બહાર જેવા જ સ્વાદિષ્ટ વડા પાંઉ હવે ઘરે જ બનાવો…

વડા-પાંઉ એ મુંબઈની સ્પેશિયલ આઇટમ છે સેલિબ્રિટીઝ પણ તેના સ્વાદથી બચી નથી શક્યા. પણ અહીં ગુજરાતમા આવીને વડા-પાઉને થોડો ટ્વીસ્ટ આપવામાં આવ્યો છે. મુંબઈમાં વડા પાંઉને શેકવામાં નથી આવતા જ્યારે અહીં શેકવામાં આવે છે. અને ગુજરાતના ફાસ્ટ ફૂડ સ્ટોલમાં તમને એ જ પ્રકારના વડા પાંઉ ખાવા મળશે. તો આજે બનાવો દુકાન જેવા વડા પાંઉ

વડા પાંઉ બનાવવા માટેની સામગ્રી

પોણો કીલો બાફીને મેશ કરેલા બટાટા

1 વાટકી લસણ

2 વાટકી ચણાનો લેટ

સ્વાદ અનુસાર મીઠુ

2 ચમચી મરચુ પાઉડર

½ ચમચી હળદર

½ નાની ચમચી હીંગ

½ ચમચી જીરુ

½ ચમચી ધાણાજીરુ

½ ચમચી ખાવાનો સોડા

1 ટેબલ સ્પૂન કોથમીર

1 ચમચી જીણા સમારેલા મરચા

તળવા માટે તેલ

વડા પાંઉ શેકવા માટે તેલ

વડા પાંઉ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તમારે જેટલા વડા બનાવવા હોય તેટલા બટાટા બફાવા મુકી દેવા.

હવે એક વાટકી જેટલી લસણની ફોલેલી કળીઓ મિક્સરના જારમાં એડ કરવી.

હવે તેમાં એકથી ડોઢ ચમચી લાલ મરચુ પાઉડર એડ કરવો.

હવે તેમાં અરધી ચમચી જીરુ અને અરધી ચમચી મીઠુ એડ કરી તેને મિક્સરમાં વાટી લેવી.

જો સ્મૂધ ન વટાય તો તેમાં થોડું પાણી એડ કરી ચટનીને સ્મુધ વાટી લેવી.

હવે જેટલી ચટની બની હોય તેના કરતાં ડબલ તેલ એક પેનમાં ગરમ થવા મુકવું.

તેલને વધારે ગરમ નથી થવા દેવાનું. થોડું તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં લસણની ચટની ઉમેરી દેવી.

હવે તેને 4-5 મીનીટ થોડી સાંતળી લેવી, રંગ થોડો બદલાય અને લસણની સરસ સ્મેલ આવે તેટલી જ સાંતળવી વધારે સાંતળવી નહીં.

હવે વડા બનાવવા માટે ચણાના લોટનું ખીરુ તૈયાર કરવા માટે બે વાટકી ચણાનો લોટ લેવો.

જેમાં અરધી ચમચી જેટલું લાલ મરચું, થોડું ધાણાજીરુ, થોડી હળદર, થોડી હીંગ એડ કરી બધું બરાબર મીક્સ કરી લેવું.

હવે તેમાં અરધી ચમચીથી ઓછો ખાવાનો સોડા એડ કરવો. હવે તેના પર એક લીંબુ નીચોવી દેવું જેથી કરીને કુકીંગ સોડા એક્ટીવેટ થઈ જાય.

હવે તેમાં ધીમે ધીમે પાણી એડ કરીને ખીરું તૈયાર કરી લેવું. ખીરું વધારે પાતળુ ન બનાવવું.

હવે બાફેલા બટાટાની છાલ ઉતારી લેવી. અને સાથે સાથે એક ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર અને એક ચમચી જીણા સમારેલા મરચા તૈયાર કરી લેવા.

હવે એક બોલમાં છાલ ઉતારેલા બટાટા મેશ કરી લેવા અને તેમાં જીણા સમારેલા મરચા, અને કોથમીર ઉમેરી દેવા.

હવે તેમાં અરધી ચમચી મીઠુ અને એક ચમચી લીંબુ ઉમેરી દેવું તેમજ એક ચમચી ખાંડ પણ ઉમેરી દેવી. હવે બધું બરાબરમ મીક્સ કરી લેવું.

હવે તમે જે બટાટા વડા નોર્મલી બનાવો તે નાના બનાવતા હશો તો તેના કરતાં ડબ્બલ મોટા બટાટા વડા બનાવવા.

આ દરમિયાન તેલ પણ ગરમ કરવા મુકી દેવું.

તેલ ગરમ થઈ જાય એટલે ચણાના લોટના ખીરામાં વડાને બરાબર ડીપ કરવું.

હવે બટાટા વડાને બરાબર તળી લેવા. ગેસ મધ્યમ રાખવો, બળી ન જાય તેનું ધ્યાન રાખવું.

બધી જ બાજુથી વડા બરાબર તળાઈ ગયેલા હોવા જોઈએ.

હવે બરાબર તળાઈ ગયેલા વડા તેલમાંથી કાઢી લેવા. તો તૈયાર છે વડા પાંઉના વડા.

હવે વડા પાંઉના જે પાંઉ આવતા હોય છે તેને વચ્ચેથી કાપી લેવા. તેને પુરા કટ નથી કરવાના.

હવે ગેસ પર તવો ગરમ થવા માટે મુકી દેવો અને તેના પર થોડું તેલ એડ કરવું અને જેમ આપણે ભાજી પાંઉના પાંઉ શેકીએ તેમ પાંઉની અંદરની બાજુ હળવુ શેકી લેવું. અહીં તમે તેલની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો.

હવે પાંઉની અંદરની બાજુએ તૈયાર કરેલી લસણની ચટની લગાવી લેવી અને તેને પણ તવા પર તેલ લગાવીને દબાવીને શેકી લેવું.

હવે તે પાંઉમાં એક વડુ મુકી દેવું અને ફરી પાંઉને બહારની બાજુએથી દબાવીને બરાબર તેલ નાખીને શેકી લેવા.

તો તૈયાર છે અમદાવાદના જયભવાની જેવા સ્વાદિષ્ટ વડા પાંઉ.

રસોઈની રાણીઃ નીધી પટેલ

સ્વાદિષ્ટ વડા પાઉં બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *