ચોમાસાની સીઝન જામે તે પહેલાં જ પર્ફેક્ટ દાળવડા બનાવવાની રેસીપી જાણીલો.

ગુજરાતમાં સાર્વત્રિક ધોરણે ચોમાસું ચાલુ થઈ ગયું. હા હજુ કંઈ જામ્યું નથી. અને માટે જ ચોમાસુ જામે અને તમને દાળવડાની ઇચ્છા થાય તે પહેલાં જ અમે તમારા માટે સ્વાદિષ્ટ, પોચા દાળવડાની રેસીપી લાવ્યા છે.

દાળ વડા બનાવવા માટેની સામગ્રી

1 કપ મગની દાળ

2 ટેબલ સ્પુન ચોખા

2 ટેબલ સ્પુન અડદની દાળ

1 નંગ ડુંગળી જીણી સમારેલી

2 ટેબલ સ્પુન જીણા સમારેલા મરચા

2 ટેબલ સ્પુન જીણું સમારેલું લસણ

2 ટેબલ સ્પુન જીણું સમારેલું આદુ

¼ કપ જીણી સમારેલી કોથમીર

સ્વાદ અનુસાર મીઠુ

ચપટી હીંગ

ચપટી બેકીંગ સોડા

તળવા માટે તેલ

દાળ વડા બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળ, ચોખા અને અડદની દાળ મીક્સ કરી લેવા. અને તેને 4-5 કલાક પલાળી લેવી.

ત્યાર બાદ પલાળેલી દાળને 2-3 પાણીએ ધોઈ લેવી. અને તેને મિક્સરના જારમાં એડ કરવી.

ત્યાર બાદ તેને અધકચરી વાટી લેવી.

હવે આ ખીરાને એક બોલમાં લઈ લેવું. ખીરાનો મસાલો તૈયાર કરીએ તે દરમિયાન તેલ ગરમ કરવા મુકી દેવું.

હવે ખીરાને 5-6 મીનીટ એક જ દીશામાં ફેંટવું. તે જ્યાં સુધી પ્રમાણમાં ડબ્બલ ન થાય ત્યાં સુધી તેને ફેંટે રાખવું.

હવે તેમાં જીણી સમારેલી ડુંગળી એડ કરવી.

ત્યાર બાદ તેમાં જીણા સમારેલા મરચા એડ કરવા.

ત્યાર બાદ તેમાં લસણ, આદુ અને કોથમીર, મીઠુ અને ચપટી બેકીંગ સોડા એડ કરવા.

હવે બધું ફરી એક જ દીશામાં હલાવવું.

બધું બરાબર મીક્સ થાય એટલે. ગરમ થયેલા તેલને મીડીયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવા અને દાળ વડા તળી લેવા.

તેને ખુબ જ ધીરજથી તળવા. અને પલટતા રહેવા.

હળવા બ્રાઉન થાય એટલે કાઢી લેવા.

હવે તેને ગરમાગરમ ચા, તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરવા.

નોંધઃ અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાળવડા અધકચરા તળવા. અને જ્યારે તમારે ખાવા હોય ત્યારે તેને ફરી ફુલ ફ્રાય કરી લેવા. તેમ કરવાથી દાળવડા બહારથી ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ થશે.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

દાળવડાની સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *