વાટીદાળના સુરતી ખમણ બનાવવાની તદ્દન સરળ રીત, આજે જ ટ્રાય કરો…

આપણે ગુજરાતી લોકો ઢોકળાના ખુબ શોકીન હોઈએ છીએ. પછી ભલેને તેને ખમણ કહીંને કેમ ન બોલાવીએ પણ બધા જ પ્રકારના ખમણ હોય કે ઢોકળા આપણને ખુબ ભાવતા હોય છે. ખમણ બે પ્રકારના હોય છે નાયલોન ખમણ જે બેસનમાંથી બનાવવામાં આવે છે અને બીજા છે વાટી દાળના ખમણ જે દાળ અને ચોખાના મિશ્રણથી બનાવવામાં આવે છે તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ વાટી દાળના ખમણની તદ્દન સરળ રીત.

 

વાટીદાળના સુરતી ખમણ બનાવવા માટેની સામગ્રી

1 કપ ચણાની દાળ

¼ કપ ચોખા

2 ચમચી ક્રશ કરેલા લીલા મરચા

½ ચમચી લીંબુના ફુલ

½ ચમચી હળદર

3 મોટી ચમચી તેલ

3-4 નંગ લીલા મરચા વચ્ચેથી નાના કાપી લેવા

2 ચમચી જીણી સમારેલી કોથમીર

1 નાની ચમચી રાઈ

½ ચમચી બેકીંગ સોડા

સ્વાદ પ્રમાણે મીઠુ

વાટીદાળના સુરતી ખમણ બનાવવાની રીત

સૌ પ્રથમ તો એક કપ દાળ અને પા કપ ચોખાને ચાર કલાક માટે પલાળી લેવા અને ચાર કલાક બાદ તેમાંથી પાણી નીતારી લેવું.

હવે આ પલળેલા દાળ ચોખાને વાટવા માટે મિડિયમ સાઇઝનો જાર લેવો તેમાં દાળ ચોખા કાઢી લેવા. તેમાંથી અરધુ બાકી રાખવું.

હવે તેમાં અરધી ચમચી હળદર, અરધી ચમચી લીંબુના ફૂલ અને બે ચમચી વાટેલા લીલા મરચા ઉમેરવા.

તેના પર ફરીથી બાકીના દાળ ચોખા ઉમેરી દેવા અને માત્ર પિસવા માટે જરૂર પુરતું જ પાણી ઉમેરવું. પાણીને ચમચી ચમચીએ ઉમેરવું. વધારે પાણી પડી જશે તો ખીરુ પાતળુ થઈ જશે જેના ખમણ નહીં ઉતરે. હવે તેને વાટી લેવું.

વાટી લીધા બાદ અહીં બતાવ્યું છે તે રીતે ખીરુ તૈયાર થઈ જશે. હવે આ ખીરામાંથી તમે ત્યારેને ત્યારે પણ ઢોકળા ઉતારી શકો છો પણ અહીં ખીરાનો આથો આવવા દેવા માટે છ કલાક હુંફાળી જગ્યા પર ઢાંકીને મુકી દેવામાં આવ્યું છે. હવે છ કલાક બાદ તમે જોશો તો સરસ આથો આવી ગયો હશે.

હવે આથો આવી ગયા બાદ તેમાં વધારાનો મસાલો કરી લેવાનો છે પણ તે પહેલાં સ્ટીમર એટલે કે ઢોકળિયુ ગરમ થવા મુકી દેવું અને સાથે સાથે જે થાળીમાં ઢોકળા પાડવાના છે તે થાળીને તેલ ચોપડીને તૈયાર કરી લેવી.

હવે ખીરુ તૈયાર કર્યું છે તેમાં સોડા ઉમેરવો અને સાથે સાથે જ એક નાની ચમચી તેલ ઉમેરી દેવું અને ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી તેને બરાબર ફેંટી લેવું.

હવે ગ્રીસ કરીને થાળી તૈયાર રાખી છે તેમાં ખીરુ પાથરી લેવું. અને થાળીને જમીન પર થોડી ઠપકારી લેવી જેથી તેમાંના એર બબલ્સ દૂર થઈ જાય.

આ દરમિયાન ઢોકળિયુ ગરમ થઈ ગયું હશે હવે આ ખીરા વાળી થાળીને સ્ટીમ થવા માટે ઢોકળિયામાં મુકી દેવી.

હવે ઢોકળિયાનું ઢાકણું બંધ કરી દેવું અને તેને શરૂઆતની પાંચ મિનિટ માટે ફુલ ગેસ પર ગરમ થવા દેવું. ત્યાર બાદ ફ્લેમ મિડિયમ કરી લેવી અને તેને 20 મિનિટ માટે ચડવા દેવું. આમ ઢોકળાને ચડતા કુલ 25 મિનિટ જેટલો સમય લાગશે.

હવે 25 મિનિટ બાદ ઢોકળિયાનું ઢાકણું ખોલીને છરી નાખીને ઢોકળા ચડ્યા છે કે નહીં તે ચેક કરી લેવું. ઢોકળા ચડી ગયા હોય તો ગેસ બંધ કરી દેવો અને ના ચડ્યા હોય તો ફરી પાંચ મિનિટ માટે ચડવા દેવા. ત્યાર બાદ થાળીને ઢોકળિયામાંથી કાઢી લેવી અને તેને થોડીવાર ઠંડી પડવા દેવી.

હવે થાળીમાંના ખમણને કટ કરીને તેના નાના ચોસલા તૈયાર કરી લેવા. અને તેને તાંસ જેવા મોટા વાસણ માં લઈ લેવા જેથી કરીને તેનો વઘાર કરતા ફાવે અને વઘાર એક-એક ઢોકળાને અડી શકે.

હવે વઘારિયામાં 2 ચમચી તેલ લેવું અને તેને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી અને ગેસ ધીમો કરી લેવો. રાઈને બરાબર ફુટવા દેવી. રાઈ ફુટી જાય ત્યાર બાદ તેમાં નાના સમારેલી લીલા મરચા ઉમેરી દેવા.

હવે તૈયાર થયેલા વઘારને ઢોકળાના ટુકડા પર સરખા પ્રમાણમાં નાખી દેવો. અહીં વઘારમાં માત્ર રાઈ અને લીલા મરચા જ લેવામાં આવ્યા છે પણ તમે તેમાં હીંગ, મીઠો લીંમડો અને તલ પણ લઈ શકો છો.

હવે વઘાર બધે જ લાગી જાય તે માટે તમારે ઢોકળાના પાત્રને પકડીને તેમાંના ઢોકળા ઉથલાવવાના છે જેથી કરીને બધા જ ઢોકળાને વઘાર ચોંટી જાય.

હવે છેલ્લે વઘાર બધા જ ઢોકળાને અડી જાય ત્યાર બાદ તેમાં જીણી સમારેલી ફ્રેશ કોથમીર ઉમેરવી અને ફરી તેને મિક્સ કરી લેવું.

તો તૈયાર છે વાટી દાળના સુરતી ખમણ. આ રેસિપિ ખુબ જ સરળ છે આ ખમણને તમે શીંગ-કોપરાની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

વાટી દાળના સુરતી ખમણ બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *