આચારી વેજ પનીર દમ બિરયાની – મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા છે…

આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)

એવું કહી શકાય કે જેમ બિરયાની બનતા વધારે સમય લે તેમ તેનો સ્વાદ વધે. ઉમેરેલા મસાલા, કેસર અને તેજાનાની સુગંધ ધીમા તાપે દમ લાગે તેમ ભળતી જ જાય.સમય લાગે બનતા પણ ધીરજના ફળ મીઠા હોય તેમ બનેલી બિરયાની પણ ખાધા પછી યાદ રહે તેવી બને… કાશ્મીર થી લઇ દક્ષિણમાં તેલંગણા સુધી પૂરા ભારતમાં બિરયાની બધાની ભાવતી અને પ્રખ્યાત છે… ભાત-ભાતની રીતે બનતી હોય છે… પ્રદેશ અલગ એમ રીત અલગ, મસાલા અલગ પણ મૂળ સામગ્રી એ જ…

આજે અહીં મેં 1-2 નવા ingredients સાથે સામાન્ય રીતે બનતી વેજ દમ બિરયાની બનાવી છે… મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા અને ચટાકેદાર નવા સ્વાદની બિરયાની તૈયાર…. રેસિપીમાં કહું કયા છે એ મેજિકલ ઘટકો…

સમય: 2 કલાક, સર્વિંગ: 3-4 વ્યક્તિ

ઘટકો:

  • • 1 કપ બાસમતી ચોખા
  • • 2-3 લવિંગ
  • • 1 ચક્રફૂલ
  • • 1 તજનો ટુકડો
  • • 2-3 ઈલાયચી
  • • 1-2 ટુકડા જાવંત્રીના
  • • 1 તમાલપત્ર
  • • 1 લીંબુની પાતળી સ્લાઇસ
  • • 1 ટીસ્પૂન મીઠું
  • • 1 ટીસ્પૂન ઘી
  • • 4-5 કપ પાણી
  • • 2 ડુંગળી (બિરસ્તો બનાવવા માટે)
  • • તેલ (તળવા માટે)
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 2 ટેબલ સ્પૂન ઘી
  • • 1/2 કપ દૂધ
  • • થોડું કેસર
  • • 1/4 કપ બાંધેલો લોટ

🥘મેરીનેશન માટે,

  • • 1/2 કપ મોળું તાજું દહીં
  • • 2-3 ટેબલ સ્પૂન મલાઇ કે ફ્રેશ ક્રીમ
  • • 2 લીલા મરચાં
  • • 10-15 કળી લસણ
  • • 1 મોટો 3 ઇંચ આદું નો ટુકડો
  • • 1 ટેબલ સ્પૂન એવરેસ્ટ બિરયાની મસાલો
  • • 2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1/4 ટીસ્પૂન હળદર
  • • 1-2 ટીસ્પૂન મીઠું
  • • 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ પાઉડર
  • • 2 ટેબલ સ્પૂન બનાવેલો બિરસ્તો
  • • 1 ટેબલ સ્પૂન આચાર મસાલો
  • • 1 ટેબલ સ્પૂન બનાવેલા ખાટા અથાણાનો રસો
  • • 1 ટીસ્પૂન ખાંડ

➡️મેરીનેશનમાં ઉમેરવા માટે,

  • • 100 ગ્રામ પનીર
  • • 1 મોટી ડુંગળી
  • • 1 મોટું ટામેટું
  • • 8-10 ફણસી
  • • 1/2 મિડિયમ ગાજર
  • • 1 મિડિયમ બટાકું
  • • 2-3 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર અને ફુદીનો

રીત:

1️⃣ સૌથી પહેલા ચોખાને ઓસાવીને તૈયાર કરી લેવા. ચોખાને 2-3 વાર સારી રીતે ધોઇ 15 મિનિટ માટે પલાળવા. પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં તજ,લવિંગ, તમાલપત્ર, ઇલાયચી, ચક્રફૂલ, જાવંત્રી, મીઠું અને લીંબુની સ્લાઇસ નાખવી. ઉકળે એટલે ચોખા નાખવા. ઘી ઉમેરવું. અને 70% જેટલા ચોખા ચડે ત્યાં સુધી થવા દેવા. ચોખા સાધારણ કચાશવાળા રહે એટલા જ રાંધવાના છે. પૂરા બફાવા ના જોઇએ. પાણી કાઢી ઠંડા થવા દેવા.

2️⃣ 2 ડુંગળીને પાતળી જુલીયન્સ માં સમારી લેવી. તેલ ગરમ મૂકવું. પછી થોડી થોડી કરીને ડુંગળીને જારામાં રાખી મિડિયમ તાપે લાલ થાય ત્યાં સુધી તળી લેવી. બિરસ્તો તૈયાર છે.

3️⃣ લીલા મરચાં,લસણ અને આદું ને વાટીને પેસ્ટ બનાવી લેવી. ડુંગળી, ટામેટાં, બટાકા, ગાજર, ફણસીને નાના ટુકડા માં સમારી લેવા. પનીર ના પણ નાના ટુકડા કરવા. એક બાઉલમાં દૂધ લઇ તેમાં કેસર ઓગાળવું.

4️⃣ 🥘મેરીનેશન માટે, એક મોટાં બાઉલમાં દહીં લઇ તેમાં લાલ મરચું પાઉડર,મીઠું,હળદર,ખાંડ,ધાણાજીરુ,લસણ આદું મરચાની પેસ્ટ,બિરયાની મસાલો, આચાર મસાલો અને અથાણાનો રસો ઉમેરી મિક્સ કરી લેવા. તેમાં મલાઇ,બિરસ્તો,કોથમીર,ફુદીનો ઉમેરી મિક્સ કરી લેવા.

5️⃣ થોડુંક મિશ્રણ અલગ કાઢી તેમાં પનીર નાખી મિક્સ કરી લેવું. બાકીના મિશ્રણમાં બધા સમારેલા શાક ઉમેરી હલાવી લેવા.15 મિનિટ માટે બન્ને ને મેરીનેટ થવા દેવું.

6️⃣ એક પેનમાં તેલ અને ઘી ગરમ કરી મેરીનેટેડ શાક ઉમેરવું. હલાવી, ઢાંકી ને 10 મિનિટ માટે કુક થવા દેવું. બધું શાક લગભગ ચડી જાય એટલે મેરીનેટેડ પનીર ઉમેરવું. 2-3 મિનિટ થવા દેવું.

7️⃣ તવીને ગેસ પર ગરમ કરવા મૂકવી. એક ઊંડા વાસણમાં ત્રીજા ભાગનું બનેલું શાક પાથરવું. તેના પર ત્રીજા ભાગના રાઇસ પાથરી ઉપર થોડોક બિરસ્તો, કોથમીર અને ફુદીનો મૂકવો. 4-5 ચમચી કેસરવાળું દૂધ બધી બાજુ રેડવું. ફરી 2 વાર આ રીતે શાક અને રાઇસ ના લેયર કરવા. વાસણની કિનારી પર બાંધેલો લોટ લગાવી ઉપર ઢાંકણ મૂકી દબાઇને પેક કરવું.

8️⃣ પછી તેને તવી પર મૂકી ધીમા તાપે 20-25 મિનિટ થવા દેવું. આને દમ લગાવ્યો કહેવાય. તે પછી ખોલીને ગરમાગરમ બિરયાની રાયતા સાથે સર્વ કરવી.

9️⃣ આ રેસીપીમાં આચાર મસાલા સાથે થોડી ખાંડ અને થોડોક અથાણાનો રસો ખાસ ઘટકો છે જેનાથી બિરયાનીને એક નવો પણ ટેસ્ટી ટચ મળે છે..

આમાં બીજા શાક સાથે વટાણા, ફ્લાવર અને કાજુ પણ સરસ લાગે છે…

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *