચાવો જ્યાં સુધી તમારા મોઢામાં રસ ન આવી જાય. જો તમે આદુની તીવ્ર ગંધને સહન ન કરી શકતાં હોવ તો તેની સાથે તમે મધ પણ ચાંટી શકો છો.

તમે આદુની ચાનો પણ પ્રયોગ કરી શકો છો જે તમારા માટે આદુ જેટલી જ અસરકારક સાબિત થશે.

લીંબુ અને બેકિંગ સોડા– જો તમે ઓડકારની તકલીફથી ખુબ જ ત્રસ્ત હોવ તો તેમાં નોંધનીય ઘટાડો લાવવા માટે તમે આ ઘરગથ્થુ ઉપચારનો પ્રયોગ કરી શકો છો. એક ચમચી લીંબુનો રસ અને ¼ ચમચી બેકિંગ સોડાને લઈ તેને 2 ગ્લાસ પાણીમાં મિક્સ કરી લો અને પીલો. આ પ્રયોગથી તમને ખુબ રાહત થશે.

પાણી – પાણી માત્ર જીવન જ નથી પણ તેનાથી પણ વધારે છે. શરીરની ઘણીબધી તકલીફો માત્ર પાણીથી દૂર થઈ શકે છે. જો એકધારા ઓડકાર આવતા હોય તો થોડું-થોડું કરીને ઠંડું પાણી પીવો. એમ કરવાથી જલદી જ ઓડકાર બંધ થઈ જશે.

વરિયાળીઃ વરિયાળી પેટ સંબંધિત તકલીફો માટે લાભપ્રદ હોય છે. તેના સેવનથી પેટમાં વાયુની ફરિયાદ નથી રહેતી. વરિયાળીનો રસ અને ગુલાબજળ સરખા પ્રમાણમાં લઈ પાણીમાં ભેળવી પીવાથી એડકી અને ઓડકાર આવવાના બંધ થઈ જાય છે. તમે વરિયાળી ચાવી પણ શકો છો.

ઇલાયચીઃ ઓડકાર આવે ત્યારે ઇલાઇચી નાખીને ગરમગરમ ચા બનાવી તેને ધીમે ધીમે પીવો. ઇલાઇચીની ચા પીવાથી ઓડકારની તકલીફથી જલદી છૂટકારો મળી જશે.

ફૂદીનોઃ ફુદીનાનું સેવન કરવાથી પેટમાં રાહત રહે છે. ફૂદીનાનો સ્વભાવ ઠંડો હોય છે, એકધારા ઓડકાર આવતા હોય ત્યારે ફુદીનાના પાંદડાને ચામાં મિક્સ કરી પીવો, તરત જ ઓડકારથી રાહત મળવા લાગે છે.

ધાણાઃ ધાણા માત્ર રસોઈને જ સ્વાદિષ્ટ નથી બનાવતા પણ તે સતત આવતા ઓડકારની સમસ્યાને પણ દૂર કરી શકે છે. જો તમને સતત ઓડકાર આવતા હોય તો ધાણાની એક ડાળખી ચાવી જવી. તરત જ રાહત મળશે.

લીંબુ – લીંબુનો રસ પણ એકધારા ઓડકારની સમસ્યાને ઠીક કરી શકે છે. માટે જ્યારે ક્યારેય આ સમસ્યા સર્જાય કે તરત જ એક લીંબુનો રસ પી જવો. તેમાં કશું જ મિક્સ કરવાની જરૂર નથી.

લવિંગઃ લવિંગ એક કૂદરતી હર્બ છે, તેના સેવનથી કેટલીએ સમસ્યાઓ દૂર થાય છે. તે ઓડકારમાં પણ રાહત આપે છે. મોઢામાં એક લવિંગ રાખી ચૂંસવું. થોડી જ વારમાં ઓડકાર બંધ થઈ જશે.

ઠંડુ દૂધ – ઠંડુ દૂધ પીવાથી એસિડિટીની તકલીફમાં રાહત મળે છે. એકધારી એડકી કે ઓડકાર આવે ત્યારે ઠંડુ દૂધ પીવાથી લાભ થાય છે. ઠંડા દૂધને ધીમે ધીમે કરી પીવાથી એડકી કે ઓડકાર આવવાના બંધ થઈ જશે.

ખાટ્ટા ફળ – ખાટા ફળ ખાવાથી ભોજન આરામથી પચી જાય છે અને આ તકલીફ પણ ઠીક થઈ જાય છે. તેના માટે મોસંબી, સંતરા, કે પાયનેપલ પણ ખાઈ શકાય છે.

ધૂમ્રપાનની વસ્તુઓમાં નિકોટીન હોય છે અને શરીરમાં તેનું સ્તર વધવાથી તમારા ઓડકાર પણ વધી જાય છે. માટે, તેના નિરાકણ માટે ધૂમ્રપાન બંધ કરી દેવું જોઈએ.

સાવચેતીઃ

જમતી વખતે તમારે તમારું મોઢું બંધ રાખવું જોઈએ.

ઉપર અમે તમને એકધારા ઓડકારોના ઘરગથ્થુ ઉપચારો વિષે જણાવ્યું હવે તે માટે કેટલોક શિષ્ટાચાર પણ શીખી લો. જેથી કરીને તમારી ઓડકારની સમસ્યામાં પરિવર્તન આવશે.

જમતી વખતે મોઢું બંધ રાખવું અને ભોજન કરવું, જો તમે મોઢું ખુલું રાખીને ખાશો તો તમે હવાને પણ ભોજન સાથે પેટમાં લેશો.

આપણામાંથી કેટલાક લોકો ઘણી ઉતાવળમાં હોય છે અને જલદી જલદી ભોજન ખાય છે અને તેઓ ચાવવાની જગ્યાએ સીધું ગળી જ જાય છે.

આ પ્રકારની નાની આદતો પણ તમારી તકલીફ વધારી શકે છે. માટે તમારી આ કૂટેવો પર ધ્યાન આપો અને આ સમસ્યાથી દૂર રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *