ફ્રાય ઢોકળી ગુવારનું શાક – ગુવાર બટાકાનું શાક તો બહુ ખાધું હશે નવીન શાક…

ફ્રાય ઢોકળી ગુવારનું શાક :

અત્યારે ગુવાર માર્કેટમાં સારા એવા પ્રમાણમાં આવવા લાગ્યો છે. ગુવાર અને કેરીની સિઝન સથે આવતી હોય છે. ગુવારમાંથી શાક ઉપરાંત તેની સુકવણી કરી ને કાચરી પણ બનાવવામાં આવતી હોય છે. ગુવારમાંથી કઢી પણ બનાવવામાં આવે છે. ગુવારના ઘણા પ્રકારે શાક બનાવવામાં આવતા હોય છે. મિક્ષ શાક બનવવામાં ગુવારનો ઉપયોગ થતો હોય છે. તો ક્યારેક માત્ર ગુવાર બટેટાનું શાક બનતું હોય છે. ગુવારનું શાક ઘણા બાળકોને કે ઘણી વખત મોટાઓને પણ ભાવતું હોતું નથી. તેથી ગૃહિણીઓ ગુવારના શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઢોકળીઓ અને આગળ પડતા માસાલાઓ ઉમેરીને ગુવાર ઢોકળીનું શાક બનાવતા હોય છે. જે બધાને સ્વાદિષ્ટ લાગે છે અને બધા ખાય છે. ઘણીવાર તેમાં ઉમેરાતી બેસનની ઢોકળી કાચીજ ગુવાર સાથે કૂક કરી લેવામાં આવતી હોય છે.

અહીં મેં આ રેસિપિમાં બેસનની ઢોકળીઓ વણીને પીસ કરીને ફ્રાય કરી લીધી છે. ત્યારબાદ ગુવાર સાથે મિક્ષ કરીને ફ્રાય ઢોક્ળી ગુવારનું સ્વાદીષ્ટ શાક બનાવ્યું છે. તો મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ બનાવજો, જે બધાને ચોક્કસથી ભાવશે.

ફ્રાય કરેલી ઢોકળી વધારે બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. જેથી ગમે ત્યારે ઢોકળી ગુવાર, તુરિયા કે ગલકાનાં શાક સાથે કે મેથીની ભાજી સાથે મિક્ષ કરી શાક બનાવી શકાય છે.

ઢોકળી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ બેસન
  • 1 ટી સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • ½ ટી સ્પુન ધાણા જીરું
  • ½ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • પિંચ હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • ફ્રાય કરવા માટે ઓઇલ

ઢોકળી બનાવવા માટેની રીત :

એક બાઉલમાં 1 કપ બેસન લ્યો. તેમાં 1 ટી સ્પુન ઓઇલ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, ½ ટી સ્પુન ધાણા જીરું, ½ ટી સ્પુન લાલ મરચું પાવડર, પિંચ હિંગ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં થોડું જ પાણી ઉમેરીને ટાઇટ લોટ બાંધી લ્યો. જરા ઓઇલ વાળો હાથ કરીને મસળીને બરાબર સેટ કરી લ્યો. ત્યારબાદ 5 મિનિટ રેસ્ટ આપી ફરી મસળીને તેમાંથી મોટા 3 લુવા બનાવી લ્યો.

જરુર પડે તો અટામણ લઇને અથવા જરુર ના હોય તો એમજ તેને રોટલીની જેમ વણી લ્યો.

ત્યારબાદ તેને ચપ્પુ વડે આડા અને ઉભા કાપા પાડી નાના સ્ક્વેર કટ કરી લ્યો.

ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકી, ફ્રાય કરવા જેવું ઓઇલ થાય એટલે તેમાં થોડી વણેલી ઢોકળીઓ ઉમેરો. એક બાજુ ફ્રાય થઇ જાય એટલે પલટાવીને બીજી બાજુ પણ ફ્રાય કરી લ્યો. લાઇટ ગોલ્ડન કલરની અને ક્રંચી થાય ત્યાંસુધી ફ્રાય કરો. આ રીતે બાકીની બધી ઢોક્ળીઓ ફ્રાય કરી લ્યો. એક પ્લેટમાં ટ્રાંસફર કરતા જાવ.

શાક બનાવવા માટેની ઢોકળી હવે રેડી છે.

ફ્રાય ઢોકળી ગુવારનું શાક બનાવવા માટેની સામગ્રી :

  • 250 ગ્રામ ગુવાર, ધોઇને નાના પીસમાં કાપેલો
  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન અજમા
  • ½ ટી સ્પુન રાઇ
  • પિંચ હિંગ
  • ½ ટી સ્પુન આખું જીરું
  • 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ
  • 2 ટમેટા બારીક કાપેલા
  • ½ ટી સ્પુન હળદર + ½ હળદર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણા જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટી સ્પુન સુગર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 1 ટી સ્પુન લાલ લસણની ચટણી પાણીમાં મિક્ષ કરી ને
  • ½ કપ દહીં
  • ½ ટી સ્પુન લેમન જ્યુસ
  • 1 ટેબલ સ્પુન કોથમરી

ફ્રાય ઢોકળી ગુવારનું શાક બનાવવાની રીત :

પ્રેશર કુકરમાં 3 ટેબલ સ્પુન ઓઇલ મૂકી વઘાર થાય એટલુ ગરમ થવા દ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન અજમા, ½ ટી સ્પુન રાઇ, પિંચ હિંગ, ½ ટી સ્પુન આખું જીરું ઉમેરી તતડવા દ્યો.

ત્યારબાદ તેમાં ½ તી સ્પુન હળદર અને બારીક કાપેલા 2 ટમેટા ઉમેરી સોતે કરો.

ટમેટા બરાબર કૂક થઇને મેશી થઇ જાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટેબલ સ્પુન ધાણા જીરું, ½ ટી સ્પુન હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ટી સ્પુન સુગર, ½ ટી સ્પુન ગરમ મસાલો અને 1 ટી સ્પુન લાલ લસણની ચટણી પાણીમાં મિક્ષ કરીને ઉમેરો.

હવે બધા મસાલા સહિત સરસથી હલાવીને મિક્ષ કરી લ્યો. તેમાં 2 ટેબલ સ્પુન પાણી ઉમેરી 2 મિનિટ કૂક કરો.

હવે તેમાં ½ કપ દહીં ઉમેરી મિક્ષ કરો. 1 મિનિટ કૂક કરો.

હવે તેમાં 250 ગ્રામ ગુવાર, ધોઇને નાના પીસમાં કાપેલો અને 1 ½ કપ ઢોકળી ઉમેરી દ્યો.

તેને બનાવેલી ગ્રેવી સાથે મિક્ષ કરી લ્યો. 1 મિનિટ કૂક કરો.

ત્યારબાદ તેમાં દોઢ કપ પાણી ઉમેરી ફરીથી મિક્ષ કરો. કુકરનુ લીડ બંધ કરી મિડિયમ ફ્લૈમ પર 4 વ્હીસલ કરો.

કુકર ઠરે એટલે ફ્રાય ઢોકળી ગુવારના શાકમાં લેમન જ્યુસ ઉમેરી મિક્સ કરો.

ઉપરથી કોથમીર અને ઓનિયન રિંગ્સથી ગાર્નિશ કરો.

ગરમા ગરમ ફ્રાય ઢોકળી ગુવારનું શાક રોટલી, પરોઠા કે પુરી સાથે સર્વ કરો. નાના મોટા બધા ને આ રીતે બનાવેલું ગુવારનું શાક ચોકકસથી ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *