કંઈક તીખું અને નવીન ખાવાનું મન છે તો ટ્રાય કરી લો આ ખાસ વાનગી, સ્વાદની સાથે બદલાશે ડિશનો લૂક

વરસાદની સીઝનમાં ગરમાગરમ ભજીયા, પકોડા ખાવાની મજા આવતી હોય છે. જે ઘણી બધી જાતના અને અલગ-અલગ રીતથી બનતા હોય છે. જેમાંથી એક છે બ્રેડ પકોડા. જેમાં બ્રેડના બે પડની વચ્ચે મસાલાનું સ્ટફીંગ, ચટણી, પનીર વગેરે મૂકીને, આ બ્રેડ સેન્ડવીચને બેસનના ખીરામાં બોળી બાકી ભજીયાની જેમ તળવામાં આવે છે. ઓછા તેલમાં શેલોફ્રાય પણ કરી શકાય છે. ઉતરતા ગરમા ગરમ બ્રેડ પકોડા ગરમાગરમ ચા અને કેચઅપ, ચટણી સાથે મસ્ત લાગે છે. જો એમાં વરસતા વરસાદ ની ઠંડક હોય તો મજા બમણી થઈ જાય છે. તો જાણો સરળ રેસિપિ અને માણો મજા.

સમય: 40 મિનિટ

સર્વિંગ: 20 નંગ( 4-5 વ્યક્તિ માટે)

સામગ્રી:

10 નંગ કિનારી કાપેલી બ્રેડ (વ્હાઇટ કે બ્રાઉન)

સ્ટફીંગ નો મસાલો બનાવવા માટે

• 4 મિડિયમ સાઇઝ બટાકા
• 8-10 કળી લસણ
• 3-4 તીખા લીલા મરચાં
• 1 ટુકડો આદું
• 8-10 મીઠા લીમડાનાં પાન
• 1/2 ટીસ્પૂન રાઇ
• ચપટી હીંગ
• 1 ટેબલ સ્પૂન તેલ
• 1/2 ટીસ્પૂન હળદર
• 3-4 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
• 1 ટીસ્પૂન ગરમ મસાલો
• 1/2 ટીસ્પૂન આમચૂર પાઉડર
• 1 લીંબુનો રસ

ખીરું બનાવવા માટે

• 2 કપ ચણાનો લોટ કે બેસન
• 1 ટીસ્પૂન મીઠું
• 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
• 1 ટીસ્પૂન અજમો
• ચપટી સોડા

તળવા માટે તેલ

રીત:

સૌથી પહેલા બટાકાને વરાળથી બાફી, ઠંડા પડે એટલે છાલ નીકાળી મેશ કરી લેવા. આદું લસણ મરચાંને છોલી ટુકડા માં સમારી લેવા. તેને થોડું મીઠું ઉમેરી એકરસ વાટી લેવા. મીઠા લીમડાનાં પાન ને ઝીણા સમારી લેવા. એક કઢાઇમાં તેલ ગરમ મૂકી રાઇ,હીંગ નાખી વઘાર કરવો. તેમાં મીઠો લીમડો અને આદું લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળવી. તેમાં હળદર નાખવી. પછી બટાકાનો માવો ઉમેરી હલાવી બરાબર મિક્સ કરી લેવો. તેમાં આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું, સમારેલી કોથમીર નાખી ફરી બરાબર મિક્સ કરી લેવું. જો લીલા મરચાં મોળા હોય તો થોડું લાલ મરચું પણ ઉમેરવું. મસાલામાં છેલ્લે ઉપરથી લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવો. સ્ટફીંગ નો મસાલો તૈયાર છે. એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું, લાલ મરચું અને અજમો નાખી જરુર મુજબ પાણી ઉમેરી જાડું ભજીયાનું હોય તેવું ખીરું બનાવવું. ખીરું પાતળું ના બને તેનું ધ્યાન રાખવું. બ્રેડ સોફ્ટ હોવાથી બહુ ઢીલા ખીરામાં પોચી પડી તરત તૂટી જશે. અડધી બ્રેડ પર બધી તરફ એકસરખો લાગે તે રીતે બટાકાનો મસાલો લગાવવો. બાકીની અડધી બ્રેડને મસાલા વાળી બ્રેડ પર મૂકી સ્લાઇસ તૈયાર કરવી. દરેક બ્રેડ સેન્ડવીચ ને ચાર ત્રિકોણ ટુકડામાં કાપી લેવી. હવે તેલ ગરમ મૂકવું. તૈયાર કરેલા ખીરામાં સોડા નાખી મિક્સ કરી લેવું. તેલ ગરમ થાય એટલે એક એક બ્રેડ સ્લાઇસને ખીરામાં બોળી તરત જ ગરમ તેલમાં મૂકવી. પકોડા એક બાજુ તળાઇ જાય એટલે ઊલ્ટાવીને બીજી બાજુ તળવા. બધા બ્રેડ પકોડા આ રીતે બનાવી લેવા. ગરમાગરમ જ ચા , કેચઅપ સાથે સર્વ કરવા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *