અળસીની ચટણી – લસણની ચટણી તો તમે ખાતા હશો હવે બનાવો આ નવીન અળસીની ચટણી…

અળસીની ચટણી

સવાર નો નાસ્તો હોય કે જમવાનું હોય જમવા જોડે ચટણી હોય તો જમવા ની મજા આવી જાય. અલગ અલગ જાત ની ચટણી હોય તો તો વધારે જ મજા આવે. એટલે જ હું અહીંયા એક એવી જ ચટણી ની રેસીપી લઇ ને આવી છું એ છે અળસી અને લસણ ની ચટણી. અળસી એ બહુ જ સારો પૌષ્ટિક આહાર છે.

અળસી આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે એટલે રોજ એક ચમચી અળસી તો ખાવી જ જોઈએ. તમે મુખવાસ માં પણ અળસી તો ખાતા જ હશો પણ યે ના ભાવતી હોય તો આ રીતે ચટણી બનાવી ને પણ ખાઈ શકાય છે. આ અળસી અને લસણ ની ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. થેપલા, પરાઠા , ભાખરી કે ભાત જોડે ખાવાની બહુ જ મજા આવે છે.

માંસહારી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે. જો તમે તમારા શરીરને નીરોગી રાખવા ઇચ્છતા હોય તો રોજ એક ચમચી અળસીનો ઉપયોગ કરવો જોઈએ.

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિનું જીવન ખૂબ વ્યસ્ત બની ગયું છે. ખાસ કરીને પુરુષોનું જીવન. ઓફિસમાં ખુરશીમાં સતત બેસીને કામ કરવું ખુબ મુશ્કેલ બની જાય છે. જો તમે તમારા શરીરને ઉર્જાવાન બનાવવા માંગો છો, તો પછી સવારે કામ પર જતા પહેલાં એક ચપટી અળસીનું સેવન કરી લો. તેનાથી આખો દિવસ શરીરમાં શક્તિનો અનુભવ થશે. તો જાણી લો અળસી ચટણી બનાવવાની રીત

  • 1. ૧ કપ અળસી
  • 2. ૩ ચમચી તલ
  • 3. ૧૦ કળી લસણ સમારેલું
  • 4. ૮-૧૦ સૂકા લાલ મરચા
  • 5. ૨ ચમચી તેલ (તલ નું તેલ હોય તો વધારે સારું)
  • 6. મીઠું સ્વાદ પ્રમાણે

1. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને સૂકા લાલ મરચા ઉમેરો.

2. લસણ આછા સોનેરી રંગ નું થાય ત્યાં સુધી સાંતળો.

3. હવે તેમાં તલ ઉમેરો અને તલ ફૂટી જાય પછી તેમાં અળસી ઉમેરો અને ૧-૨ મિનિટ સુધી સાંતળો.

4. હવે ગેસ બંધ કરી દો અને તેમાં મીઠું મીક્ષ કરો.

5. હવે મિશ્રણ ને ઠંડુ પાડવા દોં

6. મિશ્રણ ઠંડુ થઇ જાય પછી તેને મીક્ષર જાર માં લો અને અધકચરું પીસી લો અને ચટણી તૈયાર કરી લો.

7. ચટણી ને બરણી માં ભરી લો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *